અયૂબ 19 - પવિત્ર બાઇબલ C.L.યોબનું વક્તવ્ય 1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું: 2 “ક્યાં સુધી તમે મારા જીવને રીબાવશો, અને તમારા શબ્દોથી મને કચડયા કરશો? 3 દશ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે અને મારું દિલ દુભાવવામાં તમને જરાય શરમ નથી આવતી. 4 ધારો કે મેં પાપ કર્યું જ હોય, તો મારી એ ભૂલ મારે માથે! 5 પણ તમે પોતાને મારા કરતાં ચડિયાતા સમજતા હો, અને મારી નામોશીને મારી વિરુદ્ધનો પુરાવો ગણતા હો, 6 તો હવે સમજી લો કે ઈશ્વરે જ મારી અવદશા કરી છે, અને તેમની જાળ મારા પર ફેંકી છે. 7 મારા પરના જુલમ વિષે હું બૂમ પાડું છું, પણ કોઈ સાંભળતું નથી; હું મદદ માટે પોકાર કરું છું, પણ ન્યાય મળતો નથી. 8 તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે. 9 તેમણે મારો વૈભવ છીનવી લીધો છે, તેમણે મારી પ્રતિષ્ઠાને ધૂળમાં ભેળવી દીધી છે. 10 તેમણે મને ચોમેરથી તોડી પડયો છે અને હું નષ્ટ થઈ ગયો છું; તે મારી આશાને વૃક્ષની જેમ જડમૂળથી ઉખેડી નાખે છે. 11 તેમણે મારી વિરુદ્ધ તેમનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને મને પોતાનો દુશ્મન ગણે છે. 12 તેમનાં લશ્કરો મારા પર એક સાથે ચડી આવે છે, તેઓ મારી વિરુદ્ધ મોરચો બાંધે છે અને મારા તંબૂની આસપાસ ઘેરો ઘાલે છે. 13 તેમણે મારા ભાઈભાંડુને મારાથી દૂર કર્યા છે. મારા પરિચિતોથી હું છેક અપરિચિત થઈ ગયો છું. 14-15 મારા નિકટના સ્નેહીઓએ મને તરછોડી દીધો છે; મારા ઘરમાં વસનારા મને વીસરી ગયા છે. મારી દાસીઓ મને અજાણ્યા જેવો ગણે છે. તેઓ મારી સાથે એક પરદેશીના જેવો વર્તાવ કરે છે. 16 હું મારા નોકરને બોલાવું છું, પણ તે ગણકારતો નથી; મારે તેને ય કાલાવાલા કરવા પડે છે! 17 મારી પત્નીને મારા શ્વાસની સૂગ ચડે છે, અને મારા સહોદરોને તે દુર્ગંધ સમ લાગે છે. 18 અરે, છોકરાં પણ મારો તિરસ્કાર કરે છે; હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે. 19 મારા દિલોજાન દોસ્તો મારી ઘૃણા કરે છે. હું જેમને સૌથી વિશેષ ચાહતો હતો તેઓ મારાથી વિમુખ થયા છે. 20 દાંત જેમ અવાળાંને વળગી રહે છે, તેમ મારાં હાડકાં મારાં માંસ અને ચામડીને વળગી રહ્યાં છે! 21 દયા કરો, મારા પર દયા કરો. તમે તો મારા મિત્રો છો! કારણ, ઈશ્વરના હાથે મારા પર પ્રહાર કર્યો છે. 22 ઈશ્વરની જેમ તમે પણ મને રીબાવો છો! મારું લોહી પીવા છતાં તમે ધરાતા નથી! 23 અરે, મારા શબ્દો કોઈ લખી લે, અને તેમને પુસ્તકમાં નોંધી લે તો કેવું સારું! 24 એમને લોઢાની છીણીથી અને સીસાથી સદાને માટે શિલા પર કોતરવામાં આવે તો કેવું સારું! 25 મને સચોટ ખાતરી છે કે મારો બચાવ કરનાર જીવંત છે; છેવટે પૃથ્વીના પટ પર તે ખડા થશે; 26 અને મારી ચામડી રોગથી ખવાઈ જાય તે પછી પણ હું પંડે તેમનું દર્શન કરીશ. 27 હું તેમને જાતે જ નિહાળીશ; પારકી નહિ, પણ મારી પોતાની જ આંખો તેમનાં દર્શન કરશે. એ વિચાર માત્રથી મારા પેટમાં ધ્રાસકો પડે છે! 28 આમાં મૂળ મારો દોષ છે એમ કહીને તમે મારો પીછો કરવા માગો છો? 29 તો તમારે ય તલવારથી ડરવું જોઈએ; કારણ, ઈશ્વરનો કોપ સંહારની શિક્ષા લાવે છે, અને તમે જાણી લો કે ન્યાય કરનાર કોઈક છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide