અયૂબ 3 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર સમક્ષ યોબની ફરિયાદ 1 આખરે યોબ બોલી ઊઠયો અને તેણે પોતાના જન્મદિવસને શાપ દીધો. 2 યોબે આમ કહ્યું: 3 “મારા જન્મદિવસનો સત્યાનાશ હો, અને ‘પુત્રનો ગર્ભ રહ્યો છે’ એવી ખબર પડી એ રાતનો પણ સત્યાનાશ હો. 4 તે દિવસ અંધકારમય બની રહો, અને આકાશમાંના ઈશ્વર તેને ગણતરીમાં ન લો; તેના પર કોઈ પ્રકાશ ન થાઓ. 5 એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો. 6 તે રાતને પણ ઘોર અંધારું જકડી લો, વર્ષની તારીખોમાં એનું કોઈ સ્થાન ન રહો, અને મહિનાઓમાં એની ગણતરી ન થાઓ. 7 તે રાત વંધ્યા બની રહો; તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ. 8 લેવિયથાનને છંછેડીને જગાડવામાં ચતુર સાધકો અને સમુદ્રને શાપ દેનારા, તેને શાપ દો. 9 તેના પરોઢના તારા અંધકારમાં ગરક થઈ જાઓ, તે અજવાળાને ઝંખે, પણ તે તેને ન મળો, તે કદી પ્રભાતનાં કિરણો ન જુએ; 10 કારણ, મારી આંખો વિપત્તિ જુએ જ નહિ, તે માટે તેણે મને જનમતો અટકાવ્યો નહિ. 11 હું ગર્ભસ્થાનમાં જ મૃત્યુ કેમ ન પામ્યો? અથવા જનમતાંની સાથે જ મારો પ્રાણ કેમ ચાલ્યો ગયો નહિ? 12 શા માટે મારી જનેતાએ મને ખોળામાં રમાડયો? શા માટે તેણે મને સ્તનપાન કરાવ્યું? 13 નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત. 14 હાલ ખંડેર હાલતમાં છે એ મકબરા પોતાને માટે બાંધનાર પૃથ્વીના રાજવીઓ અને તેમના પ્રધાનોની સાથે 15 અથવા પોતાના દફન આવાસોને સોનાચાંદીથી ભરી દેનાર રાજકુંવરોની સાથે હું હોત: 16 ગર્ભપાતથી મરેલું જ જન્મ્યું હોય અને સંતાડી દીધું હોય, અને જેમણે જન્મીને પ્રકાશ જોયો જ નથી તેવાં બાળકોની જેમ મારી પણ હયાતી ન હોત. 17 ત્યાં મૃત્યુલોક શેઓલમાં દુષ્ટોય ચૂપ થઈ જાય છે, અને થાકેલાઓ ત્યાં વિશ્રામ પામે છે. 18 ગુલામો પણ ત્યાં નિરાંત અનુભવે છે. કારણ, ત્યાં તેમને મુકાદમોની બૂમો સાંભળવી પડતી નથી. 19 ત્યાં નાના મોટા સૌ સરખા છે અને ગુલામ પોતાના માલિકથી મુક્ત છે. 20 દુ:ખીઓને પ્રકાશ, અને ગમગીનોને જીવન કેમ અપાય છે? 21 તેઓ મોતને માટે તલપે છે, દાટેલો ખજાનો શોધવા ખોદવું પડે એથી વિશેષ પ્રયત્નો એને માટે કરે છે, પણ તે જડતું નથી. 22 દફનના સ્થાને પહોંચતાં તેઓ હરખાય છે, અને કબરમાં જાય ત્યારે તેઓ અતિ આનંદ માને છે. 23 જે માણસનું ભાવિ ધૂંધળું છે, અને ઈશ્વરે જેને સકંજામાં લીધો છે તેને પ્રકાશ શા કામનો? 24 મારા નિસાસા એ જ મારો ખોરાક બન્યા છે, અને મારા ઊંહકારા પાણીની પેઠે રેડાય છે. 25 જેની મને દહેશત હતી તે જ મારા પર આવી પડયું. જેનો મને ડર હતો તેણે જ મને પકડી પાડયો છે. 26 મને નથી નિરાંત કે નથી શાંતિ; અને નથી ચેન, પણ છે માત્ર સંતાપ!” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide