Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 10 - પવિત્ર બાઇબલ C.L.

1 “મારો જીવ આ જિંદગીથી ત્રાસી ગયો છે; તેથી હું મારી ફરિયાદનો ઊભરો ઠાલવીશ; મારા અંતરની વેદનાનું વિષ ઓકીશ.

2 હું ઈશ્વરને કહીશ, મને દોષિત ઠરાવશો નહિ. મારી વિરુદ્ધનો આરોપ શો છે તે મને બતાવો.

3 જુલમ કરવો, પોતાના હાથની કૃતિને ધૂત્કારવી, દુષ્ટોની કુટિલ યોજનાઓની તરફેણ કરવી, એ બધું શું તમને શોભે છે?

4 શું તમારે ચર્મચક્ષુ છે? શું તમે માણસની જેમ જુઓ છો?

5 શું તમારા દિવસો મર્ત્ય માણસના દિવસો જેવા ટૂંકા છે? અને શું તમારાં વર્ષો મનુષ્યોનાં વર્ષો જેવાં અલ્પ છે?

6 કે તમે મારા અપરાધોની તપાસ રાખો છો અને મારાં પાપ શોધી કાઢો છો?

7 જો કે તમે તો જાણો જ છો કે હું દોષિત નથી, તો પણ તમારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી.

8 તમારા જ હાથોએ મને ઘડયો છે; તમે જ મને સર્જ્યો છે; હવે એ જ હાથે મારો વિનાશ પણ કરશો?

9 સંભારો કે તમે મને માટીમાંથી ઘડયો છે; અને હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો?

10 તમે જ મને મારા પિતાથી પેદા કર્યો છે; અને મારી માતાના ઉદરમાં વિક્સાવ્યો છે.

11 તમે મને હાડકાં અને સ્નાયુઓથી ગૂંથ્યો છે, અને મને ચામડી અને માંસથી ઢાંક્યો છે.

12 તમે મને જીવન અને પ્રેમ આપ્યાં છે; તમે મારું જતન કર્યું છે, અને મને સંભાળ્યો છે.

13 છતાં હવે મને સમજાય છે કે મને દુ:ખ દેવાની યોજનાઓ તમે તમારા અંતરમાં છુપાવી હતી અને તેમને તમારા મનમાં ભરી રાખી હતી.

14 એટલે જ હું કંઈ પાપ કરી બેસું તેની તમે તપાસ રાખતા હતા; જેથી મારા અપરાધને લીધે તમે મને દોષિત ઠરાવી શકો.

15 જો હું દુષ્કર્મ કરું તો મને અફસોસ! પરંતુ જો હું નેક હોઉં તો પણ હું મારું માથું ઊંચું ઉઠાવીશ નહિ; કારણ, મારી પીડા પ્રતિ નજર કરું છું. ત્યારે હું શરમથી ઝૂકી જઉં છું.

16 જો હું સહેજ ઊંચો થાઉં તો તમે મારા પર સિંહની પેઠે ત્રાટકો છો, અને મારી વિરુદ્ધ તમારી અદ્‍ભુત શક્તિનો પરચો આપો છો.

17 તમે મારી વિરુદ્ધ તમારી દુશ્મનાવટ તાજી કરો છો અને મારી વિરુદ્ધ તમારો ક્રોધ સતત વધતો જાય છે અને મારા પર દુ:ખોના અવારનવાર હુમલા લાવો છો.

18 હે ઈશ્વર, તો પછી શા માટે તમે મને ગર્ભસ્થાનમાંથી બહાર લાવ્યા? કોઈની નજર પડે તે પહેલાં જ હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું!

19 જાણે કે હું કદી હયાત હતો જ નહિ એ રીતે ગર્ભસ્થાનમાંથી સીધો કબરસ્તાનમાં લઈ જવાયો હોત.

20 મારી જિંદગીના અલ્પ દિવસો પૂરા થવામાં છે માટે મારો કેડો મૂકો; થોડીવાર મને નિરાંત લેવા દો;

21 જ્યાંથી હું કદી પાછો ફરવાનો નથી, એવા અંધકાર અને ગમગીનીના;

22 જ્યાં પ્રકાશ પણ અંધકારમય છે એવા ઘોર અંધાર અને ગાઢ રાત્રિના પ્રદેશમાં હું જાઉં તે પહેલાં મને જંપવા દો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan