Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 15 - પવિત્ર બાઇબલ C.L.


દ્વિતીય સંવાદ ( 15:1—21:14 ) એલિફાઝનું વક્તવ્ય

1 તે પછી એલિફાઝ તેમાનીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું:

2 “શું જ્ઞાની વ્યક્તિએ પોકળ દલીલો કરવી જોઈએ? ઉગમણા ઉષ્ણ વાયુથી ઉદર ભરી દેવું ઘટે?”

3 શું તે વાહિયાત વાતો વડે વિવાદ કરે? અને હિતકારક ન હોય એવા શબ્દો વડે બચાવ કરે?

4 પરંતુ તું તો ઈશ્વરપરાયણતાને દાબી દે છે, અને ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવને અવરોધે છે.

5 તારો અધર્મ તારી વાણીમાં પ્રગટ થાય છે, અને કપટી જનોની જેમ તું જીભ ચલાવે છે.

6 હું નહિ, પણ તારું જ મુખ તને દોષિત ઠરાવે છે; તારા જ હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.

7 શું તું માનવજાતનો આદિપુરુષ છે?* શું ઈશ્વરે પર્વતો રચ્યા તે પહેલાં તું જન્મ્યો હતો?

8 શું ઈશ્વરના દરબારની મંત્રણા તેં સાંભળી છે? શું તેં જ જ્ઞાનનો ઈજારો રાખ્યો છે?

9 અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારામાં ન હોય એવી કઈ વિશિષ્ટ સમજણ તારામાં છે?

10 પળિયાંવાળા અને વયોવૃદ્ધ જ્ઞાનીઓ અમારા પક્ષમાં છે; તેઓ તારા પિતા કરતાં ય વધારે ઉંમરવાળા છે!

11 ઈશ્વરનાં આશ્વાસનો તારે માટે પૂરતાં નથી! કે તેમના નમ્ર શબ્દોની તને પરવા નથી?

12 તારું મન તને કેમ ભમાવી દે છે? અને તું તારી આંખો કેમ કાઢે છે?

13 તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.

14 મનુષ્ય તે કોણ કે તે નિષ્કલંક હોઈ શકે? શું કોઈ સ્ત્રીજનિત નેક હોઈ શકે?

15 જો ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોનો ય ભરોસો રાખતા નથી અને તેમની દષ્ટિમાં આકાશવાસીઓ પણ વિશુદ્ધ નથી.

16 તો પછી કુટિલ અને ભ્રષ્ટ માનવી, જે પાણીની જેમ દુષ્ટતા પીએ છે તેની શી વિસાત!

17 મારી વાત સાંભળ, હું તને સમજાવીશ; જે મેં જોયું છે તે જ હું જણાવીશ.

18 એ સત્યો જ્ઞાનીઓએ શીખવ્યા છે અને એ રહસ્યો જ્ઞાનીઓના પિતૃઓએ છુપાવ્યાં નહોતાં.

19 એકલા તેમને જ પ્રદેશ આપવામાં આવ્યો હતો અને તેમની વચમાં કોઈ પરદેશી વસ્યો નહોતો.

20 દુષ્ટ જીવનપર્યંત યાતનામાં સબડશે અને જુલમીની આવરદા ટૂંકી હશે.

21 તેના કાનમાં ભયના ભણકારા વાગશે; આબાદીના સમયે જ લૂંટારા તેના પર ત્રાટકશે.

22 અંધકારમાંથી પાછા ફરવાની આશા તેને નથી; પરંતુ તેના માથા પર સંહારની તલવાર તોળાયેલી રહે છે.

23 તેનો મૃતદેહ રઝળશે અને ગીધડાંનો આહાર બનશે; તે જાણે છે કે મૃત્યુનો દિવસ નક્કી છે.

24 વિપત્તિ અને વેદના તેને કચડી નાખે છે; આક્રમણ કરવા સજ્જ થયેલ રાજાની જેમ તેને હરાવે છે.

25 કારણ, એણે ઈશ્વરની સામે હાથ ઉપાડયો છે; એણે સર્વસમર્થ ઈશ્વરને પડકાર્યા છે.

26-27 તે અક્કડ ગરદનનો થયો છે; તે ઈશ્વરની સામે ધસે છે. તે પોતાનું મોં ફૂલાવીને અને કમર કાસીને, તથા પોતાની ખીલાદાર ઢાલ લઈને સામનો કરે છે.

28 પણ તે ઉજ્જડ થયેલાં નગરોમાં, વસવાટ માટે સદંતર અયોગ્ય અને ખંડેર થવાની તૈયારીમાં હોય તેવા ઘરોમાં રહેશે.

29 તે ધનવાન રહેશે નહિ અને તેની સંપત્તિ ટકશે નહિ. તેની મિલક્ત મૃત્યુલોક સુધી પહોંચશે નહિ.

30 તે અંધકારમાંથી છટકી શકશે નહિ. જેની ડાળીઓ અગ્નિથી ભરખાઈ જાય અને જેનો મહોર પવનથી ઊડી જાય એવા વૃક્ષના જેવો તે થશે.

31 (મિથ્યા બાબતો પર વિશ્વાસ રાખીને તેણે છેતરાવું જોઈએ નહિ. કારણ, તેનો બદલો પણ મિથ્યા બાબતો જ હશે.)

32 તેનો સમય પાકે તે પહેલાં તે સુકાઈ જશે. અને તેની ડાળીઓ લીલી રહેશે નહિ.

33 તે જેની કાચી દ્રાક્ષો ખંખેરી લેવાઈ હોય એવા દ્રાક્ષવેલા જેવો, અને જેનો મહોર ખરી પડયો હોય એવા ઓલિવવૃક્ષ જેવો થશે.

34 અધર્મીઓની જમાત વાંઝણી રહેશે; અને લાંચરુશવતથી ભરેલા તંબૂ ભસ્મીભૂત થશે.

35 એવા દુષ્ટો ઉપદ્રવી યોજનાઓનો ગર્ભ ધરે છે અને દુષ્ટતાને જન્મ આપે છે અને એમ, તેમનાં હૃદય કપટરૂપી ગર્ભ પોષે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan