અયૂબ 14 - પવિત્ર બાઇબલ C.L.1 “સ્ત્રીથી જન્મેલ પ્રત્યેક વ્યક્તિની આવરદા ટૂંકી અને સંકટથી ભરપૂર હોય છે. 2 તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી. 3 હે ઈશ્વર, એવા ક્ષણભંગૂર માણસ પર તમે તમારી દષ્ટિ ફેરવો છો? અને મારી વિરુદ્ધ દાવો માંડીને ન્યાય તોળશો? 4 (અશુદ્ધમાંથી કોઈ શુદ્ધ ઉપજાવી શકે? કોઈ નહિ.) 5 મનુષ્યની આયુમર્યાદા નિશ્ર્વિત કરેલી છે; તેના આયુના મહિનાની સંખ્યા તમારા નિયંત્રણમાં છે; તમે આંકેલી વયમર્યાદા તે ઓળંગી શક્તો નથી. 6 તેથી તમારી નજર તેના પરથી ઉઠાવી લો; જેથી થોડીવાર કામ અટકાવીને આરામ લઈ લેતા મજૂરની જેમ તેને નિરાંત વળે. 7 વૃક્ષને માટે તો આશા હોય છે; જો તેને કાપી નાખવામાં આવે તો તે ફરીથી ફૂટશે, અને તેને કુમળી ડાળીઓ આવવાનું ચાલુ રહેશે. 8 ભલે તેનું મૂળ જમીનમાં જૂનું થાય, અને તેનું થડ ધૂળમાં સુકાઈ જાય; 9 તો પણ પાણીની ફોરમ માત્રથી તે ફૂટી નીકળશે, અને કુમળા છોડની જેમ તેને ડાળીઓ પાંગરશે. 10 પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે? 11 જેમ તળાવનાં પાણી સુકાઈ જાય છે, અને નદીનાં પાણી વહેતાં અટકીને સુકાઈ જાય છે; 12 તેમ જ માણસો મૃત્યુ પામે છે અને ફરીથી જીવતા થતા નથી અને આકાશોનો ક્ષય થાય તે પહેલાં ઊઠવાના નથી અને તેમની ઊંઘમાંથી જાગવાના નથી. 13 હે ઈશ્વર, તમે મને મૃત્યુલોક શેઓલમાં છુપાવી દો. તમારો કોપ શમી જાય ત્યાં સુધી મને ત્યાં સંતાડી રાખો. પછી સમય ઠરાવીને મને યાદ કરજો. 14 મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ. 15 પછી તમે મને હાંક મારશો, એટલે હું પ્રત્યુત્તર આપીશ; તમને ય તમારી આ કૃતિને જોવાની ઝંખના થશે. 16 અત્યારે તો તમે મારા પગલાંની તપાસ રાખો છો, અને મારાં પાપ પર સતત ચોકી રાખો છો; 17 અને મારા અપરાધો કોથળીમાં સીલબંધ રાખ્યા છે, અને મારા દોષ બાંધી રાખ્યા છે. 18 જેમ પહાડો તૂટીને જમીનદોસ્ત થાય છે અને ખડકો તેમના સ્થાનેથી ખસી જાય છે, 19 પાણી પથ્થરોને ઘસી નાખે છે અને મુશળધાર વર્ષા માટીને ઘસડી જાય છે તેમ જ તમે માણસની આશા નષ્ટ કરો છો. 20 તમે માણસને કચડી નાખો છો એટલે તે ખતમ થઈ જાય છે. તમે તેના ચહેરાને વિકૃત કરો છો અને ધકેલી દો છો. 21 તેના પુત્રો પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે તો પણ તેને તેની જાણ થતી નથી. અથવા તેઓ અપયશ પામે પણ તે અજાણ રહે છે. 22 તેને તો કેવળ પોતાના શરીરની વેદનાનો જ અનુભવ થાય છે, અને માત્ર પોતાની જાત માટે જ શોક કરે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide