Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 16 - પવિત્ર બાઇબલ C.L.

1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “મેં આવી વાતો ઘણીવાર સાંભળી છે. તમારો દિલાસો તો ત્રાસદાયક છે!

3 શું તમારા પોકળ શબ્દોનો અંત નહિ આવે? શું તમને પ્રત્યુત્તર આપવાની ચળ આવે છે?

4 હું પણ તમારી માફક બોલી શકું છું; જો તમે મારે સ્થાને હોત તો શું હું તમારી સામે શબ્દોની સરવાણી ચલાવત? શું તમારી સામે માથું ધૂણાવી તમારી મજાક કરત?

5 ના, હું તો મારા મુખના શબ્દોથી તમને પ્રોત્સાહન આપત, અને મારા હોઠોના સાંત્વનથી તમને રાહત આપત.

6 હું બોલું તો પણ મારી બળતરામાં મને ઠંડક વળતી નથી; હું સહન કરીને શાંત રહું તોય મારી વેદના હળવી થતી નથી.

7 હે ઈશ્વર, તમે તો મને થકવી નાખ્યો છે; તમે મારો સઘળો કુટુંબકબીલો ઉજ્જડ કરી નાખ્યો છે.

8 તમે મારી ધરપકડ કરી છે તે જ મારી વિરુદ્ધની સાક્ષી છે. મારી રોગિષ્ટ દશા જ મારા અપરાધનો પુરાવો ગણાય છે.

9 ઈશ્વર મને ધિક્કારે છે અને મને ક્રોધથી રહેંસી નાખે છે; પોતાના રોષમાં તે મારી સામે દાંત પીસે છે. મારો શત્રુ મારી સામે આંખો કાઢે છે.

10 લોકો મારી સામે મોં વકાસીને તાકી રહ્યા છે; ગાલ પર લપડાક મારતા હોય તેમ તેઓ મને મહેણાં મારે છે; તેઓ મારી વિરુદ્ધ એકઠા થયા છે.”

11 ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.

12 હું તો સુખચેનમાં હતો પણ તેમણે મારા ભૂક્કા બોલાવી દીધા છે; મારી ગરદનેથી પકડીને મને પછાડયો છે; હવે તેમણે મને તાકવાનું લક્ષ્ય બનાવ્યો છે.

13 તેમના તીરંદાજો મને ઘેરી વળ્યા છે; તે મારા કાળજાને વીંધી નાખે છે, અને દયા દાખવતા નથી; તે મારું પિત્ત ભૂમિ પર રેડે છે.

14 તેમણે મને વીંધી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે; ઝનૂની બનેલા યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે.

15 મેં મારી ચામડી પર શોકનું કંતાન સીવી લીધું છે, અને મેં મારું માથું ધૂળમાં નમાવી દીધું છે.

16-17 જો કે મારે હાથે કોઈ હિંસાચાર થયો નથી, અને મારી પ્રાર્થના પણ નિખાલસ છે, તોય મારું મોં રડીરડીને લાલચોળ થઈ ગયું છે અને મારી આંખે અંધારા આવે છે.

18 હે ધરતી, મારું રક્ત ઢાંકીશ નહિ અને મારા આર્તનાદને ઘોરમાં સંતાડીશ નહિ!

19 અલબત્ત, હાલ પણ મારો સાક્ષી સ્વર્ગમાં છે; મારો જામીન ઉચ્ચસ્થાને છે.

20 તે ઈશ્વર સમક્ષ મારા વિચારો સમજાવે છે, તેને માટે મારી આંખો ઝૂરે છે.

21 જેમ કોઈ મિત્ર પોતાના મિત્ર માટે અરજ કરે, તેમ તે મારે માટે લવાદી કરે તો કેવું સારું!

22 કારણ, મારી જિંદગીનાં જૂજ વર્ષો બાકી છે અને કદી પાછા ફરી ન શકાય એ માર્ગે હું જઈ રહ્યો છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan