Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 22 - પવિત્ર બાઇબલ C.L.


તૃતીય સંવાદ ( 22:1—27:23 ) એલિફાઝનું વક્તવ્ય

1 ત્યાર પછી એલિફાઝ તેમાનીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “શું કોઈ માણસ ઈશ્વરને ઉપયોગી થાય ખરો? અરે, કોઈ મહાજ્ઞાની માણસ પણ ઈશ્વરને લાભકારક નીવડે ખરો?

3 તું નેક હો તો તેમાં સર્વસમર્થને રાજી થવા જેવું શું છે? અને તારા સદાચરણથી તેમને શો લાભ થાય?

4 શું તે તને ભક્તિભાવને લીધે ઠપકો આપે છે, અને તારા પર મુકદમો ચલાવે છે?

5 ના, એ તો તારી ઘોર દુષ્ટતાનું પરિણામ છે; તારા અપરાધોનો પાર નથી.

6 તેં તારા જાતભાઈએ ગીરે મૂકેલી થાપણ અન્યાયથી પડાવી લીધી છે; અને દેણદારોનાં વસ્ત્ર ઉતારી લઈ તેમને નગ્ન કર્યાં છે.

7 થાકેલાંને પીવાનું પાણી ય આપ્યું નથી, અને ભૂખ્યાંને ભોજનથી વંચિત રાખ્યાં છે.

8 તેં જબરદસ્તીથી લોકોની જમીન પચાવી પાડી છે અને તારા ઉચ્ચ પદનો ગેરલાભ લઈ તેમાં વસવાટ કર્યો.

9 તેં સહાય માટે આવેલી વિધવાઓને ખાલી હાથે પાછી કાઢી છે, અને અનાથો પર અત્યાચાર કર્યો છે.

10 તેથી જ હવે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અણધાર્યો આતંક તને ડરાવે છે.

11 જેમાં થઈને જોઈ ન શકાય એવો અંધકાર તને ગભરાવે છે, અને પૂરનાં પાણી તારા પર ફરી વળ્યાં છે.

12 શું ઈશ્વર સ્વર્ગમાં સર્વોચ્ચ સ્થાને બિરાજેલા નથી? તે ઉપરથી તારાઓને જુએ છે; અને તારા યે કેટલા ઊંચા છે!

13 તેમ છતાં તું કહે છે; ‘ઈશ્વર શું જાણે? ગાઢ વાદળાંમાં થઈને તેમને શું દેખાવાનું છે કે તે ન્યાય કરી શકે?’

14 ઈશ્વર આકાશના ગુંબજ પર વિચરે છે. ત્યારે ઘાડાં વાદળો તેમને આવરી લે છે, તેથી તે જોઈ શક્તા નથી.

15 જે અંધારે માર્ગે દુષ્ટો ચાલ્યા તે જ માર્ગને તું વળગી રહેવા માગે છે?

16 તેઓ તો તેમનો નિયત સમય પૂરો થાય તે પહેલાં ઝડપી લેવાયા, અને ધરમૂળથી પૂરમાં તણાઈ ગયા.

17 તેઓ ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો’ સર્વસમર્થ અમને શું કરી લેવાના છે?’

18 પરંતુ ઈશ્વરે જ તેમનાં ઘર સારાં વાનાથી ભરી દીધાં હતાં; દુષ્ટો માટેના એ ઈરાદા મને સમજાતા નથી.

19 દુષ્ટોને થતી સજા જોઈને નેકજનો હરખાશે અને નિર્દોષજનો ઘૃણાપૂર્વક તેમની મશ્કરી કરશે.

20 તેઓ કહે છે, ‘અમારા વૈરીઓ સંહાર પામ્યા છે, અને તેમાંથી બચી છૂટયા તેમને અગ્નિએ ભસ્મ કર્યા છે.’

21 તેથી યોબ, તું ઈશ્વર સાથે સમાધાન કર અને શાંતિ સ્થાપ; તેમ કરવાથી જ તારું ભલું થશે.

22 તેમના મુખનો બોધ ગ્રહણ કર, અને તેમનાં કથનો તારા હૃદયમાં રાખ.

23 જો તું સર્વસમર્થ પાસે પાછો ફરીશ, તો તું સંસ્થાપિત થશે; તેથી તારા નિવાસમાંથી ભૂંડાઈ દૂર કર.

24 તારું સોનું ધૂળમાં ફેંકી દે; ઓફિરનું શુદ્ધ સોનું નાળાના પથરામાં નાખી દે.

25 પછી તો સર્વસમર્થ તારું સોનું બની રહેશે; તે જ તારું કિંમતી રૂપું બની જશે.

26 તું સર્વસમર્થમાં આનંદ કરીશ, અને ઈશ્વર તરફ આનંદથી તારું મુખ ઉઠાવશે.

27 તું પ્રાર્થના કરશે ત્યારે ઈશ્વર ઉત્તર દેશે, અને તું તારી માનતાઓ પૂરી કરશે.

28 તારો પ્રત્યેક નિર્ણય સફળ થશે, અને તારા માર્ગો પર પ્રકાશ પથરાશે.

29 લોકો કોઈને ઉતારી પાડે ત્યારે તું તેની ઉન્‍નતિ માટે પ્રાર્થના કરશે, તો ઈશ્વર એવા પતિતોનો ઉદ્ધાર કરશે.

30 નિર્દોષ ન હોય તેને પણ ઈશ્વર ઉગારશે, અને તારા હાથોની શુદ્ધતા તેને બચાવશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan