Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 7 - પવિત્ર બાઇબલ C.L.


ઈસુ અને તેમના ભાઈઓ

1 એ પછી ઈસુએ ગાલીલમાં મુસાફરી કરી. તેઓ યહૂદિયામાં ફરવા માગતા ન હતા; કારણ, યહૂદી અધિકારીઓ તેમને મારી નાખવાનો લાગ શોધતા હતા.

2 યહૂદીઓનું માંડવાપર્વ નજીક હતું.

3 તેથી ઈસુના ભાઈઓએ તેમને કહ્યું, “આ સ્થળ મૂકીને યહૂદિયાના પ્રદેશમાં જા; જેથી જે અદ્‍ભુત કાર્યો તું કરે છે તે તેઓ જોઈ શકે.

4 જે માણસ પ્રસિદ્ધિ ચાહે છે તે પોતાનાં કાર્યો છુપાવતો નથી. તું આ બધું કરે જ છે, તો આખી દુનિયા આગળ જાહેર થા!”

5 તેમના ભાઈઓને પણ તેમનામાં વિશ્વાસ ન હતો.

6 ઈસુએ તેમને કહ્યું, “મારો સમય હજી આવ્યો નથી; તમારે માટે તો ગમે તે સમય ઠીક છે.

7 દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.

8 તમે પર્વમાં જાઓ; હું હમણાં પર્વમાં આવતો નથી; કારણ, મારો સમય હજી આવ્યો નથી.”

9 આમ કહીને તે ગાલીલમાં જ રહ્યા.


માંડવાપર્વમાં ઈસુ

10 ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પછી તે જાહેરમાં તો નહિ, પણ છૂપી રીતે પર્વમાં ગયા.

11 યહૂદી અધિકારીઓ તેમને પર્વમાં શોધતા હતા, અને તે ક્યાં છે તે વિશે પૂછપરછ કરતા હતા.

12 ટોળામાં તેમના સંબંધી ઘણી ગુસપુસ ચાલતી હતી. કેટલાએકે કહ્યું, “તે સારો માણસ છે.” જ્યારે બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો લોકોને ગેરમાર્ગે દોરે છે.”

13 પરંતુ કોઈ તેને વિષે જાહેરમાં બોલતું નહિ, કારણ, તેઓ સૌ યહૂદી અધિકારીઓથી બીતા હતા.

14 પર્વ ર્આું થવા આવ્યું હતું તેવામાં ઈસુ મંદિરમાં જઈને શીખવવા લાગ્યા.

15 યહૂદી અધિકારીઓ ખૂબ આશ્ર્વર્યમાં પડી ગયા અને કહેવા લાગ્યા, “આ માણસ કદી ભણ્યો નથી છતાં એનામાં આવું જ્ઞાન આવ્યું ક્યાંથી?”

16 ઈસુએ જવાબ આપ્યો, “હું જે શીખવું છું તે મારું શિક્ષણ નથી, પરંતુ મને મોકલનારનું છે.

17 જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.

18 જે વ્યક્તિ પોતાના અધિકારથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ પોતાના મોકલનારને મહિમા આપનાર વ્યક્તિ પ્રામાણિક છે, અને તેનામાં કંઈ કપટ નથી.

19 શું મોશેએ તમને નિયમશાસ્ત્ર આપ્યું ન હતું? પરંતુ તમારામાંનો કોઈ નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે શા માટે મને મારી નાખવાની કોશિશ કરો છો?”

20 લોકોએ કહ્યું, “તારામાં અશુદ્ધ આત્મા છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?”

21 ઈસુએ જવાબ આપ્યો, “મેં એક જ અદ્‍ભુત કાર્ય કર્યું અને તમે બધા અચંબામાં પડી ગયા.

22 મોશેએ તમારા પુત્રોની સુન્‍નત કરવાની આજ્ઞા તમને આપી તેથી તમે વિશ્રામવારે સુન્‍નત કરો છો. જો કે એ વિધિ મોશેએ નહિ, પરંતુ તમારા પૂર્વજોએ શરૂ કર્યો હતો.

23 જો મોશેનો નિયમ તૂટે નહિ તે માટે કોઈ છોકરાની સુન્‍નત વિશ્રામવારે કરી શકાય, તો પછી મેં એક માણસને વિશ્રામવારે સાજો કર્યો તેથી તમે શા માટે ગુસ્સે ભરાયા છો?

24 બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.”

25 યરુશાલેમમાંના કેટલાએક લોકોએ કહ્યું, “જેને તેઓ મારી નાખવા માગે છે તે આ જ માણસ નથી?

26 જુઓ તે તો છડેચોક બોલી રહ્યો છે અને છતાં કોઈ તેની વિરુદ્ધ બોલતું નથી! શું યહૂદી આગેવાનો તેને મસીહ તરીકે માને છે?

27 મસીહ આવશે ત્યારે કોઈને ખબર પણ નહિ હોય કે તે ક્યાંનો છે; પરંતુ આપણે બધા જાણીએ છીએ કે આ માણસ ક્યાંથી આવ્યો છે.”

28 ત્યારે મંદિરમાં બોધ કરતાં ઈસુએ મોટો ઘાંટો પાડીને કહ્યું, “હું કોણ છું અને ક્યાંથી આવું છું તે શું તમે ખરેખર જાણો છો? પરંતુ હું મારી પોતાની જાતે આવ્યો નથી. મને મોકલનાર તો સાચા છે. તમે તેમને ઓળખતા નથી.

29 હું તેમને ઓળખું છું, કારણ, હું તેમની પાસેથી આવ્યો છું અને તેમણે મને મોકલ્યો છે.”

30 પછી તેમણે તેમની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ; કારણ, હજી તેમનો સમય આવ્યો ન હતો.

31 પરંતુ ટોળામાંના ઘણાંએ તેમના પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું, “એમણે જે કાર્યો કર્યાં છે તેના કરતાં વધારે અદ્‍ભુત કાર્યો મસીહ આવશે ત્યારે કરી બતાવશે ખરા?”


ઈસુની ધરપકડનો પ્રયાસ

32 ફરોશીઓએ લોકોના ટોળાને ઈસુ સંબંધી એવી ગુસપુસ કરતા સાંભળ્યું. તેથી તેમણે અને મુખ્ય યજ્ઞકારોએ ઈસુની ધરપકડ કરવા માટે મંદિરના સંરક્ષકોને મોકલ્યા.

33 ઈસુએ કહ્યું, “હું તમારી સાથે થોડીવાર છું, અને ત્યાર પછી મને મોકલનાર પાસે પાછો જઉં છું.

34 “તમે મને શોધશો પરંતુ હું તમને જડીશ નહિ, કારણ, જ્યાં હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”

35 યહૂદી અધિકારીઓએ અંદરોઅંદર કહ્યું, “તે એવી તો કઈ જગ્યાએ જવાનો છે કે તે આપણને નહિ મળે?

36 શું તે યહૂદીઓ રહે છે તેવા ગ્રીક શહેરોમાં જશે, અને ત્યાં ગ્રીક યહૂદીઓને શીખવશે? કારણ, તે કહે છે, ‘તમે મને શોધશો પરંતુ હું તમને મળીશ નહિ,’ અને ‘હું જ્યાં જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.’ એનો અર્થ શો?”


જીવનજળનાં ઝરણાં

37 પર્વનો છેલ્લો દિવસ ખૂબ મહત્ત્વનો ગણાતો. તે દિવસે ઈસુએ ઊભા થઈને મોટો ઘાંટો પાડીને કહ્યું, “જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવે અને પીએ.

38 શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ મૂકશે તેના અંતરમાંથી જીવનજળનાં ઝરણાં વહેશે.”

39 ઈસુમાં વિશ્વાસ મૂકનારાઓને મળનાર પવિત્ર આત્માને લક્ષમાં રાખીને તેમણે આ વાત કહી. તે સમયે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો, કારણ, ઈસુ હજી મહિમાવંત કરાયા ન હતા.


લોકોમાં ભાગલા

40 લોકોમાંના કેટલાકે તેમની એ વાત સાંભળીને કહ્યું, “આ તો ખરેખર ઈશ્વરના સંદેશવાહક છે!”

41 બીજાઓએ કહ્યું, “એ તો મસીહ છે!” પરંતુ કેટલાકે કહ્યું, “મસીહ કંઈ ગાલીલમાંથી આવવાના નથી.

42 શાસ્ત્ર કહે છે કે મસીહ દાવિદના વંશજ હશે અને દાવિદના નગર બેથલેહેમમાંથી આવશે.”

43 આમ, એમને વિષે લોકોમાં ભાગલા પડી ગયા.

44 કેટલાક તેમને પકડવા માગતા હતા, પરંતુ કોઈએ તેમના પર હાથ નાખ્યા નહિ.


યહૂદી અધિકારીઓએ અવિશ્વાસ

45 મંદિરના સંરક્ષકો, મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓ પાસે પાછા ગયા. તેમણે પૂછયું, “તેને કેમ પકડી લાવ્યા નહિ?”

46 સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”

47 ફરોશીઓએ તેમને પૂછયું, “તેણે તમને પણ ભુલાવામાં નાખ્યા?

48 શું કોઈ આગેવાને અથવા કોઈ ફરોશીએ તેના પર વિશ્વાસ મૂક્યો હોય એવું જાણ્યું છે?

49 પરંતુ એ ટોળું મોશેનો નિયમ જાણતું નથી, તેથી તેઓ ઈશ્વરના શાપ નીચે છે!”

50 અગાઉ ઈસુને મળવા જનાર નિકોદેમસ પણ તેમની સાથે હતો. તેણે તેમને કહ્યું,

51 “કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.”

52 તેમણે જવાબ આપ્યો, “ત્યારે તું પણ ગાલીલનો છે એમ ને? શાસ્ત્રનું અયયન કર તો તને સમજ પડશે કે ઈશ્વરનો સંદેશવાહક ગાલીલમાંથી પેદા થવાનો નથી.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan