યર્મિયા 9 - પવિત્ર બાઇબલ C.L.પોતાના લોકોની નીતિભ્રષ્ટતા માટે યર્મિયાની હતાશા 1 મારું માથું પાણીનો ભંડાર હોત અને મારી આંખો આંસુઓનાં ઝરણાં હોત તો મારા લોકમાંથી માર્યા ગયેલાઓ માટે હું રાતદિવસ રુદન કર્યા જ કરત! 2 મારે માટે રહેવાને વેરાનપ્રદેશમાં વટેમાર્ગુઓના ઉતારાનું સ્થાન હોત તો મારા લોકને તજીને તેમનાથી દૂર જતો રહેત. કારણ, તેઓ બધા વ્યભિચારીઓ છે; તેઓ દગાખોરોની ટોળકી છે. 3 તેઓ ધનુષ્યની જેમ પોતાની જીભ વાળીને જૂઠનાં વાકાબાણ મારે છે, અને દેશમાં સત્યનું નહિ પણ જૂઠનું રાજ ચાલે છે! તેઓ દુષ્ટતા પર દુષ્ટતા આચર્યે જાય છે, અને પ્રભુને ઓળખતા નથી, એવું પ્રભુ પોતે કહે છે. 4 દરેકે, એકબીજા પ્રત્યે સાવધ રહેવું, અરે, સગા ભાઈ પર પણ ભરોસો ન રાખવો. કારણ, દરેક ભાઈ યાકોબ જેવો છેતરનાર અને દરેક મિત્ર નિંદાખોર બનશે. 5 દરેક પોતાના પડોશીને છેતરે છે, અને કોઈ જ સાચું બોલતું નથી! તેમની જીભ જૂઠું બોલવાથી ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરવામાં પાછા પડતા નથી. 6 જૂઠાણા પર જૂઠાણું, છેતરપિંડી પર છેતરપિંડી, તેઓ પ્રભુને ઓળખવાનો ઈનકાર કરે છે, એવું પ્રભુ પોતે કહે છે. 7 તેથી સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને ધાતુની જેમ ગાળીને પારખીશ, મારા લોકને માટે એ સિવાય હું બીજું કરું પણ શું? 8 તેમની જીભ તીક્ષ્ણ તીર જેવી છે; તેમના મુખમાં સદા છેતરપિંડી હોય છે. દરેક પોતાના પડોશી સાથે મિત્રભાવે બોલે છે, પણ મનમાં તેનો ઘાત કરવાનું કાવતરું ઘડે છે. 9 આ બધાને લીધે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર હું બદલો ન લઉં? હું પ્રભુ એ બોલ્યો છું.” યરુશાલેમનો વિનાશ 10 હું પર્વતોને માટે શોકગીત ગાઈશ, અને ઘાસચારાનાં મેદાનો માટે હું રુદન કરીશ. કારણ, તે એવાં સુકાઈ ગયાં છે કે ત્યાંથી કોઈ પસાર પણ થતું નથી! ત્યાં હવે ઢોરોનો અવાજ સંભળાતો નથી. આકાશનાં પક્ષીઓ અને પશુઓ નાસી છૂટીને જતાં રહ્યાં છે. 11 પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.” 12 મેં કહ્યું: “હે પ્રભુ, શા માટે આ દેશ ઉજ્જડ થયો છે અને તે રણની જેમ સુકાઈ ગયો છે કે તેમાંથી કોઈ પસાર પણ થતું નથી? એ સમજવાને કોઈ જ્ઞાની છે? કોના મુખે પ્રભુ એ જણાવવા માગે છે?” 13 પ્રભુએ મને કહ્યું, “મારા આપેલા નિયમશાસ્ત્રનો લોકોએ ત્યાગ કર્યો તેથી આ બન્યું છે. તેમણે મારી વાણી સાંભળી નથી કે તે મુજબ આચરણ કર્યું નથી. 14 એને બદલે, તેઓ પોતાના દયના દુરાગ્રહને અનુસર્યા અને તેમના પૂર્વજોએ શીખવ્યા પ્રમાણે બઆલદેવની મૂર્તિઓની પૂજા કરી.” 15 તેથી સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હું તેમને ખાવાને માટે કીરમાણીનો ઝેરી છોડવો અને પીવાને માટે ઝેર આપીશ. 16 તેઓ કે તેમના પૂર્વજો જેમને ઓળખતા નથી એવી પ્રજાઓ મધ્યે હું તેમને વિખેરી નાખીશ અને તેમનો સંહાર થાય ત્યાં સુધી તેમની પાછળ તલવાર મોકલીશ.” યરુશાલેમમાં વિલાપ 17 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “વિચાર કરો, અને શોકગીતો ગાનારી સ્ત્રીઓને બોલાવો, શોક કરવામાં પ્રવીણ સ્ત્રીઓને આમંત્રણ આપો.” 18 લોકોએ કહ્યું, “તેઓ ઉતાવળથી આવે અને અમારે માટે શોકગીત ગાય, જેથી અમારી આંખો ચોધાર આંસુએ રડે, અને અમારાં પોપચાંમાંથી આંસુ ઊભરાય.” 19 સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.” 20 મેં કહ્યું, “હે સ્ત્રીઓ, પ્રભુની વાણી સાંભળો અને તેમના મુખના શબ્દો પર કાન દો. તમારી પુત્રીઓને પણ વિલાપગીત ગાતાં શીખવો, અને તમારી સહેલીઓને પણ મૃત્યુગીત શીખવો.” 21 મોત આપણી બારીઓમાંથી આવી ચઢયું છે. તેણે આપણા કિલ્લાઓમાં પ્રવેશ કર્યો છે અને તેણે શેરીઓમાં બાળકોને અને ચોકમાં યુવાનોનો સંહાર કર્યો છે. 22 મને આવું બોલવાનું કહેવામાં આવ્યું છે કે આ તો પ્રભુની વાણી છે: “ખેતરમાં વેરાયેલા ખાતરની જેમ મૃતદેહો રઝળે છે, અને કાપણી કરનારાઓની પાછળ રહી ગયેલા પૂળાઓની જેમ તેમને કોઈ ઉપાડતું નથી.” સાચો ગર્વ 23 પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ. 24 પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.” 25-26 પ્રભુ કહે છે કે, “એવો સમય આવે છે કે, જ્યારે હું ઇજિપ્તને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને, તેમ જ બાજુએથી દાઢી મૂંડેલી હોય એવી રણપ્રદેશમાં ભટક્તી જાતિઓને, એ સૌને સજા કરીશ. મને ઓળખતા નહિ હોવાને લીધે હું સર્વ સુન્નતરહિત વિદેશીઓને અને શારીરિક સુન્નતથી મારી સાથે કરારબદ્ધ થયા હોવા છતાં મારા પ્રત્યેની નિષ્ઠામાં તેમના દયની દુષ્ટતામાં સુન્નતરહિત હોવાને લીધે ઇઝરાયલને સજા કરીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide