Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 20 - પવિત્ર બાઇબલ C.L.


સોફારનું વક્તવ્ય

1 તે પછી સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું;

2 “યોબ, મારા વિચારો મને પ્રત્યુત્તર માટે પ્રેરે છે, અને એથી હું એ માટે અધીરો બની ગયો છું.

3 અમારી દલીલો વિષેનો તારો રદિયો શરમજનક છે, અને મારી આંતરસૂઝ મને ઉત્તર સૂઝાડે છે.

4 શું તું જાણે છે કે પ્રાચીન સમયથી, એટલે માનવજાતને પૃથ્વી પર વસાવવામાં આવી ત્યારથી,

5 દુષ્ટની ખુશાલી અલ્પજીવી હોય છે, અને અધર્મીનો આનંદ ક્ષણિક હોય છે?

6 તેની ઉન્‍નતિ આકાશ સુધી પહોંચે, અને તેનું માથું વાદળાંને ય આંબી જાય,

7 તેમ છતાં પોતાની વિષ્ટાની જેમ તે નષ્ટ થશે. તેના ઓળખીતા પૂછશે, ‘તે ક્યાં ગયો?’

8 તે સ્વપ્નની જેમ ઊડી જશે અને શોયો જડશે નહિ; રાત્રિના સંદર્શનની જેમ તે લોપ થશે.

9 તેની દેખરેખ રાખનાર આંખો તેને ફરીથી જોશે નહિ; તેનું નિવાસસ્થાન તેને ફરીથી જોવા પામશે નહિ.

10 તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે અને તેણે તેના હાથોએ પડાવી લીધેલ સંપત્તિ પાછી આપવી પડશે.

11 તેનાં હાડકાંમાં જુવાનીનું જોમ છે, પણ તે તેની સાથે જ ધૂળમાં ભળી જશે.

12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, અને તે તેને પોતાની જીભ નીચે ભલે સંતાડે,

13 અને તેની લહેજત માણવાને તેને કાઢી નાખવા તૈયાર ન હોય અને તેના પોતાના મુખમાં વાગોળ્યા કરે,

14 તો પણ તેનો એ ખોરાક તેના પેટમાં બદલાઈ જશે, અને તેના જઠરમાં સાપના ઝેર જેવો બની જશે.

15 તેણે હોઈયાં કરેલું ધન તે ઓકી નાખે છે. ઈશ્વર તેને તેના પેટમાંથી પાછું કઢાવે છે.

16 દુષ્ટે સાપનું ઝેર ચૂસવું પડશે, અને નાગનો ક્તિલ ડંખ તેને હણી નાખશે.

17 તે તેલની નદીઓ જોવા જીવતો રહેશે નહિ; તે દૂધમધની ધારા પણ જોવા પામશે નહિ.

18 તેણે પોતાના પરિશ્રમનું ફળ ખાધા વિના પાછું આવવું પડશે, અને તે પોતાની કમાણી માણી શકશે નહિ.

19 કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.

20 તેના લોભને થોભ નથી, તોપણ પોતે સંઘરેલી સંપત્તિ તે સાચવી શકશે નહિ.

21 તેની ભૂખ આગળ કશું બાકી રહેવા પામ્યું નથી, તેથી તેની સમૃદ્ધિ ટકશે નહિ.

22 તેની વિપુલ સમૃદ્ધિના સમયે જ તે તંગીમાં આવી પડશે, અને તેના પર દરેક જાતની વિપત્તિ ત્રાટકશે.

23 તેને પોતાનું પેટ પૂરેપૂરું ભરવા દો; કારણ, ઈશ્વર તેના પર પોતાનો ભયાનક ક્રોધાગ્નિ મોકલશે, અને તેના પર પોતાનો કોપ વરસાવશે.

24 તે લોખંડના હથિયારથી બચી જવા યત્ન કરશે, ત્યારે તાંબાનું બાણ તેને વીંધી નાખશે.

25 તેની પીઠમાંથી બાણ આરપાર નીકળી જશે, એની તેજદાર અણી તેના પિત્તાશયને વીંધીને બહાર આવશે; ત્યારે તેના પર આતંક છવાઈ જશે.

26 તેના ખજાના પર ઘોર અંધકાર વ્યાપી જશે, જેને પેટાવવી પડતી નથી એવી વીજળી તેને ભસ્મ કરી નાખશે, અને તેના તંબૂમાં બચેલું સઘળું સળગી જશે.

27 આકાશ એ દુષ્ટ માણસની ભ્રષ્ટતા ખુલ્લી પાડે છે. અને પૃથ્વી તેની વિરુદ્ધ સાક્ષી પૂરે છે.

28 તેના ઘરની સંપત્તિ તણાઈ જશે, ઈશ્વરના કોપને દિવસે એ ઘસડાઈ જશે.

29 દુષ્ટને ઈશ્વર તરફથી મળેલો એ હિસ્સો છે; તેમણે નીમેલો એ તેનો વારસો છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan