Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 1 - પવિત્ર બાઇબલ C.L.


યોબ અને તેનું કુટુંબ

1 યોબ નામે એક માણસ ઉસ દેશમાં વસતો હતો. તે નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર હતો.

2 તેને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં.

3 તેની સંપત્તિમાં સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ અને ઘણાં દાસદાસીઓ હતાં; જેથી તે પૂર્વીય દેશોના લોકોમાં સૌથી નામાંક્તિ ગણાતો હતો.

4 તેના પુત્રો પોતપોતાને ઘેર વારાફરતી મિજબાની ગોઠવતા અને પોતાની ત્રણ બહેનોને પણ પોતાની સાથે ભોજન માટે નિમંત્રણ આપતા.

5 મિજબાનીના દિવસ પૂરા થાય તે પછી યોબ તે બધાંને બોલાવીને તેમનું શુદ્ધિકરણ કરતો. એ માટે તે વહેલી સવારે ઊઠીને પોતાના દરેક સંતાનને માટે દહનબલિ ચડાવતો; કારણ, તે વિચારતો કે, “કદાચ, મારા પુત્રોએ પાપ કર્યું હોય અને તેમના હૃદયમાં ઈશ્વરનિંદા કરી હોય!” યોબ એ પ્રમાણે હમેશ કરતો.


યોબની ક્સોટી

6 એક દિવસે સ્વર્ગદૂતો પ્રભુની તહેનાતમાં હાજર થયા હતા અને શેતાન પણ તેમની સાથે આવ્યો.

7 પ્રભુએ શેતાનને પૂછયું. “તું કયાં જઈ આવ્યો?” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “પૃથ્વી પર હું રખડતો હતો, અને ત્યાં આમતેમ લટાર મારતો હતો.”

8 પ્રભુએ શેતાનને પૂછયું: “શું તેં મારા ભક્ત યોબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક

9 તથા ઈશ્વરનો ડર રાખનાર અને ભૂંડાઈથી દૂર રહેનાર બીજો કોઈ નથી.” શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “શું યોબ વિનાકારણ ઈશ્વરનો ડર રાખે છે?

10 શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું ચોતરફથી જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ દો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વિસ્તારી છે.

11 પરંતુ તમારો હાથ ઉગામીને તેના પર પ્રહાર કરો તો તે મોંઢે ચઢીને તમને શાપ આપશે.”

12 પ્રભુએ શેતાનને કહ્યું: “ભલે, યોબનું સર્વસ્વ હું તારા હાથમાં સોંપું છું, પણ યોબના પંડને કશી ઈજા પહોંચાડવાની નથી.” પછી શેતાન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો.


યોબના સંતાનો અને તેની સંપત્તિનો નાશ

13 એક દિવસ યોબનાં પુત્રપુત્રીઓ તેમના સૌથી મોટા ભાઈને ત્યાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં.

14 ત્યારે એક સંદેશકે યોબ પાસે આવીને કહ્યું: “બળદો ખેતર ખેડતા હતા અને ગધેડાં બાજુમાં ચરતાં હતાં,

15 ત્યારે શબાઈમ લોકો હુમલો કરીને તેમને લઈ ગયા; તેમણે બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે. તમને ખબર આપવા માટે માત્ર હું એકલો જ બચવા પામ્યો છું.

16 પહેલો હજુ બોલતો હતો ત્યાં તો બીજાએ આવીને કહ્યું: “આકાશમાંથી વીજળીએ પડીને ઘેટાં તથા નોકરોને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”

17 તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”

18 તે બોલતો હતો ત્યાં તો ચોથાએ આવીને કહ્યું: “તમારા પુત્રો અને પુત્રીઓ સૌથી મોટા ભાઈના ઘરમાં ભોજન લેતાં હતાં અને દ્રાક્ષાસવ પીતાં હતાં.

19 ત્યારે રણમાંથી ભારે આંધી ધસી આવી અને ઘરના ચારે ખૂણા પર વીંઝાતાં તેની અંદરના બધાં જુવાન સંતાનો પર તે તૂટી પડયું, અને તેઓ માર્યા ગયાં છે; માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”

20 આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,

21 અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”

22 આ બધી વિપત્તિમાં યોબે ઈશ્વર પર દોષ મૂકવાનું પાપ કર્યું નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan