અયૂબ 13 - પવિત્ર બાઇબલ C.L.1 “તમે કહો છો એ તો મેં મારી આંખોએ જોયું છે; મારા પોતાના કાનોથી એ બધું સાંભળ્યું છે અને સમજ્યો છું. 2 તમે જાણો છો તે હું પણ જાણું છું. હું તમારાથી કંઈ ઊતરતો નથી. 3 પરંતુ મારી દાદ તો સર્વસમર્થ સામે છે, તમારી સામે નહિ! ઈશ્વરની સામે જ મારે મારા દાવાની દલીલો રજૂ કરવી છે! 4 પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો! 5 તમે ચૂપ રહો તો કેવું સારું! કારણ, એમાં જ તમારું શાણપણ છે. 6 હવે મારી દલીલો સાંભળો, અને મારા મુખની દાદ પ્રત્યે લક્ષ આપો. 7 શું તમે ઈશ્વરનો પક્ષ લેવા જૂઠાણાં ઉચ્ચારશો? અને તેમનો પક્ષ લેવા માટે કપટી વાતો બોલશો? 8 શું તમે ઈશ્વરની હિમાયત કરીને પક્ષપાત કરશો? શું તમે ઈશ્વર વતી વકીલાત કરશો? 9 જો ઈશ્વર તમારી ઝડતી લે તો તે તમારા લાભમાં થશે? માણસોને છેતરી શકાય તેમ તમે ઈશ્વરને છેતરી શકશો? 10 ભલેને તમે ગુપ્તમાં પક્ષપાત દાખવતા હો તો ય તે તમને સખત ઠપકો આપશે! 11 શું તેમના દૈવી પ્રતાપનો તમને ડર નહિ લાગે? શું તેમનો આંતક તમારા પર નહિ ઊતરે? 12 તમારાં સૂત્રો રાખ જેવાં નકામાં છે, અને તમારી બચાવની દલીલો માટીના કિલ્લા જેવી તકલાદી છે. 13 ચૂપ રહો, મને બોલી લેવા દો. પછી ભલે મારું જે થવાનું હોય તે થાય! 14 હું મારા જાનનું જોખમ વહોરવા તૈયાર છું, હું મારા જીવને આખરી દાવમાં હોડમાં મૂકવા તૈયાર છું. 15 અરે, તે મને રહેંસી નાખશે. હવે કોઈ આશા રહી નથી. તેમ છતાં, હું મારી વર્તણૂકનો તેમની સમક્ષ બચાવ રજૂ કરીશ. 16 કદાચ, એ જ રીતે મારો છુટકારો થશે, કારણ, કોઈ અધર્મી ત્યાં ઈશ્વર સમક્ષ હાજર થઈ શકશે નહિ. 17 મારી વાત ધ્યનથી સાંભળો, અને મારા નિવેદન તરફ લક્ષ આપો. 18 જુઓ, મેં મારો દાવો રજૂ કર્યો છે; મને ખાતરી છે કે હું નિર્દોષ જાહેર કરાઈશ. 19 મારી સામે કોઈ આરોપ મૂકનાર છે? તો હું ચૂપ રહેવા અને મરવા તૈયાર છું. 20 હે ઈશ્વર, તમારી પાસે મારે માત્ર બે જ માગણી છે; એ સ્વીકારો તો હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ: 21 તમારો હાથ મારા ઉપરથી દૂર કરો, અને તમારા આતંકથી મને થથરાવો નહિ. 22 પછી મને પડકરો એટલે હું જવાબ આપીશ; પહેલાં મને બોલવા દો, પછી તમે પ્રત્યુત્તર આપો. 23 મારા અપરાધ અને પાપ કેટલાં છે? મારા ગુના અને મારાં પાપ મને જણાવો. 24 તમે શા માટે મારાથી તમારું મુખ સંતાડો છો? અને શા માટે મને તમારો શત્રુ ગણો છો? 25 હું તો ધ્રૂજતા પાંદડાં જેવો છું; મને કેમ હેરાન કેમ કરો છો? હું તો સૂકા તણખલા સમાન છું; તમે મારી પાછળ કેમ પડયા છો? 26 તમે મારી વિરુદ્ધ આકરો આરોપ લખાવો છો, અને મારી યુવાનીમાં થયેલા દોષો ગણી બતાવો છો. 27-28 જો કે હું સડી ગયેલી વસ્તુની જેમ નષ્ટ થતો જાઉ છું અને ઉધઈએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ર્જીણ થતો જાઉં છું. તો પણ તમે મારા પગે બેડી બાંધો છો અને કયા માર્ગે મારું પગેરું જાય છે તે જાણવા મારા પગના તળિયે ડામનાં નિશાન લગાડો છો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide