Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 21 - પવિત્ર બાઇબલ C.L.


યોબ

1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “મારી વાત તમે ધ્યનથી સાંભળો; તમારી પાસેથી મને એટલા જ આશ્વાસનની અપેક્ષા છે.

3 મારું આટલું સહન કરો અને મને બોલવા દો; હું બોલવાનું પૂરું કરું પછી મારી મજાક કરવી હોય તો કરજો.

4 મારી ફરિયાદ શું કંઈ મર્ત્ય મનુષ્ય સામે છે? તો પછી હું અધીરો કેમ ન બનું?”

5 મને જોઈને અચંબો પામો; મુખ પર હાથ મૂકીને અવાકા બની જાઓ.

6 મારા પર જે આવી પડયું છે તે યાદ કરતાં જ ગભરામણ થાય છે. મારું આખું શરીર ભયથી કંપી ઊઠે છે.

7 શા માટે દુષ્ટો લાંબું જીવે છે, અને વૃદ્ધાવસ્થાએ પહોંચે તેમ શક્તિશાળી બનતા જાય છે?

8 તેમનાં સંતાન તેમની હયાતીમાં જ પગભર થાય છે અને તેમના વંશજો તેમની નજર સામે જ સમૃદ્ધ બને છે.

9 તેમનાં ઘર હરકોઈ ભયથી સુરક્ષિત હોય છે, અને ઈશ્વરની સોટી તેમના કુટુંબ પર વીંઝાતી નથી.

10 તેમના આખલા પ્રત્યેક સંવનનમાં સફળ રહે છે; તેમની ગાયો બચ્ચાં જણે છે અને કોઈ ગર્ભપાત થતો નથી.

11 તેમનાં બાળકો ટોળાબંધ નીકળી પડે છે, અને તેમનાં બાળકો નાચેકૂદે છે.

12 તેઓ ખંજરી અને વીણા સાથે ગીતો ગાય છે, અને વાંસળીના સૂરે કિલ્લોલ કરે છે.

13 દુષ્ટો તેમની જિંદગી આબાદીમાં વિતાવે છે, અને સ્વસ્થતાથી મૃત્યુલોક શેઓલમાં ઊતરી જાય છે.

14 જો કે આ દુષ્ટ લોકો તો ઈશ્વરને કહેતા, ‘અમારાથી દૂર રહો! અમે તમારા માર્ગો વિષે જાણવા માગતા નથી.

15 સર્વસમર્થ વળી કોણ છે કે અમે તેમની સેવા કરીએ, અને તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ?’

16 તેમની આબાદી શું તેમના પોતાના જ હાથમાં નથી? દુષ્ટો માટેના આવા ઈરાદા મને સમજાતા નથી.

17 દુષ્ટોનો દીવો કેટલી વાર ઓલવી નાંખવામાં આવે છે? ક્યારે તેમના પર વિનાશ આવી પડે છે? ક્યારે ઈશ્વર પોતાના ક્રોધમાં તેમને દુ:ખ દે છે?

18 શું તેઓ પવનમાં ઘસડાઈ જતા તણખલા સમાન, અને વંટોળમાં ઊડી જતા ફોતરા જેવા નથી?

19 કહેવાય છે કે, “ઈશ્વર દુષ્ટોનાં સંતાનો માટે અવદશા સંઘરી રાખે છે. પરંતુ પાપીઓને તેમનાં પાપની સજા થાય તો તેમને સમજ પડે!

20 તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.

21 કારણ, તેમની આવરદાનો અંત આવે ત્યારે મરણ પછી શું તેમને પોતાના ઘરકુટુંબની ચિંતા કરવી પડે છે? ”

22 કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવી શકે છે? કોઈ સર્વોચ્ચ ઈશ્વરનો ન્યાય કરી શકે?

23 કેટલાક લોકો મૃત્યુના દિવસ સુધી તંદુરસ્તી ભોગવે છે, અને અંત સુધી સુખચેનમાં જીવે છે.

24 તેમનાં શરીર ષ્ટપૃષ્ટ અને તેમનાં હાડકાં પણ મજ્જાથી ભરેલાં હોય છે.

25 જ્યારે બીજા કેટલાક જીવનમાં દુ:ખ ભોગવતાં મરે છે, અને તેમને સુખનો છાંટો ય મળતો નથી!

26 પરંતુ એ બધા જ એક સરખી રીતે ધૂળ ભેગા થાય છે. અને કીડાઓ તેમને ઢાંકી દે છે!

27 સાચે જ, હું તમારા વિચારો જાણું છું; તમે તો મારી વિરુદ્ધ કાવતરાં ઘડો છો.

28 કારણ તમે પૂછો છો, ‘જુલમગાર ઉમરાવનો મહેલ ક્યાં છે? દુષ્ટો વસતા હતા તે તંબૂઓ ક્યાં છે?’

29 શું તમે પ્રવાસીઓને પૂછયું નથી? શું તમે તેમની વાતો સાંભળી નથી?

30 દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે.

31 દુષ્ટ માણસ પર સામે મોંએ કોણ આરોપ મૂકે? અને તેનાં દુષ્કૃત્યોનો બદલો કોણ વાળે?

32 તેને કબરે દફનાવવા લઈ જવામાં આવે છે. તેની કબર પર ચોકીપહેરો રખાય છે.

33 તેને તો કબરના ખાડામાં પૂરાતાં ઢેફાં ય મીઠાં લાગે છે, અને તેની અંતિમયાત્રામાં આગળપાછળ અસંખ્ય લોકો જોડાય છે.

34 તેથી મિથ્યા બકવાસથી તમે મને શું સાંત્વન આપવાના! તમારા પ્રત્યુત્તરોમાં જૂઠ સિવાય બીજું કશું નથી.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan