યર્મિયા 7 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયાનું મંદિરમાં પ્રવચન 1 પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશો મળ્યો: 2 “પ્રભુના મંદિરના દરવાજે ઊભો રહી આ સંદેશ પ્રગટ કરતાં કહે; હે યહૂદિયાના સર્વ લોકો, તમે જેઓ આ દરવાજાઓથી પ્રવેશીને પ્રભુની ભક્તિ કરવા જાઓ છો તેઓ પ્રભુનો સંદેશ સાંભળો. 3 સેનાધિપતિ પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે: તમારાં સમગ્ર અનુસરણ અને આચરણમાં સુધારો કરો તો હું આ સ્થળે તમને વસવા દઈશ. 4 ‘આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે, આ પ્રભુનું મંદિર છે’: એવા ભ્રામક શબ્દો પર ભરોસો મૂકશો નહિ. 5 જો તમે તમારું સમગ્ર આચરણ અને તમારાં કાર્યો સુધારો અને એકબીજા સાથે પ્રામાણિકપણે વર્તો, 6 પરદેશી, અનાથ અને વિધવાનું શોષણ ન કરો, અને નિર્દોષજનોનું રક્ત ન વહેવડાવો અને અન્ય દેવોની પૂજા કરીને તમારું નુક્સાન વહોરી ન લો, 7 તો જ હું આ સ્થળે એટલે, જે દેશ મેં તમારા પૂર્વજોને કાયમી વારસા તરીકે આપ્યો હતો તેમાં તમને વસવા દઈશ. 8 “યાન દો, તમે તો હજી એ છેતરામણા શબ્દો પર નિરર્થક ભરોસો રાખો છો. 9 તમે ચોરી, ખૂન અને વ્યભિચાર કરો છો, જૂઠા સોગંદ ખાઓ છો, બઆલ દેવને ધૂપ ચડાવો છો અને અજાણ્યા દેવોની પૂજા કરો છો. 10 પછી મારે નામે ઓળખાતા આ મંદિરમાં આવીને મારી સમક્ષ ઊભા રહી તમે કહો છો, ‘અમે અહીં સલામત છીએ’ અને પછી પાછા આ બધાં ઘૃણાજનક કાર્યો જારી રાખો છો. 11 મારે નામે ઓળખાતું આ મંદિર શું તમારી દષ્ટિમાં લૂંટારાઓનું ધામ છે? પણ યાદ રાખો કે મેં એ બધું જાતે જોયું છે. હું પ્રભુ પોતે એ બોલું છું. 12 મારે નામે ભક્તિ કરવા મેં સૌ પ્રથમ પસંદ કરેલા શીલોહ નગરમાં જાઓ અને મારા લોક ઇઝરાયલના પાપને લીધે મેં તેની કેવી દુર્દશા કરી તે જુઓ! 13 છતાં તમે તમારાં દુષ્કૃત્યો ચાલુ રાખ્યાં છે અને હું તો તમને વારંવાર આગ્રહથી ચેતવતો રહ્યો છું, પણ તમે મારી વાણી સાંભળી નથી; મેં બોલાવ્યા ત્યારે તમે ઉત્તર આપ્યો નથી. 14 તેથી મારે નામે ઓળખાતું આ મંદિર, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થળ મેં તમારા પૂર્વજોને અને તમને આપ્યું હતું તેની દશા શીલોહ જેવી જ કરીશ. 15 અને જેમ મેં તમારા જાતભાઈઓ એફ્રાઈમના વંશજો, અરે, ઇઝરાયલના બધા લોકોને હાંકી કાઢયા એમ હું તમને મારી નજર સામેથી હાંકી કાઢીશ. હું પ્રભુ પોતે એ બોલું છું.” લોકોનો આજ્ઞાભંગ 16 પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમની તરફેણમાં આજીજી કે વિનંતી કરીશ નહિ અથવા મારી પાસે તેમના હક્કમાં મયસ્થી કરીશ નહિ. કારણ, હું તારી અરજ સાંભળવાનો નથી. 17 યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું શું કરે છે, એ તું જોતો નથી? 18 આકાશની રાણી નામની દેવી માટે પોળી બનાવવા બાળકો લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે અને સ્ત્રીઓ લોટ ગૂંદે છે, તથા મને ક્રોધિત કરવા અન્ય દેવો આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડે છે. 19 શું એમ કરીને તેઓ મને ચીડવવા માંગે છે? ના, હું પ્રભુ કહું છું કે તેઓ તો પોતાને જ ચીડવે છે; કારણ, તેઓ જ ભોંઠા પડવાના છે.” 20 તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.” 21 પ્રભુ પરમેશ્વર, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે, “હે મારા લોક, કેટલાંક બલિદાનોનું તમે સંપૂર્ણ દહન કરો છો અને કેટલાંક બલિદાનમાંથી તમને ખાવાની છૂટ છે. પણ હવે તમે ભલે બધાં જ બલિદાનમાંથી ખાઓ! 22 કેમ કે જ્યારે હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી છોડાવી લાવ્યો ત્યારે મેં તમને માત્ર દહનબલિ અને અન્ય બલિદાન વિષે કંઈ કહ્યું નહોતું કે આજ્ઞા આપી નહોતી. 23 મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે. 24 પણ તેમણે ન તો આજ્ઞાઓ પાળી કે ન તો કંઈ લક્ષ આપ્યું; પણ તેઓ પોતાને ફાવે તેમ તેમના જક્કી અને કુટિલ દયના દુરાગ્રહ પ્રમાણે વર્ત્યા; તેઓ પાછા હઠયા, પણ આગળ વયા નહિ. 25 તમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી મેં મારા સેવકો એટલે સંદેશવાહકોને તેમની પાસે તથા તમારી પાસે વારંવાર આગ્રહથી મોકલ્યા. 26 છતાં લોકોએ સાંભળ્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ, પણ એને બદલે, જક્કી દયના થઈને તેમના પૂર્વજો કરતાં પણ વધુ બંડખોર બન્યા. 27 “તેથી યર્મિયા, તું આ બધી વાતો મારા લોકને કહીશ, પણ તેઓ તારું સાંભળશે નહિ; તું તેમને બોલાવીશ, પણ તેઓ તને ઉત્તર આપશે નહિ. 28 તેથી તું તેમને કહેજે, ‘આ એ જ પ્રજા છે કે જે ઈશ્વરની વાણીને આધીન થતી નથી કે તેમની શિખામણ સ્વીકારતી નથી.’ સત્યનિષ્ઠા મરી પરવારી છે, કોઈના મુખમાં સત્ય રહ્યું નથી.” હિન્નોમની ખીણમાં દુષ્ટ કાર્યો 29 શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે. 30 પ્રભુ કહે છે, ‘યહૂદિયાના લોકોએ દુષ્ટ કાર્ય કર્યું છે; હું જેની સખત ઘૃણા કરું છું તેવી મૂર્તિઓને મારા મંદિરમાં સ્થાપીને તેમણે તેને અપવિત્ર કર્યું છે. 31 તેમણે હિન્નોમની ખીણમાં તોફેથ નામનું પૂજાનું ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેના પર તેઓ તેમનાં પુત્રપુત્રીઓને અગ્નિથી દહન કરીને બલિ તરીકે ચડાવી શકે. આ પ્રમાણે કરવાની મેં આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખો ય કદી આવ્યો નથી! 32 તેથી હું પ્રભુ કહું છું કે એવો સમય આવશે જ્યારે એ સ્થાનને તોફેથ કે હિન્નોમની ખીણ કહેવામાં આવશે નહિ, પણ ‘સંહારની ખીણ’ કહેવામાં આવશે. કારણ, જરાપણ જગા ખાલી ન રહે ત્યાં સુધી તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે. 33 આ મૃતદેહો ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ થઈ પડશે; અને તેમને હાંકી કાઢનાર કોઈ હશે નહિ! 34 હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide