યોહાન 12 - પવિત્ર બાઇબલ C.L.બેથાનીમાં ઈસુનો અભિષેક ( માથ. 26:6-13 ; માર્ક. 14:3-9 ) 1 પાસ્ખા પર્વના છ દિવસ પહેલાં ઈસુ બેથાનિયા આવ્યા. ત્યાં લાઝરસ જેને ઈસુએ મરણમાંથી સજીવન કરેલો તે રહેતો હતો. 2 તેમણે ઈસુને જમવા બોલાવ્યા. માર્થા પીરસતી હતી; જ્યારે લાઝરસ ઈસુની સાથે જમવા બેઠો હતો. 3 પછી મિર્યામે જટામાંસીનું આશરે ચારસો ગ્રામ શુદ્ધ અને કીમતી અત્તર લાવીને ઈસુના ચરણો પર રેડયું અને ચરણોને પોતાના વાળથી લૂછયા. અત્તરની સુવાસથી આખું ઘર ભરાઈ ગયું. 4 ઈસુનો એક શિષ્ય યહૂદા ઈશ્કારિયોત, જે તેમની ધરપકડ કરાવનાર હતો તેણે કહ્યું, 5 “આ અત્તર ત્રણસો દીનારમાં વેચીને તે પૈસા ગરીબોને કેમ ન આપ્યા?” 6 ગરીબો માટે તેને દરકાર હતી માટે નહિ, પણ તે ચોર હતો તેથી તેણે આમ કહ્યું. પૈસાની કોથળી તેની પાસે રહેતી અને તેમાંથી તે પૈસા મારી ખાતો. 7 પરંતુ ઈસુએ કહ્યું, “એને જેમ કરવું હોય તેમ કરવા દો! મારા દફનના દિવસને માટે બાકીનું અત્તર તે ભલે સાચવી રાખતી. 8 ગરીબો હંમેશાં તમારી સાથે છે, પરંતુ હું હંમેશાં તમારી સાથે નથી.” લાઝરસ વિરુદ્ધ કાવતરું 9 ઈસુ બેથાનિયામાં છે એવું સાંભળીને યહૂદીઓનો એક મોટો સમુદાય ત્યાં આવ્યો. ફક્ત ઈસુને જ નહિ પણ લાઝરસ, જેને તેમણે સજીવન કર્યો હતો, તેને જોવા તેઓ આવ્યા. 10 તેથી મુખ્ય યજ્ઞકારોએ લાઝરસને પણ મારી નાખવાનું વિચાર્યું. 11 કારણ, તેને લીધે ઘણા યહૂદીઓ પોતાના આગેવાનોને મૂકીને ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા. યરુશાલેમમાં વિજયકૂચ ( માથ. 21:1-11 ; માર્ક. 11:1-11 ; લૂક. 19:28-40 ) 12 બીજે દિવસે પાસ્ખાપર્વ માટે આવેલા મોટા જનસમુદાયે સાંભળ્યું કે ઈસુ યરુશાલેમ આવે છે. 13 તેથી તેઓ ખજૂરીની ડાળીઓ લઈ તેમનું સ્વાગત કરવા ગયા. તેઓ સૂત્રો પોકારતા હતા, “હોસાન્ના, પ્રભુને નામે ઇઝરાયલનો જે રાજા આવે છે તેને ધન્ય હો!” 14 ઈસુ એક ખોલકો મળી આવતાં તેના પર સવાર થયા; જેમ ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, 15 “હે સિયોન નગરી, ડરીશ નહિ, જો, તારો રાજા ખોલકા પર સવાર થઈને આવે છે.” 16 શરૂઆતમાં તો શિષ્યો આ બધું સમજ્યા ન હતા. પણ ઈસુ જ્યારે મહિમાવંત કરાયા, ત્યારે શિષ્યોને યાદ આવ્યું કે ધર્મશાસ્ત્રમાં એ અંગે લખેલું છે, અને લોકોએ તેમને તે પ્રમાણે કર્યું હતું. 17 ઈસુએ લાઝરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મરેલામાંથી સજીવન કર્યો હતો, ત્યારે જે લોકો ઈસુની સાથે ત્યાં હતા, તેમણે જે બન્યું હતું તેની જાહેરાત કરી હતી. 18 એટલે જ આ આખો જનસમુદાય તેમને સત્કારવા આવ્યો હતો; કારણ, તેમણે એ અદ્ભુત કૃત્ય વિષે સાંભળ્યું હતું. 19 ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જોયું ને, આપણું તો કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ જાય છે!” ગ્રીકોને ઈસુનાં દર્શન 20 પર્વ સમયે યરુશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો પણ હતા. 21 તેમણે ગાલીલના બેથસાઈદા ગામના ફિલિપની પાસે આવીને કહ્યું, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા માગીએ છીએ.” 22 ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને તે બન્નેએ સાથે મળીને તે ઈસુને કહ્યું, 23 ઈસુએ જવાબ આપ્યો, “માનવપુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે. 24 હું તમને સાચે જ કહું છું: ઘઉંનો દાણો જમીનમાં વવાઈને મરી ન જાય, તો તે એક જ દાણો રહે છે. જો તે મરી જાય તો તે ઘણા દાણા ઉપજાવે છે. 25 જે કોઈ પોતાના જીવનને વહાલું ગણે છે, તે તેને ગુમાવે છે. અને જે કોઈ આ દુનિયામાં પોતાના જીવનનો દ્વેષ કરે છે તે સાર્વકાલિક જીવનને માટે તેને સંભાળી રાખશે. 26 જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.” પોતાના મરણ વિષે ઈસુની આગાહી 27 “હવે મારો આત્મા વ્યાકુળ થયો છે. હું શું કહું? ‘ઓ પિતા, આ સમયમાંથી મને બચાવો,’ એમ કહું? પરંતુ આ દુ:ખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું. 28 હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો!” ત્યારે આકાશમાંથી વાણી થઈ, “મેં એ મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી પણ કરીશ.” 29 ત્યાં ઊભા રહેલા જનસમુદાયે તે વાણી સાંભળીને કહ્યું, “ગર્જના થઈ!” પણ બીજાઓએ કહ્યું, “કોઈ દેવદૂતે એમની સાથે વાત કરી!” 30 પરંતુ ઈસુએ તેમને કહ્યું, “આ વાણી મારે માટે નહિ, પરંતુ તમારે માટે થઈ છે. 31 હવે દુનિયાનો ન્યાય કરવાનો સમય આવી ગયો છે. હવે આ દુનિયાના શાસનર્ક્તાને ફેંકી દેવામાં આવશે. 32 જ્યારે મને આ પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, ત્યારે હું બધા માણસોને મારી તરફ ખેંચીશ.” 33 પોતે કેવા પ્રકારનું મરણ પામવાના હતા, તે સૂચવતાં તેમણે એમ કહ્યું. 34 લોકો બોલી ઊઠયા, “આપણું નિયમશાસ્ત્ર કહે છે કે મસીહ સદાકાળ રહેવાના છે; તો પછી તમે એમ શી રીતે કહો છો કે માનવપુત્રને ઊંચો કરવામાં આવશે? એ માનવપુત્ર કોણ છે?” 35 ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી. 36 તમારી મયે પ્રકાશ છે, ત્યાં સુધી તેના પર વિશ્વાસ કરો; જેથી તમે પ્રકાશના પુત્રો બની જાઓ.” આમ બોલીને ઈસુ ચાલતા થયા અને તેમની દૃષ્ટિથી દૂર જતા રહ્યા. યહૂદીઓનો અવિશ્વાસ 37 ઈસુએ તેમની આંખો આગળ આવાં અદ્ભુત કાર્યો કર્યાં, છતાં તેમણે તેમના પર વિશ્વાસ કર્યો નહિ; 38 જેથી ઈશ્વરના સંદેશવાહક યશાયાના શબ્દો સાચા પડયા: “પ્રભુ, અમારો સંદેશ કોણે માન્યો છે? પ્રભુએ પોતાના ભુજની શક્તિ કોની આગળ પ્રગટ કરી છે?” 39 તેઓ વિશ્વાસ કરી શક્યા નહિ, કારણ, યશાયાએ એ પણ કહ્યું છે: 40 “ઈશ્વરે તેમની આંખો આંધળી કરી છે, અને તેમનાં મન જડ બનાવ્યાં છે; જેથી તેમની આંખો જોશે નહિ, અને તેમનાં મનથી તેઓ સમજશે નહિ, અને તેઓ સાજા થવા માટે મારી તરફ પાછા ફરશે નહિ, એમ ઈશ્વર કહે છે.” 41 યશાયાએ એમ કહ્યું હતું કારણ, તેને ઈસુના મહિમાનું દર્શન થયું હતું અને તે ઈસુ વિષે બોલ્યો હતો. 42 છતાં ઘણા યહૂદી અધિકારીઓએ તેમના પર વિશ્વાસ મૂક્યો, પરંતુ ફરોશીઓ તેમનો બહિષ્કાર કરે એની બીકને લીધે તેઓ જાહેરમાં કબૂલાત કરતા નહોતા. 43 ઈશ્વર તરફથી મળતી પ્રશંસાને બદલે તેઓ માણસોની પ્રશંસાને વધારે ચાહતા હતા. ઈસુના શબ્દ દ્વારા ન્યાય 44 ઈસુએ પોકારીને કહ્યું, “જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે ફક્ત મારા ઉપર જ નહિ, પણ મને મોકલનાર પર પણ વિશ્વાસ મૂકે છે. 45 જે કોઈ મારાં દર્શન કરે છે, તે મને મોકલનારનાં પણ દર્શન કરે છે. 46 દુનિયામાં હું પ્રકાશ તરીકે આવ્યો છું; જેથી મારા પર વિશ્વાસ મૂકનાર પ્રત્યેક અંધકારમાં ચાલે નહિ. 47 જે કોઈ મારો સંદેશ સાંભળે છે, પણ તેનું પાલન કરતો નથી તેને હું સજાપાત્ર ઠરાવતો નથી, કારણ, હું દુનિયાનો ન્યાય કરવા નહિ, પરંતુ તેનો ઉદ્ધાર કરવા આવ્યો છું. 48 જો કોઈ મારો ઇન્કાર કરે છે અને મારો સંદેશ સ્વીકારતો નથી, તો જે શબ્દો હું બોલ્યો છું તે તેને છેલ્લે દિવસે સજાપાત્ર ઠરાવશે. 49 કારણ, હું મારી પોતાની મેળે કશું જ બોલ્યો નથી, પરંતુ મને મોકલનાર પિતાએ મારે શું બોલવું અને શું કહેવું તે સંબંધી મને આજ્ઞા આપેલી છે; 50 અને મને ખાતરી છે કે તેમની આજ્ઞા સાર્વકાલિક જીવન લાવનારી છે, તેથી પિતાના કહ્યા પ્રમાણે જ હું બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide