Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 12 - પવિત્ર બાઇબલ C.L.


યોબનું વક્તવ્ય

1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “બેશક તમે જ જ્ઞાનનો ભંડાર છો! તમે મરી જશો ત્યારે શેતાન પણ મરી પરવારશે!

3 પરંતુ તમારી જેમ મને પણ સમજ છે! હું તમારાથી કંઈ ઊતરતો નથી. તમે જે બોલ્યા તે કોણ જાણતું નથી?

4 એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે.

5 સુખચેનમાં રહેનારા લોકો આપત્તિમાં આવી પડનારનો તિરસ્કાર કરે છે, એટલે દુર્દશામાં પડનારનો ઉપહાસ કરે છે.

6 લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.

7 પરંતુ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે.

8 અથવા પૃથ્વીને પૂછો, એટલે તે તમને જ્ઞાન આપશે. સાગરનાં માછલાં તમને પાઠ શીખવશે.

9 એ બધાં જ જાણે છે કે ઈશ્વરને હાથે જ સર્વ કાર્યો થાય છે.

10 સર્વ સજીવોના પ્રાણ અને દરેક મનુષ્યનો આત્મા તેમના હાથમાં છે.

11 જેમ જીભ અન્‍નનો સ્વાદ પારખે છે તેમ કાન શબ્દોને પારખે છે.

12-13 વયોવૃદ્ધ માણસો પાસે જ્ઞાન હોય છે, પરંતુ ઈશ્વર પાસે જ્ઞાન અને સામર્થ્ય બન્‍ને છે. પરિપકવ માણસો પાસે સમજ હોય છે, પણ ઈશ્વર પાસે સમજ ઉપરાંત સત્તા પણ છે.

14 ઈશ્વર જેને તોડી પાડે તેને કોણ ફરી બાંધે? તે જેને કેદ કરે તેને કોણ છોડાવે?

15 ઈશ્વર વરસાદ રોકી દે તો દુકાળ પડે છે, અને વરસાદને છુટ્ટો દોર આપે તો તે ધરતીને પાયમાલ કરે છે.

16 તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.

17 કુશળ રાજનીતિજ્ઞોને તે ઉઘાડે પગે દોરી જાય છે અને ન્યાયાધીશોને મૂર્ખ પુરવાર કરે છે.

18 તે રાજવીઓના કમરબંધ છોડી નાખે છે, અને તેમની કમરે કેદીની સાંકળો બાંધે છે.

19 તે યજ્ઞકારોને વસ્ત્રહીન કરીને દોરી જાય છે, અને સદ્ધર લોકોને ઊથલાવી નાખે છે.

20 તે વાક્ચતુરોની વાચા લઈ લે છે, અને વડીલોની તર્કશક્તિ હરી લે છે.

21 તે રાજવંશીઓ પર ફિટકાર વરસાવે છે અને શૂરવીરોને થથરાવી મૂકે છે.

22 તે અંધકારમય ઊંડાણનાં રહસ્યો પ્રગટ કરે છે, અને ઘોર અંધકાર પર પ્રકાશ પાડે છે.

23 તે રાષ્ટ્રોની ઉન્‍નતિ કરે છે અને પછી તેમનો વિનાશ કરે છે, તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે અને પછી તેમને વિખેરી નાખે છે.

24 તે દેશના નેતાઓની બુદ્ધિ હરી લે છે અને તેમને પંથહીન વેરાન પ્રદેશોમાં ભટકાવે છે.

25 તેઓ પ્રકાશ વગર અંધકારમાં ફાંફાં મારે છે, અને પીધેલાની જેમ લથડિયાં ખાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan