યર્મિયા 8 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ કહે છે, “એ સમયે યહૂદિયાના રાજાઓનાં, અધિકારીઓનાં, યજ્ઞકારોનાં, સંદેશવાહકોનાં અને યરુશાલેમના રહેવાસીઓનાં હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. 2 સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે. 3 વળી, આ દુષ્ટ પ્રજાના બાકી રહી ગયેલા જનોને જે સ્થળોમાં હું નસાડી મૂકું ત્યાં તેમને જીવવા કરતાં મરવું વિશેષ પસંદ પડશે. આ હું સેનાધિપતિ સર્વશક્તિમાન પ્રભુ એ બોલું છું.” અપરાધોમાં રીઢા લોકોનું કરુણપતન 4 યરુશાલેમના લોકોને આવું કહેવાને પ્રભુએ મને કહ્યું: “જો કોઈ પડી જાય તો શું તે પાછો ઊભો થતો નથી? જો કોઈ રસ્તો ભૂલી જાય તો શું પાછો ફરતો નથી? 5 તો પછી તમે મારાથી વિમુખ થઈને સતત પીછેહઠ કેમ કરી રહ્યા છો? તમે ભરમાવી દેનાર મૂર્તિઓને વળગી રહો છો અને મારી તરફ પાછા ફરવાની ના પાડો છો. 6 જો કે હું તમને ધ્યનથી સાંભળું છું, પણ તમે પસ્તાવાનો એક શબ્દ પણ ઉચ્ચારતા નથી; ‘અરે, મેં આ શું કર્યું;’ એવું કહીને એક પણ વ્યક્તિ પોતાની દુષ્ટતા માટે ખેદ કરતી નથી. ઘોડો યુદ્ધમાં ધસી જાય તેમ દરેક જન પતન તરફ ધસે છે. 7 આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી. 8 તમે એમ કઈ રીતે કહી શકો કે, ‘અમે જ્ઞાની છીએ અને પ્રભુનું નિયમશાસ્ત્ર અમારી પાસે છે?’ હકીક્તમાં, નિયમશાસ્ત્રના લહિયાઓની જૂઠી કલમે તેને જૂઠું કરી નાખ્યું છે. 9 જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય? 10 તેથી તેમની પત્નીઓ બીજાઓને સોંપાશે, તેમનાં ખેતરો નવા માલિકોને સોંપવામાં આવશે. કારણ, નાનામોટા બધા જ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે. 11 હકીક્તમાં, કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રુઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે! 12 શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.” આતંક અને હતાશા 13 “જેમ કોઈ ફસલ એકઠી કરે તેમ હું મારા લોકને એકઠા કરવા માંગતો હતો, પણ તેઓ તો દ્રાક્ષ વગરના દ્રાક્ષવેલા અને અંજીર વગરના અંજીરવૃક્ષ જેવા છે, અરે, પાંદડાં પણ ચીમળાઈ ગયાં છે, તેથી મેં તેમને જે કંઈ આપ્યું તે તેમની પાસેથી જતું રહેશે.” 14 લોકોએ કહ્યું, “આપણે શા માટે બેસી રહ્યા છીએ? ચાલો, આપણે એકત્ર થઈને કિલ્લેબંધ નગરોમાં જઈએ અને ત્યાં મોત વહોરી લઈએ. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ આપણો નાશ નિશ્ર્વિત કર્યો છે. આપણે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે તેથી તેમણે આપણને ઝેર પીવા આપ્યું છે. 15 આપણે આબાદીની આશા રાખી હતી, પરંતુ કંઈ હિત થયું નહીં; સાજા થવાની આશા હતી, પણ એને બદલે આતંક આવી પડયો. 16 ઉત્તરની સરહદે આવેલા દાન નગરથી શત્રુના અશ્વોનો હણહણાટ સંભળાય છે; તેમના પાણીદાર અશ્વોની તબડકથી આખી ધરતી ધ્રૂજી ઊઠી છે. દુશ્મનો આપણો આખો પ્રદેશ અને તેમાંનું સર્વસ્વ તથા બધાં નગરો અને રહેવાસીઓનો નાશ કરવાને આવી રહ્યા છે. 17 ધ્યાનમાં લો કે હું તમારી વચમાં મંત્રથી પણ વશ ન થાય એવા ઝેરી સાપ અને નાગ મોકલું છું અને તે તમને કરડશે. હું પ્રભુ પોતે આ કહું છું.” પોતાના લોકને માટે યર્મિયાનો કરુણ વિલાપ 18 શોક મને ઘેરી વળ્યો છે મારું હૃદય બેહોશ થયું છે. 19 સાંભળો, આખા દેશમાંથી મારા લોકના રુદનનો પોકાર સંભળાય છે. લોકો પૂછે છે, “શું પ્રભુ સિયોનનગરમાં નથી? શું સિયોનનગરનો રાજા ત્યાં ઉપસ્થિત નથી?” પ્રભુ કહે છે, “તો પછી તેમણે વ્યર્થ તથા પારકા દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરીને મને કેમ ચીડવ્યો છે?” 20 ઉનાળો પસાર થઈ ગયો છે, અરે, કાપણીની મોસમ પણ પૂરી થઈ છે. છતાં, અમારો ઉગારો થયો નથી. 21 મારા લોકના ઘા જોઈને મારું હૃદય ઘાયલ થયું છે. હું શોકગ્રસ્ત છું, અને ભયભીત થયો છું. 22 શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide