Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 11 - પવિત્ર બાઇબલ C.L.


સોફારનું વક્તવ્ય

1 તે પછી સોફાર નાઅમાથીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે?

3 યોબ, તારો બડબડાટ શું માણસોને ચૂપ કરી દેશે? તું મજાક કરે તો ય તને ઠપકો ન મળે?

4 તું કહે છે કે ‘મારો જ મત સાચો છે.’ અને તારી પોતાની દષ્ટિમાં તું નિર્દોષ છે.

5 પરંતુ જો ઈશ્વર પોતે જ બોલે, અને તારી વિરુદ્ધ તેમનું મુખ ઉઘાડે તો કેવું સારું!

6 તો તો તે તને જ્ઞાનનાં રહસ્યો પ્રગટ કરે. કારણ, સાચા જ્ઞાનને બે પાસાં હોય છે અને ઈશ્વર બધાં જ પાપ ધ્યાનમાં લેતા નથી.

7 શું તમે ઈશ્વરનાં રહસ્યોનો તાગ કાઢી શકો? શું સર્વસમર્થનો પાર પામી શકો?

8 તે તો સ્વર્ગ કરતાં પણ ઊંચે છે; તમે શું કરી શકો? તે તો મૃત્યુલોક શેઓલ કરતાં ઊંડે છે; તમે શું જાણી શકો?

9 તે તો પૃથ્વી કરતાં વિશાળ છે, અને સમુદ્રો કરતાં વિસ્તૃત છે.

10 ઈશ્વર કોઈની ઉપેક્ષા કરે અથવા કોઈની ધરપકડ કરી તેની સામે અદાલતી તપાસ ચલાવે તોય તેમને કોઈ રોકી શકે તેમ છે?

11 ઈશ્વર તો જૂઠા માણસોને પારખી લે છે; જ્યારે તે દુષ્ટતા જુએ ત્યારે તે ધ્યાનમાં નહિ લે?

12 જો જંગલી ગધેડાનું બચ્ચું માણસ જેટલી સમજ સાથે જ જનમતું હોય તો બુદ્ધિહીન માણસ પણ સમજથી વર્તતાં શીખે!

13 જો તારી શાન ઠેકાણે આવે, અને તારા હાથ તેમના પ્રતિ પ્રાર્થનામાં પ્રસરે;

14 જો તું તારા હાથમાંથી ભૂંડાઈ દૂર કરે, અને તારા તંબૂમાંથી દુષ્ટતા દૂર કરે;

15 તો તું નિર્દોષ ઠરીને ઉન્‍નત મસ્તકે રહી શકશે, અને તું દઢ અને નીડર બનશે.

16 ત્યારે તો તારી વિપત્તિ ભૂલાઈ જશે; ઓસરી ગયેલા પૂરની જેમ જ તેની યાદ માત્ર રહેશે.

17 મયાહ્નના કરતાં તારી જિંદગી વધુ તેજસ્વી બનશે, અને રાત્રિ સવારમાં પલટાઈ જશે.

18 આશાને લીધે તું નિશ્ર્વિંત બનશે, અને ચારે તરફ સલામતી જોઈને તને નિરાંતે ઊંઘ આવશે.

19 તું આરામ લેતો હશે ત્યારે કોઈ ખલેલ પહોંચાડશે નહિ અને ઘણા લોકો તારી સદ્ભાવના શોધશે.

20 પરંતુ દુષ્ટોની આંખો નિસ્તેજ થશે, તેમનું શરણસ્થાન નષ્ટ થશે અને તેમની આશા અંતિમ શ્વાસ સમી બનશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan