Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 18 - પવિત્ર બાઇબલ C.L.


બિલ્દાદનું વક્તવ્ય

1 તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું.

2 યોબ, ક્યાં સુધી તું શબ્દોની જાળ બિછાવીશ? થોડુંક સમજે તો અમને તારી સાથે બોલવાનું ફાવે.

3 શા માટે તું અમને જનાવર જેવા ગણે છે? શું અમે તારી દષ્ટિમાં બુદ્ધિહીન છીએ?

4 તું તારા ક્રોધાવેશમાં તારી જાતને ઘાયલ કરી નાખે, તો પણ તારે લીધે કંઈ પૃથ્વી વેરણખેરણ કરી નંખાશે, અથવા તને સંતોષવા કંઈ પહાડો ખસેડાશે?

5 સાચે જ દુષ્ટનો દીવો ઓલવી નાખવામાં આવશે, અને તેના અગ્નિની જ્યોત ફરી પ્રજ્વલિત થશે નહિ.

6 તેના તંબૂમાંનો પ્રકાશ તદ્દન ઝાંખો પડી જશે; અને તેની પાસેનો દીવો બૂઝાઈ જશે.

7 તેનાં ધમધમતાં પગલાં ધીમાં પડી જશે, તે પોતાની જ કુયુક્તિઓમાં ફસાઈ જશે.

8 તેના પોતાના જ પગ તેને જાળમાં સપડાવશે, અને તે જાતે જ ફાંદામાં પડશે.

9 ફાંસો તેની એડીને જકડી લેશે અને પાશ તેને બાંધી દેશે.

10 તેને માટે જમીન પર જાળ બિછાવવામાં આવી છે, અને તેના માર્ગમાં છટકું ગોઠવાયું છે.

11 આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.

12 તેની શક્તિ ભૂખથી ક્ષીણ થઈ છે અને તે ઠોકર ખાય એની જ રાહ વિપત્તિ જુએ છે.

13 વ્યાધિ તેના અંગોની ચામડીને સડાવે છે અને મૃત્યુનો પ્રથમજનિત તેના અવયવોને કોચી ખાય છે.

14 તેના સલામત તંબૂમાંથી તેને ખેંચી કાઢવામાં આવ્યો છે; આતંકના રાજા સમક્ષ તે ઘસડી જવાયો છે.

15 તેના તંબૂને આગ લગાડવામાં આવી છે, અને તેના નિવાસ પર ગંધક વેરવામાં આવ્યો છે.

16 નીચે તેનાં મૂળ સુકાઈ રહ્યાં છે, અને ઉપર તેની ડાળીઓ કરમાઈ રહી છે.

17 દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી.

18 તેને પ્રકાશમાંથી અંધકારમાં ધકેલી દેવામાં આવે છે, અને આ સંસારમાંથી તેને હાંકી કાઢવામાં આવે છે.

19 પોતાના લોકોમાં તેને કોઈ સંતતિ કે વારસદાર નથી, અને તેના નિવાસમાં તેની પાછળ કોઈ વસનાર નથી.

20 પશ્ર્વિમના લોકો તેની પડતીથી હાહાકાર કરે છે, અને પૂર્વના લોકો ભયથી ધ્રૂજી ઊઠે છે.

21 દુષ્ટોના નિવાસોનો એવો જ અંજામ આવે છે, અને ઈશ્વરની અવજ્ઞા કરનારની એ જ દશા થાય છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan