Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 6 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમ શત્રુઓથી ઘેરાયું છે

1 ઓ બિન્યામીનના લાકો, બચાવ માટે યરુશાલેમમાંથી નાસી છૂટો. તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમમાં મશાલ પેટાવીને તેના સંકેતથી ચેતવણી આપો. કારણ, ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ ઝળુંબી રહ્યાં છે.

2 સિયોનનગરી તો કુમળા ગૌચર જેવી આનંદદાયક છે, પણ તેનો નાશ કરવામાં આવશે.

3 અત્યારે તો ત્યાં ઘેટાંપાલકો પોતાનાં ટોળાં લઈને આવે છે અને તેની આસપાસ પોતાના તંબૂ નાખે છે; દરેક પોતપોતાના સ્થાનમાં ઘેટાં ચરાવે છે.

4 પણ ત્યારે આક્રમણકારો કહેશે, ‘યરુશાલેમ પર હુમલો કરવાને તૈયાર થાઓ. આપણે બપોરે ચડાઈ કરીશું, પણ પછી તેઓ કહેશે, ‘હાય રે! બહુ મોડું થયું, દિવસ આથમી રહ્યો છે. સંયાના પડછાયા લાંબા થઈ રહ્યા છે.

5 ચાલો, હવે આપણે રાત્રે અંધારામાં હુમલો કરીશું અને તેના રાજમહેલોનો વિનાશ કરીશું.’

6 કારણ, સેનાધિપતિ પ્રભુ આક્રમણ કરનારાને આમ કહે છે: “યરુશાલેમનાં વૃક્ષો કાપી નાખો અને તે વડે તેની આસપાસ મોરચો બાંધો; એ નગરમાં નર્યા જુલમ સિવાય કશું જ નથી.

7 તેથી હું તેને સજા કરીશ. જેમ કૂવામાંથી તાજું પાણી ઊભરાયા કરે છે, તેમ યરૂશાલેમ પોતાની દુષ્ટતાથી ઊભરાય છે. તેમાં હત્યા અને લૂંટફાટની ચીસો સંભળાય છે; વેદના તથા ઘા સિવાય મને કંઈ જોવા મળતું નથી.

8 હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


બંડખોર ઇઝરાયલ

9 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “દ્રાક્ષવાડીમાંથી બધી દ્રાક્ષ તોડી લેવામાં આવે તેમ ઇઝરાયલમાંના બાકી રહી ગયેલાંને પણ લઈ જવામાં આવશે. યર્મિયા, તે માટે દ્રાક્ષ વીણનારની માફક ફરીથી તારો હાથ ડાળીઓ પર ફેરવ.”

10 મેં ઉત્તર આપ્યો, “હું કોને કહું? મારી ચેતવણી કોણ સાંભળશે? તેમના સુન્‍નતરહિત કાન ઉઘાડા નથી અને તેઓ સાંભળવા માંગતા નથી. પ્રભુનો સંદેશ તેમને માટે ઘૃણાસ્પદ છે અને તે તેમને પસંદ નથી.

11 તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.

12 તેમનાં ઘરો અરે, તેમનાં ખેતરો અને પત્નીઓ પણ બીજાને સોંપી દેવાશે; કારણ, આ દેશના રહેવાસીઓ પર હું મારો હાથ ઉગામવાનો છું. હું પ્રભુ એ કહું છું.

13 કારણ, નાનામોટા સૌ અધમ લાભના લાલચુ બન્યા છે. અરે, સંદેશવાહકો તથા યજ્ઞકારો પણ ઠગબાજી કરે છે!

14 જ્યારે હકીક્તમાં કલ્યાણ નથી ત્યારે ‘કલ્યાણ હો, કલ્યાણ હો,’ એમ કહીને તેઓ મારા લોકનો કારી ઘા રૂઝવવા ઉપરછલ્લો ઉપચાર કરે છે.

15 શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ; અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


આધીનતાને બદલે ક્રિયાકાંડ ન ચાલે

16 પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’

17 તેથી મેં તેમના પર ચોકીદારો નીમીને તેમને કહ્યું, ‘ચેતવણી માટે રણશિંગડાનો સાદ સાંભળો’, પણ તેમણે કહ્યું, ‘અમે સાંભળવા માગતા નથી.”

18 તેથી પ્રભુએ કહ્યું, “હે પ્રજાઓ, હે સમાજો, મારા લોકની શી દશા થશે તે વિષે સાંભળો.

19 હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે.

20 શેબા દેશથી આયાત કરેલા લોબાનની કે દૂર દેશના ધૂપની મારે શી જરૂર છે? અરે, તેમનાં દહનબલિ મને સ્વીકાર્ય નથી અને તેમનાં બલિદાનો મને પસંદ નથી.”

21 તેથી પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, આ લોકના માર્ગમાં હું અવરોધ મૂકીશ, જેથી તેઓ ઠોકર ખાઈને ગબડી પડશે. પિતા અને પુત્રો તથા પડોશીઓ તથા મિત્રો એક સાથે નાશ પામશે.”


ઉત્તર તરફથી આક્રમણ

22 પ્રભુ આ પ્રમાણે કહે છે, “જુઓ, ઉત્તર તરફના દેશમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીના અંતિમ ભાગમાંથી એક બળવાન પ્રજા ચડાઈ કરવા આવી રહી છે.

23 તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”

24 યરુશાલેમના લોકો કહે છે, “અમે એ સમાચાર સાંભળ્યા છે, અમે ગભરાઈ ગયા છીએ, અને અમે પ્રસૂતિની વેદના જેવી પીડામાં પટક્યા છીએ.

25 અમે બહાર નીકળવાની કે રસ્તા પર ચાલવાની હિંમત કરી શક્તા નથી; કારણ, અમારા દુશ્મનો શસ્ત્રસજ્જ છે, અને ચોમેર આંતક છવાયો છે.”

26 પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.

27 હે યર્મિયા, ધાતુ પારખનારની જેમ તું મારા લોકનાં આચરણની પારખ કર.

28 તેઓ સઘળા રીઢા બંડખોરો છે, તેઓ તાંબા અને લોખંડ જેવા સખત છે; તેઓમાંનો એકેએક ભ્રષ્ટ અને અફવા ફેલાવનાર છે.

29 ધમણ જોરથી ફૂંક્યા કરે છે, અને સીસુ અગ્નિમાં બળી જાય છે પણ કચરો છૂટો પડતો નથી અને રૂપું શુદ્ધ થતું નથી; દુષ્ટો પણ એ રીતે દૂર થતા નથી.

30 તેઓ તો રૂપાના નકામા કચરા જેવા છે. કારણ, મેં પ્રભુએ તેમને કચરો ગણીને ફેંકી દીધા છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan