Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 29 - પવિત્ર બાઇબલ C.L.


યોબનું આખરી વક્તવ્ય

1 યોબે ફરીથી પોતાનો સંવાદ જારી રાખતાં કહ્યું;

2 “જે દિવસોમાં ઈશ્વર મારી સંભાળ લેતા હતા એ પ્રથમના સમયમાં હું જેવો હતો તેવો ફરીથી બની જાઉં તો કેવું સારું!

3 ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો. હું અંધકારમાં થઈને ચાલતો ત્યારે તે મને પ્રકાશ આપતા.

4 ત્યારે હું મારા જીવનની ચડતી દશામાં હતો અને ઈશ્વર મારા તંબૂની રક્ષા કરતા હતા.

5 ત્યારે સર્વસમર્થ મારી સાથે હતા, અને મારાં સંતાનો મને વીંટળાયેલાં હતાં.

6 મારાં પગથિયાં જાણે દૂધે ધોવાતાં અને ખડકોમાંથી તેલની ધારાઓ વહેતી.

7 જ્યારે નગરના વડીલો ચોકમાં મળતા, અને હું ચોકમાં તેઓ વચ્ચે મારું સ્થાન લેતો;

8 ત્યારે યુવાનો મને જોઈને માર્ગ આપતા, અને વૃદ્ધો આસન પરથી ઊભા થતા.

9 આગેવાનો તેમની વાતચીત બંધ કરી દેતા, અને પોતાના મુખ પર હાથ મૂકીને મૌન થઈ જતા.

10 અમીરો બોલતા બંધ થઈ જતા; તેમની જીભ તાળવે ચોંટી જતી.

11 મારા વિષે સાંભળનારા મને ધન્યવાદ આપતા, અને મને જોનારા મારું સન્માન કરતા.

12 કારણ, મેં રડતા ગરીબોને ઉગાર્યા હતા, અને અનાથ નિરાશ્રિતોને હું સહાય કરતો.

13 વિનાશને આરે આવી ગયેલાં મારી મદદને લીધે મને આશિષ આપતા, અને વિધવાઓનાં દિલને હું હર્ષનાં ગીતોથી ભરી દેતો.

14 મેં સદાચાર પહેરી લીધો હતો અને તેણે મને ઢાંકી દીધો હતો, મારી નેકી મારા ઝભ્ભા અને પાઘડી સમાન હતી.

15 હું આંધળાની આંખો હતો, અને પાંગળાનો પગ હતો.

16 હું કંગાલોને પિતાની ગરજ સારતો, અને અજાણ્યાઓની ગરજ જાણીને તેમને સહાય કરતો.

17 હું નિર્દય માણસોનાં જડબાં તોડી નાખતો, અને તેમના દાંતમાંથી હું તેમનો શિકાર છોડાવતો.

18 મેં તો ધારેલું કે મારી જિંદગીના દિવસો રેતીના કણ જેટલા અસંખ્ય હશે, અને હું મારા પરિવાર વચ્ચે મરણ પામીશ.

19 પાણી સુધી જેનાં મૂળ પ્રસરેલાં હોય, અને જેની ડાળીઓ ઝાકળથી ભીંજાતી હોય તેવા વૃક્ષ જેવો હું હતો.

20 મારી પ્રતિભા હમેશા તાજી રહેતી, અને મારા હાથમાંનું ધનુષ્ય બળવત્તર થતું હતું.

21 ત્યારે લોકો મારી સલાહ ધ્યનથી સાંભળતા, મારો અભિપ્રાય જાણવા તેઓ ચૂપ રહેતા.

22 મારું બોલવાનું પૂરું થયા પછી તેઓ આગળ બોલતા નહિ, અને મારી વાતો વરસાદના ટીંપાની જેમ સોંસરી ઊતરી જતી.

23 તેઓ વરસાદની જેમ મારી વાટ જોતા, અને પાછલા વરસાદની જેમ મોં વકાસીને મારી આતુરતાથી રાહ જોતા.

24 તેઓ હતાશ થઈ ગયા હોય ત્યારે હું તેમને મોં મલકાવીને ઉત્તેજન આપતો, અને મારો ખુશમિજાજી ચહેરો તેમને નિરાશાથી બચાવતો.

25 હું તેમની સભામાં આગેવાન તરીકે બિરાજતો. રાજા પોતાના સૈન્યને દોરે તેમ હું તેમને દોરવણી આપતો, અને તેમની હતાશાના સમયમાં તેમને સાંત્વન આપતો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan