યર્મિયા 51 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોનને થનારી સજા વિષે વધુ સંદેશ 1 પ્રભુ આ પ્રમાણે કહે છે, “બેબિલોન દેશ અને લેબ - કામાયના રહેવાસીઓની વિરુદ્ધ હું વિનાશક વાયુ જેવા પરદેશીઓને મોકલીશ. 2 તેઓ આવીને બેબિલોનના લોકોને તેમની ભૂમિમાંથી ઉપણી નાખશે અને તેમનો દેશ ખાલી કરી નાખશે. એ વિનાશના દિવસે તેઓ તેને ચારેબાજુથી ઘેરી લેશે. 3 તેના ધનુર્ધારીઓને ધનુષ્ય ચડાવવાનો સમય મળશે નહિ, કે તેના સૈનિકોને બખ્તર સજવાનો સમય રહેશે નહિ. તેના યુવાનો પર દયા દાખવવામાં આવશે નહિ અને તેના સૈન્યનો સંપૂર્ણ નાશ થશે. 4 તેઓ ખાલદીઓની ભૂમિ પર ક્તલ થઈને પડશે અને બેબિલોનની શેરીઓમાં વીંધાઈને પટકાશે. 5 જો કે તેમની ભૂમિ મારી એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધના પાપથી ભરપૂર હતી, છતાં મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ અને યહૂદિયાને તજી દીધા નથી. 6 બેબિલોનમાંથી નાસી છૂટો, તમે બધા જીવ લઈને ભાગો; જેથી બેબિલોનના પાપને લીધે તમે માર્યા ન જાઓ. હવે બદલો લેવાનો મારો સમય આવ્યો છે, અને હું તેને યોગ્ય સજા કરી રહ્યો છું. 7 બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે. 8 પણ બેબિલોન અચાનક પડીને પાયમાલ થયું છે; તેને માટે વિલાપ કરો; તેના ઘા પર વિકળાના વૃક્ષનો લેપ લગાવો કે તેનો ઘા કદાચ રૂઝાય. 9 તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે. 10 ખરેખર આપણે સાચા છીએ એનું પ્રભુએ સમર્થન કર્યું છે. ચાલો, આપણે યરૂશાલેમ જઈએ અને ત્યાં લોકોને આપણા ઈશ્વર પ્રભુનાં કાર્ય પ્રગટ કરીએ.” 11 પ્રભુએ બેબિલોનનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. તેથી તેમણે માદીઓના રાજાઓને ઉશ્કેર્યા છે. પ્રભુના મંદિરનો વિનાશ કર્યાને લીધે પ્રભુ આ રીતે પોતાનું વેર વાળી રહ્યા છે. સેનાનાયકો હુકમ કરે છે: તમારાં તીરોને તીક્ષ્ણ બનાવો અને ઢાલો ધારણ કરો. 12 બેબિલોનના કોટ પર આક્રમણ કરવા સંકેત આપો, સખત ચોકી પહેરો ગોઠવો, નાસભાગ રોકવા ચોકીદારો ગોઠવો, છાપો મારવા સંતાઈને તૈયાર રહો.’ કારણ, બેબિલોનના લોકો વિરુદ્ધ પ્રભુએ જે સંદેશ પ્રગટ કર્યો હતો તે જ પ્રમાણે તેમણે પોતાની યોજના પાર પાડી છે. 13 બેબિલોનને કહો, ‘તું ઘણી નદીઓ અને નહેરો પર વસેલું છે, અને તારા ધનના ભંડારો ભરપૂર છે. પણ હવે તારો અંત આવ્યો છે, તારી જીવાદોરી કાપી નાખવામાં આવી છે.’ 14 સેનાધિપતિ પ્રભુએ પોતાના જીવના સોગંદ લઈ કહ્યું છે: “હું તીડોની માફક અસંખ્ય માણસો બેબિલોનમાં લાવીશ, અને તેઓ તારા પર વિજેતા બનીને જયઘોષ કરશે.” ઈશ્વરની સ્તુતિનું ગીત 15 પ્રભુએ પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેમણે તેને સંસ્થાપિત કરી; અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું છે. 16 જ્યારે તે આજ્ઞા કરે છે ત્યારે આકાશી ધુમ્મટ ઉપરનાં પાણી ગર્જના કરે છે. તે પૃથ્વીની ક્ષિતિજો પરથી વાદળાં ઊંચે ચઢાવે છે, વરસાદના તોફાનમાં વીજળી ચમકાવે છે, અને પોતાના ભંડારમાંથી પવન મોકલે છે. 17 એ જોઈને પામર માનવીઓ આભા અને સ્તબ્ધ બની જાય છે, અને મૂર્તિ ઘડનાર કારીગરો શરમાઇ જાય છે, કારણ કે તે પ્રતિમાઓ ખોટી અને નિર્જીવ છે. 18 તે પ્રતિમાઓ વ્યર્થ અને ભ્રામક છે. પ્રભુ તેમને સજા કરશે ત્યારે તેમનો વિનાશ થશે. 19 યાકોબના હિસ્સે આવેલા ઈશ્વર એવા નથી; તે તો સકળ સૃષ્ટિના સર્જનહાર છે અને તેમણે ઇઝરાયલ પ્રજાને પોતાના વારસ તરીકે નીમી છે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે! પ્રભુનો હથોડો 20 પ્રભુ કહે છે: “હે બેબિલોન, તું મારો હથોડો છે. તું મારું યુદ્ધનું હથિયાર છે. તારા વડે હું પ્રજાઓનું ખંડન કરીશ અને તારા વડે રાજ્યોનો વિનાશ કરીશ. 21 તારા વડે હું ઘોડા અને તેના સવારના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું રથ અને તેના સારથિના ચૂરેચૂરા કરીશ. 22 તારા વડે હું પુરુષ અને સ્ત્રીના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું વૃદ્ધ અને બાળકના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું યુવાન અને યુવતીના ચૂરેચૂરા કરીશ. 23 તારા વડે હું ઘેટાંપાળક અને ઘેટાંના ટોળાંના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું ખેડૂત અને તેના બળદની જોડના ચૂરેચૂરા કરીશ. તારા વડે હું શાસકો અને અધિકારીઓના ચૂરેચૂરા કરીશ.” બેબિલોનને સજા 24 પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ. 25 હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ. 26 કોઈ તારા ખંડિયેરના પથ્થરોનો ખૂણાના કે પાયાના પથ્થરો તરીકે બાંધકામમાં વાપરશે નહિ. તું કાયમને માટે ઉજ્જડ બની જશે. આ હું પ્રભુ બોલું છું.” 27 આક્રમણ કરવા માટે વજા ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડું વગાડો! બેબિલોનની વિરુદ્ધ યુદ્ધ કરવાને માટે એ પ્રજાઓને સાબદી કરો. અરારાટ, મિન્ની અને આશ્કેનાઝની પ્રજાઓને તેના પર આક્રમણ કરવા બોલાવી લાવો. તેની વિરુદ્ધ સેનાનાયકો નીમો. તીડોનાં ટોળાંની જેમ ઘોડેસ્વારોને ચડાઇ કરવા લઇ આવો. 28 બેબિલોન વિરુદ્ધ યુદ્ધ કરવાને બધી પ્રજાઓને સુસજ્જ કરો. માદીઓના રાજાઓને, તેના રાજ્યપાલોને, અધિકારીઓને અને તેમના અધિકાર નીચેના બીજા દેશોમાંથી લશ્કરને યુદ્ધ માટે બોલાવો. 29 ધરતી ધ્રૂજે છે અને કાંપે છે. કારણ, બેબિલોનને ઉજ્જડ અને વસ્તી વગરનું બનાવી દેવા પ્રભુએ પોતાની યોજના અમલમાં મૂકી છે. 30 બેબિલોનના સૈનિકોએ લડવાનું બંધ કર્યું છે અને તેઓ પોતાના કિલ્લામાં ભરાઈ ગયા છે. તેઓ હિંમત હારી ગયા છે અને તેઓ અબળા જેવા નબળા બની ગયા છે. નગરના દરવાજાઓને તોડી પાડવામાં આવ્યા છે અને મકાનોને આગ લગાડવામાં આવી છે. 31 એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે. 32 શત્રુઓએ નદીના પુલો કબજે કર્યા છે અને સરકટના તરાપાઓને આગ ચાંપી છે અને બેબિલોનના સૈનિકો ભયભીત થયા છે. 33 હાલ તો બેબિલોનના રહેવાસીઓ ખળામાંના અનાજની જેમ ખૂંદાય છે. પણ થોડીવાર પછી તેમને ત્યાંથી ઉપણીને ઉડાડી દેવામાં આવશે. હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું. 34 સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી. 35 સિયોનવાસીઓ કહેશે, “અમારા દેહ પર ગુજારેલા અત્યાચારનો બદલો બેબિલોન પાસેથી લો.” યરુશાલેમવાસીઓ કહેશે, “અમારા રક્તનો બદલો ખાલદીઓ પાસેથી લો.” પ્રભુ ઇઝરાયલને મદદ કરશે 36 તેથી પ્રભુ યરુશાલેમના લોકોને આ પ્રમાણે કહે છે, “હું જરૂર તમારો પક્ષ લઈશ, અને તમારું વેર વાળીશ. બેબિલોનને પાણીનો પુરવઠો પૂરો પાડતી નદીઓને અને નહેરોને હું સૂકવી નાખીશ. 37 બેબિલોન ખંડેરનો ઢગલો બની જશે અને શિયાળોનું રહેઠાણ બનશે. તેને વસ્તીહીન થયેલું જોઈને લોકો આઘાત પામશે અને તેના પર ફિટકાર વરસાવશે. 38 બેબિલોનના લોકો એક સાથે સિંહોની જેમ ગર્જના કરે છે અને સિંહોના બચ્ચાંની જેમ ધૂરકે છે. 39 તેઓ ઉગ્ર થશે ત્યારે હું મિજબાનીમાં તેમને પીણાં પીવડાવીશ, હું તેમને ચકચૂર અને મસ્ત બનાવીશ અને ત્યાર પછી તેઓ કાયમી ઊંઘમાં પોઢી જશે અને ફરી કદી ઊઠશે નહિ. 40 હું તેમને ઘેટાં, બકરાં અને મેઢાંઓની જેમ કપાવાને માટે ક્તલખાને લઈ જઇશ. હું પ્રભુ આ બોલું છું” બેબિલોનનું ભાવિ 41 જેનું ગુપ્ત નામ શેશાખ છે તે બેબિલોન વિષે પ્રભુ કહે છે, “આખી દુનિયા જે નગરની શોભાનાં ગુણગાન ગાતી હતી તેને જીતી લેવામાં આવ્યું છે. હવે બેબિલોનની ભયાનક દશા જોઈને દુનિયાની બધી પ્રજાઓ થથરી ઊઠી છે. 42 બેબિલોન પર જાણે સમુદ્ર ફરી વળ્યો છે અને તેનાં ગરજતાં મોજાંઓએ તેને ઢાંકી દીધું છે. 43 તેનાં નગરો ઉજ્જડ, નિર્જળ અને રણપ્રદેશ જેવાં બની ગયાં છે. ત્યાં કોઈ વસતું નથી કે પડાવ પણ કરતું નથી. 44 બેબિલોનના દેવ બેલને હું સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે હું ઓકાવી દઈશ. બીજી પ્રજાઓ તેની પૂજા કરવા ત્યાં આવશે નહિ. 45 બેબિલોનનો કોટ તૂટી પડયો છે. હે મારા ઇઝરાયલી લોકો, તમે દરેક જણ ત્યાંથી નાસી છૂટો. મારા ઉગ્ર કોપથી બચવા માટે જીવ લઈને ભાગો. 46 દેશમાં ફેલાતી અફવાઓ સાંભળીને હિંમત હારી જશો નહિ કે ગભરાશો નહિ. દેશમાંથી હિંસાખોરીની અને એક શાસક બીજા શાસક વિરુદ્ધ લડતા હોવાની નવી નવી અફવાઓ દર વર્ષે ઊડશે. 47 તેથી એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ. સમગ્ર દેશ લજ્જિત થશે, અને તેના બધા લોકોની કત્લેઆમ થશે, 48 ઉત્તર તરફથી આવેલા લોકોના હાથે બેબિલોનનું પતન થશે. તેનો વિનાશ થશે ત્યારે આકાશ અને પૃથ્વી અને તેમાં આવેલા સૌ કોઈ જયજયકાર કરશે. હું પ્રભુ આ બોલું છું. 49 બેબિલોનને લીધે આખી દુનિયામાં લોકોનો સંહાર થયો છે; અને ઇઝરાયલમાં ક્તલ થયેલા લોકોને લીધે હવે બેબિલોનનું પતન થશે.” આ પ્રભુની વાણી છે. બેબિલોનમાંના ઇઝરાયલીઓને ઈશ્વરનો સંદેશ 50 પ્રભુ કહે છે, “તમે સંહારથી બચી ગયા છો, માટે હવે નાસી છૂટો. રાહ જોશો નહિ. તમે વતનથી દૂર છો છતાં મને તમારા પ્રભુને અને યરુશાલેમને યાદ કરો. 51 પણ તમે કહો છો, ‘અમે અપમાનિત થયા છીએ. અમારી નામોશી થઈ છે. અમે મૂંઝાઈ ગયા છીએ. કારણ, પરદેશીઓએ આવીને મંદિરનાં પવિત્રસ્થાનોનો કબજો લીધો છે.’ 52 તેથી હું પ્રભુ કહું છું કે, એવો સમય આવશે જ્યારે હું બેબિલોનની મૂર્તિઓને સજા કરીશ અને ઘવાયેલાનો કણસાટ આખા દેશમાં સંભળાશે. 53 જો કે બેબિલોન આકાશની ટોચે ચઢે અને ત્યાં મજબૂત કિલ્લો બાંધે તો પણ મારા મોકલેલા માણસો તેનો વિનાશ કરવા પહોંચી જશે. હું પ્રભુ એ કહું છું.” બેબિલોનના વિનાશ વિષે વધુ સંદેશ 54 પ્રભુ કહે છે, “બેબિલોનમાંથી રુદનનો સાદ આવે છે, અને ખાલદીઓના દેશના વિનાશનો પોકાર સંભળાય છે! 55 હું પ્રભુ, બેબિલોનનો વિનાશ કરું છું, તેમાં થતા ઘોંઘાટનો અંત લાવું છું. ગર્જના કરતા મોજાંની જેમ દુશ્મનોનું લશ્કર કોલાહલ સાથે આક્રમણ કરવા ધસી રહ્યું છે. 56 તેઓ બેબિલોનનો વિનાશ કરવા આવેલા છે. તેના સૈનિકો કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્યોને ભાંગી નાખવામાં આવ્યાં છે. હું ભૂંડાને સજા કરનાર ઈશ્વર છું અને બેબિલોનને યોગ્ય સજા કરીશ. 57 હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે. 58 વળી, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે; “બેબિલોન નગરના વિશાળ કોટને તોડીને જમીનદોસ્ત કરવામાં આવશે, અને તેના બુલંદ દરવાજાઓને બાળીને ભસ્મ કરવામાં આવશે. આમ, પ્રજાઓએ એના બાંધકામમાં કરેલો સખત પરિશ્રમ વ્યર્થ જશે અને લોકોએ ઉઠાવેલી જહેમત અગ્નિમાં ખાક થઈ જશે.” યર્મિયાનો સંદેશ બેબિલોન મોકલાયો 59 માહસેયાનો પૌત્ર અને નેરિયાનો પુત્ર સરાયા, સિદકિયા રાજાનો અંગત મંત્રી હતો. યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના ચોથા વર્ષે સરાયા રાજાની સાથે બેબિલોન ગયો. ત્યારે યર્મિયાએ તેને અમુક કામગીરી સોંપી હતી. 60 યર્મિયાએ બેબિલોન પર આવી પડનાર વિનાશ વિષેના સંદેશા તથા બેબિલોન વિષેની અન્ય બધી વાતો એક પુસ્તકમાં લખી નાખી. 61 પછી યર્મિયાએ સરાયાને કહ્યું, “તું બેબિલોન પહોંચે ત્યારે આ પુસ્તકનો એકેએક શબ્દ લોકો સમક્ષ મોટેથી વાંચી સંભળાવજે. 62 પછી પ્રાર્થના કરજો, ‘હે પ્રભુ, તમે કહ્યું છે તેમ આ જગ્યાનો વિનાશ કરો; જેથી તેમાં માણસો કે પ્રાણીઓ વસે નહિ અને તે કાયમને માટે ઉજ્જડ અને વેરાન રહે.’ 63 હે સરાયા, તું લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન પૂરું કરે એટલે પછી તેને પથ્થરે બાંધીને યુફ્રેટિસ નદીમાં ફેંકી દેજે, 64 અને તું કહેજે, ‘આ જ પ્રમાણે બેબિલોનના હાલ થશે, તે ડૂબી જશે અને ફરી કદી ઉપર આવશે નહિ.’ કારણ, પ્રભુ તેના પર વિનાશ લાવવાના છે.” અહીં યર્મિયાના સંદેશા પૂરા થાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide