અયૂબ 28 - પવિત્ર બાઇબલ C.L.જ્ઞાન ક્યાંથી મળે? 1 “ચાંદી માટે ખાણ હોય છે, અને સોનાને શુદ્ધ કરવાની જગા હોય છે. 2 લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને ખડકમાંથી તાંબુ ગાળવામાં આવે છે. 3 માણસો અંધકારને ભેદે છે, તેઓ ઘોર અંધારી ખાણમાં છેક ઊંડે ઊતરીને પથ્થરો ખણી કાઢે છે. 4 માનવવસવાટથી દૂર ખાણોમાં તેઓ ઊંડા બાકોરાં ખોદે છે; જ્યાં રાહદારીઓ ભૂલથીય જતા નથી, ત્યાં એકાંતમાં તેઓ દોરડાં પર લટકીને ઝૂલે છે. 5 ધરતીમાંથી અન્ન ઊપજે છે, પણ તેના પેટાળમાં બધું અગ્નિમાં ખદબદે છે. 6 ત્યાંથી જ કીમતી પથ્થરો અને નીલમણિ મળી આવે છે, અને તેની ધૂળમાં સોનું ભળેલું હોય છે. 7 કોઈ શિકારી પક્ષી તે ખાણોનો માર્ગ જાણતું નથી, અને ગરૂડની નજરે પણ તે માર્ગ પડયો નથી. 8 હિંસક પશુઓનાં પગલાં ત્યાં પડયાં નથી, અને સિંહ પણ ત્યાંથી પસાર થયો નથી. 9 ચકમકના ખડકો પર માણસો હાથ અજમાવે છે, અને પહાડોને પણ પાયામાંથી ઉથલાવી નાખે છે. 10-11 ખડકો કોતરીને તેઓ ભોંયરાં બનાવે છે અને તેમની આંખો મૂલ્યવાન રત્નો નિહાળે છે. તેઓ નદીઓનાં ઉગમસ્થાનો પણ શોધી કાઢે છે અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. 12 પરંતુ જ્ઞાન! તે ક્યાંથી જડે, અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? 13 એ કેવું અપ્રાપ્ય છે તેની માણસને ખબર નથી, અને તે સજીવોની ભૂમિમાં જડતું નથી. 14 પાતાળ કહે છે, ‘તે મારામાં ઉપલબ્ધ નથી’ અને સમુદ્ર કહે છે, ‘તે મારી પાસે પણ નથી.’ 15 સોનાની લગડીઓના બદલામાં તે ખરીદી શકાય નહિ, ચાંદી જોખીને પણ એનું મૂલ્ય ચૂકવી શકાય નહિ. 16 ઓફિરના વિશુદ્ધ સોનાથી પણ તે ખરીદી શકાય નહિ, કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિથી તેની કીમત થાય નહિ. 17 તેની તુલના સુવર્ણ કે સ્ફટિક સાથે થઈ શકે નહિ, અને અતિ કીમતી સુવર્ણ અલંકારોના સાટામાં તે મળે નહિ. 18 પરવાળાં અને સ્ફટીકમણિની વાત જ કરવી નહિ, કારણ, કીમતી માણેક કરતાં પણ જ્ઞાન અધિક મૂલ્યવાન છે. 19 કૂશ દેશનો પોખરાજ મણિ તેની બરાબરી કરી શકે નહિ અને શુદ્ધ સુવર્ણથી તેની કીમત આંકી શકાય નહિ. 20 એ જ્ઞાનનું ઉગમસ્થાન કયાં? અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? 21 કારણ, સર્વ સજીવોની આંખોથી તે છુપાયેલું છે, અને આકાશનાં પક્ષીઓથી પણ તે સંતાયેલું છે. 22 અધોલોક અને મૃત્યુલોક કહે છે, ‘અમારા કાનોએ માત્ર તેની અફવા સાંભળી છે!’ 23 કેવળ ઈશ્વર જ જ્ઞાન તરફ જતો માર્ગ જાણે છે અને તેમને જ તેના નિવાસસ્થાનની ખબર છે. 24 કારણ, ઈશ્વર ધરતીના છેડા સુધી જોઈ શકે છે, અને આકાશ તળે સઘળાંને નિહાળે છે. 25 જ્યારે ઈશ્વરે વાયુને વજન બક્ષ્યું, અને સાગરોની સીમા ઠરાવી; 26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને ગાજવીજનો માર્ગ નિર્ધારિત કર્યો; 27 ત્યારે તેમણે જ્ઞાનને નિહાળ્યું અને તેની તુલના અને ચક્સણી કરીને તેને અનુમોદન આપ્યું. 28 ઈશ્વરે માણસોને કહ્યું, ‘પ્રભુનો આદરપૂર્વક ભય રાખવો એ જ સાચું જ્ઞાન છે, દુષ્ટતાથી વિમુખ થવું તે જ સાચી સમજ છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide