યોહાન 19 - પવિત્ર બાઇબલ C.L.1 પછી પિલાતે ઈસુને લઈ જઈને તેમને ચાબખા મરાવ્યા. 2 સૈનિકોએ કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; તેમણે તેમને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો, 3 અને તેમની પાસે વારંવાર આવીને કહ્યું, “યહૂદીઓના રાજાનો જય હો!” અને તેમણે ઊઠીને ઈસુને તમાચા માર્યા. 4 પિલાતે ફરીથી બહાર આવીને ટોળાને કહ્યું, “જુઓ, હું તેને અહીં તમારી પાસે બહાર લાવું છું; જેથી તમે પણ જાણો કે તેને સજાપાત્ર ઠરાવવાનું કંઈ કારણ મને મળતું નથી.” 5 તેથી ઈસુ કાંટાનો મુગટ અને જાંબલી ઝભ્ભો પહેરેલા બહાર આવ્યા. પિલાતે લોકોને કહ્યું, “જુઓ, આ માણસ!” 6 મુખ્ય યજ્ઞકારો અને સંરક્ષકોએ તેમને જોયા એટલે બૂમ પાડતાં કહ્યું, “તેને ક્રૂસે જડી દો! તેને ક્રૂસે જડી દો.” પિલાતે તેમને કહ્યું, “તમે પોતે જ લઈ જઈને એને ક્રૂસે જડી દો; કારણ, તેને સજાપાત્ર ઠરાવવાનું કોઈ કારણ મને મળતું નથી.” 7 યહૂદીઓએ જવાબ આપ્યો, “અમારા એક કાયદા પ્રમાણે તેને મોતની સજા થવી જોઈએ; કારણ, તેણે પોતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.” 8 એ સાંભળીને પિલાત વધારે ગભરાયો. 9 તેણે રાજભવનમાં પાછા જઈને ઈસુને પૂછયું, “તું ક્યાંનો છે?” પણ ઈસુએ જવાબ આપ્યો નહિ. 10 પિલાતે તેને કહ્યું, “તું મારી સાથે પણ નહિ બોલે? તને ખબર નથી કે તને મુક્ત કરવાની અને તને ક્રૂસે જડવાની પણ મને સત્તા છે?” 11 ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તરફથી તમને મળી છે એ સિવાય તમને મારા પર બીજી કોઈ સત્તા નથી. તેથી મને તમારા હાથમાં સોંપી દેનાર વધારે દોષિત છે.” 12 પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.” 13 પિલાતે એ શબ્દો સાંભળ્યા ત્યારે તે ઈસુને બહાર લઈ ગયો અને પોતે હિબ્રૂમાં ‘ગાબ્બાથા’ એટલે ‘શિલામાર્ગ’ નામની જગ્યાએ ન્યાયાસન પર બેઠો. 14 તે તો પાસ્ખાપર્વ અગાઉનો દિવસ હતો અને બપોર થવા આવ્યા હતા. પિલાતે યહૂદીઓને કહ્યું, “જુઓ, આ તમારો રાજા!” 15 તેમણે બૂમ પાડી, “મારો! તેને મારી નાખો! તેને ક્રૂસે જડી દો!” પિલાતે તેમને પૂછયું, “તો તમારા રાજાને ક્રૂસે જડાવું?” મુખ્ય યજ્ઞકારોએ જવાબ આપ્યો, “અમારો રાજા તો માત્ર રોમન સમ્રાટ જ છે!” 16 પછી પિલાતે ઈસુને ક્રૂસે જડવા માટે તેમને સોંપ્યા. તેથી તેમણે ઈસુનો કબજો લીધો. ઈસુને ક્રૂસે જડયા ( માથ. 27:32-44 ; માર્ક. 15:21-32 ; લૂક. 23:26-43 ) 17 ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા. 18 ત્યાં તેમણે તેમને ક્રૂસે જડયા; તેમણે બીજા બે માણસોને પણ ક્રૂસે જડયા: એક બાજુએ એક અને બીજી બાજુએ બીજો અને ઈસુ તેમની વચમાં. 19 પિલાતે એક જાહેરાત લખી અને ક્રૂસ પર મુકાવી. તેણે લખ્યું હતું: “નાઝારેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.” 20 ઘણા યહૂદીઓએ એ વાંચ્યું; કારણ, ઈસુને જ્યાં જડવામાં આવ્યા હતા તે જગ્યા શહેરથી બહુ દૂર ન હતી. એ લખાણ હિબ્રૂ, લાટિન અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. 21 તેથી યહૂદીઓના મુખ્ય યજ્ઞકારોએ પિલાતને કહ્યું, “‘યહૂદીઓનો રાજા,’ એમ નહિ, પણ ‘આ માણસે કહ્યું, હું યહૂદીઓનો રાજા છું,’ એમ લખવું જોઈએ.” 22 પિલાતે કહ્યું, “મેં જે લખ્યું તે લખ્યું.” 23 સૈનિકોએ ઈસુને ક્રૂસે જડી દીધા પછી તેમણે તેમનાં કપડાં લઈ લીધાં અને પ્રત્યેક સૈનિક માટે એક, એમ ચાર ભાગ પાડયા. તેમણે ઝભ્ભો પણ લીધો. એ તો સળંગ વણીને બનાવેલો હતો અને તેમાં એકે સાંધો નહોતો. 24 સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું. 25 ઈસુના ક્રૂસની નજીક તેમનાં મા, માસી, કલોપાસની પત્ની, મિર્યામ અને માગદાલાની મિર્યામ ઊભાં હતાં. 26 ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!” 27 પછી તેમણે તે શિષ્યને કહ્યું, “જો તારાં મા!” ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો. ઈસુનું અવસાન ( માથ. 27:45-56 ; માર્ક. 15:33-41 ; લૂક. 23:44-49 ) 28 ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.” 29 ત્યાં સરકાથી ભરેલું એક વાસણ હતું; તેમણે સરક્માં વાદળી બોળીને તેને ઝૂફાની લાકડી પર મૂકીને તેમના હોઠ સુધી તે ઊંચી કરી. 30 ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો. 31 વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો. 32 તેથી સૈનિકોએ જઈને ઈસુની સાથે ક્રૂસે જડવામાં આવેલા બન્ને માણસોના પગ ભાંગી નાખ્યા. 33 પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી ગયા છે; તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહિ. 34 પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં. 35 જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે, અને પોતે સત્ય બોલે છે તે તે જાણે છે. 36 શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37 અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.” ઈસુનું દફન ( માથ. 27:57-61 ; માર્ક. 15:42-47 ; લૂક. 23:50-56 ) 38 એ પછી આરીમથાઈના યોસેફે પિલાત પાસે જઈને ઈસુનું શબ ઉતારવાની પરવાનગી માગી. યોસેફ ઈસુનો ગુપ્ત શિષ્ય હતો, કારણ, તે યહૂદી અધિકારીઓથી ગભરાતો હતો. પિલાતે તેને શબ લઈ જવાની પરવાનગી આપી, તેથી યોસેફે જઈને શબ ઉતારી લીધું. 39 નિકોદેમસ, જે પહેલાં ઈસુને રાત્રે મળવા ગયો હતો, તે પોતાની સાથે આશરે ચોત્રીસ કિલો બોળ અને અગરનું મિશ્રણ લઈને આવ્યો. 40 એ બન્નેએ ઈસુનું શબ લઈને તેને સુગંધીદાર મસાલો લગાડેલાં અળસી રેસાનાં વસ્ત્રોમાં લપેટયું; કારણ, યહૂદીઓ મૃતદેહને સાચવી રાખવા માટે એ પ્રમાણે શબ તૈયાર કરતા હતા. 41 જ્યાં ઈસુને ક્રૂસે જડવામાં આવ્યા હતા ત્યાં એક બગીચો હતો, જેમાં વપરાયા વગરની એક નવી જ કબર હતી. 42 યહૂદી વિશ્રામવારના અગાઉનો એ દિવસ હતો અને કબર પાસે હતી, અને તેથી તેમણે ઈસુને ત્યાં કબરમાં મૂક્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide