Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 2 - પવિત્ર બાઇબલ C.L.

1 ફરી એકવાર સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.

2 પ્રભુએ શેતાનને પૂછયું: “તું કયાં જઈ આવ્યો?” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “પૃથ્વી પર હું રખડતો હતો, અને ત્યાં આમતેમ લટાર મારતો હતો.”

3 પ્રભુએ શેતાનને કહ્યું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી. તેં તો તેને પાયમાલ કરવા મને વિનાકારણ ઉશ્કેર્યો, છતાં હજી તે પોતાની નિષ્ઠાને દઢતાથી વળગી રહ્યો છે.”

4 શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,

5 પરંતુ તમારો હાથ ઉગામીને તેના શરીરને પીડા આપો, એટલે તે મોઢે ચઢીને તમને શાપ આપશે.”

6 પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, હું તેને તારા હાથમાં સોંપું છું; માત્ર તેનો જીવ બચાવજે.”

7 શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો. તેણે યોબના આખા શરીરમાં પગના તળિયેથી માથાના તાલકા સુધી પીડાદાયક ગૂમડાંનું દર્દ ઉપજાવ્યું.

8 તેથી તેણે શરીરને ખંજવાળવા ઠીકરી લીધી અને રાખના ઢગલામાં જઈને બેઠો.

9 ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “શું તું હજી તારી નિષ્ઠાને વળગી રહ્યો છે? ઈશ્વરને શાપ દે અને મરી જા.”

10 યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ.


યોબના મિત્રોનું આગમન

11 જ્યારે યોબ પર આવી પડેલી વિપત્તિના સમાચાર તેના ત્રણ મિત્રોએ જાણ્યા ત્યારે તેઓ એટલે, એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી પોતપોતાના ઘેરથી નીકળ્યા અને નક્કી કરેલ સ્થળે મળ્યા અને યોબને તેના દુ:ખમાં સહાનુભૂતિ દાખવવા અને આશ્વાસન આપવા ગયા.

12 તેમણે દૂરથી યોબને જોયો ત્યારે તેઓ તેને ઓળખી પણ શક્યા નહિ, તેથી તેઓ પોક મૂકીને રડયા. તેમણે પોતપોતાનો ડગલો ફાડયો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ ઉછાળતાં ઊંડો શોક પ્રગટ કર્યો.

13 તેઓ તેની સાથે સાત દિવસ અને સાત રાત જમીન પર બેસી રહ્યા. યોબની પારાવાર પીડા જોઈને તેમનામાંથી કોઈ એક શબ્દ પણ બોલી શકાયું નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan