અયૂબ 24 - પવિત્ર બાઇબલ C.L.1 “સર્વસમર્થ શા માટે ન્યાયનો સમય ઠરાવતા નથી? શા માટે તેમના ભક્તો ન્યાયના દિવસો જોતા નથી? 2 દુષ્ટો જમીનની હદ દર્શાવતા પથ્થરો ખસેડે છે, અને બીજાંનાં ઘેટાં ચોરી લઈને પોતાના ટોળામાં સમાવી દે છે. 3 તેઓ અનાથોનાં ગધેડાં હાંકી જાય છે અને વિધવાના બળદને ગીરવે રાખે છે. 4 તેઓ કંગાલોને માર્ગમાંથી હડસેલી કાઢે છે, અને ગ્રામ્ય દરિદ્રીઓને સંતાવાની ફરજ પાડે છે. 5 જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે. 6 તેઓ શોષણખોરોના ખેતરોમાં ઘાસ કાપે છે, અને દુષ્ટોની દ્રાક્ષવાડીઓમાં દ્રાક્ષ વીણે છે. 7 તેઓ આખી રાત ઓઢયા વગર ઉઘાડાં સૂઈ જાય છે, અને ઠંડીમાં પણ તેમની પાસે કંઈ ઓઢવાનું હોતું નથી. 8 તેઓ ડુંગરાઓમાં વરસાદથી પલળી જાય છે, અને કોઈ આશરો નહિ હોવાથી ખડકની ઓથે જાય છે. 9 દુષ્ટો ધાવતાં અનાથ બાળકોને આંચકી લે છે, અને ગરીબોનાં સંતાનોને દેવા પેટે ગીરવે રાખે છે. 10 એ ગરીબો નવસ્ત્રા રખડે છે, અને અનાજના પૂળા ઊંચકનારા જ ભૂખ્યા રહે છે. 11 તેઓ નીકમાં ઓલિવ તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષ ખૂંદે છે, છતાં તરસ્યા રહે છે. 12 નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી. 13 દુષ્ટો પ્રકાશની વિરુદ્ધ બંડ પોકારે છે, અને તેમને પ્રકાશના માર્ગની જાણ નથી; અને એ માર્ગમાં તેઓ ટકી શક્તા નથી. 14 નિર્બળ અને લાચાર ગરીબની હત્યા કરવા ખૂની પરોઢિયે જ ઊઠી જાય છે, અને પાછા રાત્રે ચોરી કરે છે. 15 વ્યભિચારીની આંખ સાંજના અંધારાની વાટ જુએ છે. એ વિચારે છે કે કોઈ મને જોશે નહિ. વળી, તે પોતાનું મોં ઢાંકવા બુકાની બાંધે છે. 16 તેઓ રાત્રે ઘરોમાં ખાતર પાડે છે, અને દિવસે બંધબારણે ભરાઈ રહે છે; તેઓ અજવાળાને ઓળખતા જ નથી. 17 કારણ, ઘોર અંધકાર તેમને માટે સવાર જેવો છે, અને તેઓ અંધકારભર્યા આંતકના મિત્રો છે.” સોફારનું વક્તવ્ય 18 “દુષ્ટો પૂરના સપાટે તણાઈ જાય છે, અને તેમના હિસ્સાની જમીન શાપિત હોય છે; અને તેમની દ્રાક્ષવાડી તરફ કોઈ વળતું નથી. 19 જેમ ગરમી અને અનાવૃષ્ટિમાં બરફનાં પાણી પણ શોષાઈ જાય છે, તેમ મૃત્યુલોક શેઓલ પાપીઓને ગળી જાય છે. 20 દુષ્ટને તેની જનેતા પણ ભૂલી જાય છે; કીડા તેને કોતરી ખાય છે, કોઈ તેને યાદ કરતું નથી અને સડેલા વૃક્ષની જેમ તે નાશ પામે છે. 21 કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી. 22 પરંતુ ઈશ્વર પોતાની શક્તિથી જુલમીઓને અંકુશમાં લે છે; ઈશ્વર ઊઠે છે એટલે તેમનાં જીવન સલામત રહેતાં નથી. 23 ઈશ્વરે જ તેમને સલામત રાખ્યા અને સદ્ધર કર્યા; પણ ઈશ્વરની આંખો સતત તેમની ચાલચલગત પર હોય છે. 24 અલ્પ સમય માટે તેઓ ઊગી નીકળે છે, પણ પછી નષ્ટ થાય છે; નકામા છોડની જેમ તેઓ કરમાઈ જાય છે; તેઓ ધાન્યના કણસલાંની જેમ કપાઈ જાય છે. 25 આ જો એમ ન હોય તો કોઈ મને જૂઠો સાબિત કરે; અને મારા શબ્દોમાં કંઈ તથ્ય નથી એ પુરવાર કરે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide