Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 52 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમના પતન વિષે વિવરણ
( ૨ રાજા. 24:18—25:7 )

1 સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી.

2 યહોયાકીમ રાજાની જેમ સિદકિયા રાજાએ પણ પ્રભુની દષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

3 યરુશાલેમ અને યહૂદિયાના લોકોએ પ્રભુને એટલા કોપાયમાન કર્યા કે, છેવટે પ્રભુએ તેમને પોતાની નજર આગળથી હાંકી કાઢયા. સિદકિયા રાજાએ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર સામે વિદ્રોહ કર્યો,

4 તેથી સિદકિયાના અમલના નવમા વર્ષના દસમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાનું સમગ્ર લશ્કર મોકલીને યરુશાલેમ પર આક્રમણ કર્યું.

5 તેમણે નગરને ઘેરો ઘાલ્યો અને તેની સામે ચારે બાજુએ મોરચા ઊભા કર્યા. સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો ચાલુ રહ્યો.

6 એ જ વર્ષના ચોથા મહિનાના નવમે દિવસે ભૂખમરો હતો અને લોકો પાસે કંઈ ખોરાક બચ્યો નહોતો.

7 તેથી નગરકોટમાં બાકોરું પાડવામાં આવ્યું અને ખાલદીઓનું લશ્કર નગરની ચારેબાજુ ઘેરો ઘાલીને પડયું હોવા છતાં કેટલાક સૈનિકો રાત્રે નાસી છૂટયા. તેમણે રાજઉદ્યાનને માર્ગે બે દીવાલોની વચ્ચેના પ્રવેશદ્વાર મારફતે અરાબા એટલે યર્દનના ખીણપ્રદેશ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો.

8 પરંતુ ખાલદીઓના સૈન્યે સિદકિયાનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો; અને તેના બધા સૈનિકો તેને છોડીને આમતેમ નાસી ગયા.

9 નબૂખાદનેસ્સાર રાજા ત્યારે રિબ્લા નગરમાં હતો. તેથી તેઓ સિદકિયાને ત્યાં તેની પાસે લઈ ગયા. નબૂખાદનેસ્સારે ત્યાં સિદકિયાને આવી સજા ફટકારી.

10 રિબ્લા નગરમાં બેબિલોનના રાજાએ સિદકિયાના પુત્રોને તેની નજર સામે જ મારી નંખાવ્યા, અને રિબ્લા લાવવામાં આવેલા યહૂદિયાના જુદા જુદા અધિકારીઓને પણ મારી નંખાવ્યા.

11 ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નંખાવી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન લઈ ગયો અને તેના મૃત્યુપર્યંત ત્યાં તેને કેદમાં રાખ્યો.


મંદિરનો નાશ
( ૨ રાજા. 25:8-17 )

12 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અમલના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દસમે દિવસે બેબિલોનના રાજાના અંગત સલાહકાર અને અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યરુશાલેમમાં પ્રવેશ કર્યો.

13 તેણે પ્રભુનું મંદિર, રાજમહેલ અને યરુશાલેમનાં મોટાં મોટાં બધાં મકાનો બાળી નાખ્યાં.

14 વળી, અંગરક્ષકદળના વડાના નિયંત્રણ હેઠળના ખાલદીઓના લશ્કરે યરુશાલેમની ચારે બાજુના કોટની બધી દીવાલો તોડી પાડી.

15 અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને, બેબિલોન રાજાના શરણે ગયેલા લોકોને અને બાકી રહેલા કુશળ કારીગરોને દેશનિકાલ કરી બેબિલોન લઈ ગયો.

16 પરંતુ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા.

17 ખાલદીઓએ પ્રભુના મંદિરના તાંબાનાં સ્તંભો, જળગાડીઓ અને જળકૂંડ ભાંગી નાખ્યા અને બધું તાંબુ બેબિલોન લઈ ગયા.

18 વળી, તેઓ મંદિરમાં સેવાના કામને માટે વપરાતાં ભસ્મપાત્રો, પાવડા, સાણસા, રક્તપાત્રો, ધૂપપાત્રો અને તાંબાંનાં અન્ય તમામ વાસણો પણ લઈ ગયા.

19 તે ઉપરાંત અંગરક્ષકદળનો વડો સોનાતચાંદીનાં પાત્રો એટલે પ્યાલા, અંગારપાત્રો, રક્તપાત્રો, ભસ્મપાત્રો, દીવીઓ, ચમચા અને કટોરા આ બધું જ લઈ ગયો.

20 શલોમોન રાજાએ પ્રભુના મંદિર માટે બનાવેલા બે સ્તંભો, એક જળકૂંડ અને તેને ટેકો આપતા તેની નીચેના બાર તાંબાના બાર આખલામાં એટલું બધું તાંબુ વપરાયેલું હતું કે તેનું વજન અણતોલ હતું.

21 બન્‍ને સ્તંભ એક્સરખા હતા; દરેક સ્તંભ આશરે 8 મીટર ઊંચો હતો; અને તેનો પરિઘ 5.4 મીટર હતો. સ્તંભ અંદરથી પોલો હતો અને તેની દીવાલની જાડાઈ આશરે 10 સેન્ટીમીટર હતી.

22 તેની ઉપર તાંબાનો કળશ હતો જે આશરે 2.3 મીટર ઊંચો હતો. કળશની આસપાસ તાંબાનું ઝીણું નકશીકામ અને તાંબાનાં દાડમનું કોતરકામ હતું;

23 દરેક સ્તંભના નકશીકામમાં સો દાડમો વર્તુળાકારે ગોઠવેલા હતા; એમાંનાં છન્‍નું દાડમો નીચેથી જોઈ શક્તાં હતાં.


બેબિલોનમાં દેશનિકાલ
( ૨ રાજા. 25:18-21 , 27-30 )

24 તે ઉપરાંત, અંગરક્ષકદળનો વડો નબૂઝારઅદાન મુખ્ય યજ્ઞકાર સરાયાને, તેનાથી બીજા દરજ્જાના યજ્ઞકાર સફાન્યાને અને મંદિરના બીજા ત્રણ દ્વારપાળ યજ્ઞકારોને પણ લઈ ગયો.

25 વળી, તેણે નગરમાંથી સેનાપતિને, નગરમાં ઉપસ્થિત રાજાના સાત અંગત સલાહકારોને, લશ્કરની ભરતીનું કામ કરનાર સેનાનાયકને અને નગરના જમીનદાર વર્ગના અગ્રગણ્ય સાઠ માણસોને પકડી લીધા.

26 નબૂઝારઅદાન એ બધાને કેદ કરીને હમાથ પ્રદેશના રિબ્લા નગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લઈ ગયો!

27 ત્યાં બેબિલોનના રાજાએ તેમને મારપીટ કરીને મારી નંખાવ્યા. આ પ્રમાણે યહૂદિયાના લોકો બંદી થઈને બેબિલોનમાં દેશનિકાલ કરાયા.

28 નબૂખાદનેસ્સારે જેમને દેશનિકાલ કર્યા તેમની સંખ્યા આ પ્રમાણે હતી: તેના રાજના સાતમા વર્ષમાં 3023 માણસો.

29 અઢારમાં વર્ષમાં 832 માણસો

30 અને તેવીસમા વર્ષમાં 745 માણસો નબૂઝારઅદાન દ્વારા બેબિલોનમાં દેશનિકાલ થયા. બધા મળીને કુલ 4600 માણસો લઈ જવામાં આવ્યા.

31 યહૂદિયાના રાજા યહોયાખીનના દેશનિકાલના સાડત્રીસમા વર્ષના બારમા મહિનાના પચીસમા દિવસે બેબિલોનના રાજા એવીલ-મેરોદાખે તેના રાજ્યાભિષેકના વર્ષમાં યહોયાખીન પ્રત્યે સદ્ભાવ દાખવ્યો અને તેને કેદમાંથી મુક્ત કર્યો.

32 એવીલ-મેરોદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ કરાયેલા જે બીજા રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું.

33 તેથી યહોયાખીનનાં કેદી તરીકેનાં વસ્ત્રો બદલાવી નાખવામાં આવ્યાં અને તે તેના બાકીના જીવનમાં રાજાની સાથે ભોજન લેતો હતો.

34 તેને તેના જીવનનિર્વાહ માટે બેબિલોનના રાજા તરફથી નિયત કરેલું દૈનિક ભથ્થું જીવનભર આપવામાં આવ્યું; જે તેને તેના મૃત્યુના દિવસ સુધી મળતું રહ્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan