યર્મિયા 50 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોન વિરુદ્ધ સંદેશ 1 સંદેશવાહક યર્મિયા મારફતે બેબિલોન દેશ તથા તેના ખાલદી લોકો વિષે પ્રભુનો જે સંદેશ પ્રગટ કરાયો તે આ છે: બેબિલોનનો પરાજ્ય 2 “બધા દેશોમાં આ સમાચાર પ્રગટ કરો, તેની ઘોષણા કરો, વજા ફરકાવીને જાહેરાત કરો; અને છુપાવશો નહિ: ‘બેબિલોનને જીતી લેવામાં આવ્યું છે; તેનો દેવ બેલ લજ્જિત થયો છે અને તેના દેવ મારદૂકના ભુક્કા બોલી ગયા છે. તેની મૂર્તિઓ બદનામ થઈ છે અને તેના ધૃણાસ્પદ દેવોનાં પૂતળા ભાંગી પડયાં છે. 3 ઉત્તરમાંથી એક પ્રજા બેબિલોન પર આક્રમણ કરવા આવી રહી છે. તેઓ તે દેશને ઉજ્જડ બનાવી દેશે. માણસો અને પ્રાણીઓ સુદ્ધાં ત્યાંથી નાસી છૂટશે અને ત્યાં કોઈ વસવાટ કરશે નહિ.” ઇઝરાયલના લોકો પાછા ફરશે 4 પ્રભુ કહે છે “એ સમય આવશે ત્યારે તે દિવસોમાં ઇઝરાયલ અને યહૂદિયાના લોકો એકત્ર થઈને પાછા આવશે. તેઓ આખે રસ્તે વિલાપ કરતાં કરતાં મને, તેમના ઈશ્વર પ્રભુને શોધશે. 5 તેઓ સિયોનનો માર્ગ પૂછશે અને તે દિશામાં આગળ વધશે. તેઓ કહેશે, ‘ચાલો, આપણે પ્રભુ સાથે કદી વિસરાય નહિ એવા કાયમી કરારથી બંધાઈ જઈએ.” 6 પ્રભુ કહે છે, “મારા લોકો તો ભરવાડોએ પર્વતો પર રઝળતા મૂકી દીધેલાં અને તેથી ભૂલાં પડેલાં ઘેટાં જેવા છે. એક પર્વત પરથી બીજા પર્વત પર તેઓ ભટક્તા ફર્યાં છે. 7 અને તેથી પોતાનો વાડો પણ વીસરી ગયા છે. જેમને તેમનો ભેટો થઈ ગયો તેમણે તેમનો ભક્ષ કર્યો. તેમના શત્રુઓ કહે છે, ‘એમાં આપણે કશું ખોટું કરતાં નથી! કારણ, તેમણે પ્રભુ, જે તેમને માટે સાચા વાડા સમાન અને તેમના પૂર્વજોની આશા હતા, તેમની વિરુદ્ધ પાપ કર્યાં છે. 8 “હે ઇઝરાયલી લોકો, બેબિલોનમાંથી નાસી જાઓ. ખાલદી લોકોની ભૂમિ પરથી નાસી છૂટો ટોળાને દોરવા આગળ આગળ ચાલતા બકરાની જેમ પહેલ કરી ચાલી નીકળો. 9 હું ઉત્તર દિશાથી બળવાન પ્રજાઓના જૂથને ઉશ્કેરીને લાવીશ અને તેઓ બેબિલોન પર આક્રમણ કરશે. તેઓ બેબિલોન દેશની વિરુદ્ધ યુદ્ધની વ્યૂહરચના ગોઠવશે અને તેને જીતી લેશે. તેમનાં બાણ પ્રવીણ સૈનિકોએ મારેલાં બાણ જેવાં છે અને તે કદી નિશાન ચૂક્તાં નથી. 10 બેબિલોનને લૂંટી લેવામાં આવશે અને તેને લૂંટનારાઓ ધરાય ત્યાં સુધી લૂંટ ચલાવશે. હું પ્રભુ આ બોલું છું.” બેબિલોનનું પતન 11 પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો; 12 પરંતુ તમારી માતૃભૂમિ બહુ લજ્જિત થશે, અને તમારી જન્મભૂમિ અપમાનિત થશે. બધા દેશોમાં બેબિલોનનું સ્થાન સૌથી ઊતરતું હશે અને તે વેરાન, નિર્જળ અને રણપ્રદેશ જેવું બની જશે. 13 મારા કોપના લીધે તેમાં કોઈ વસવાટ કરશે નહિ. આખો દેશ વેરાન બની જશે. બેબિલોન પાસેથી પસાર થનારા લોકો તેમની દશા જોઈને આઘાત પામશે અને આશ્ર્વર્યમાં પડી જશે. 14 “હે ધનુર્ધારીઓ, બેબિલોનની આસપાસ વ્યૂહ ગોઠવો અને તેને ઘેરી લો. તમારાં બાણોનો મારો ચલાવો; જરાયે રોકાશો નહિ. કારણ, તેણે મારી એટલે પ્રભુની વિરુદ્ધ પાપ કર્યું છે. 15 નગરની ચારેબાજુએથી રણનાદ ગજવો. હવે બેબિલોન નગરીએ શરણાગતિ સ્વીકારી છે. તેના બુરજો તૂટી પડયા છે અને તેનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. હું પ્રભુ બેબિલોન પર વેર વાળું છું તેથી તેના પર તમારું વેર વાળો! તેણે તમારા જેવા હાલ કર્યા હતા તેવા જ તેના પણ કરો. 16 બેબિલોનમાંથી વાવણી કરનાર અને કાપણી વખતે દાતરડાથી લણનારને દૂર કરો. તેમાં વસનાર પરદેશીઓ આક્રમણ કરી રહેલ લશ્કરની બીકને લીધે ત્યાંથી પોતપોતાના વતનમાં નાસી જશે.” ઇઝરાયલીઓ પાછા ફરશે 17 પ્રભુ કહે છે, “ઇઝરાયલી પ્રજા તો સિંહોએ પાછળ પડી વેરવિખેર કરી નંખાયેલા ઘેટાંના ટોળા જેવી છે. પ્રથમ આશ્શૂરના રાજાએ તેમનો ભક્ષ કર્યો અને પછી બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર તેમનાં હાડકાં ચાવી ગયો. 18 તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું. મેં જેમ આશ્શૂરના રાજાને સજા કરી તેમ બેબિલોનના રાજા અને તેના દેશને જરૂર સજા કરીશ. 19 અને હું ઇઝરાયલના લોકોને તેમના ગોચરસમા વતનમાં પાછો લાવીશ. તેઓ ર્કામેલ અને બાશાન પ્રદેશમાં ચરશે અને એફ્રાઇમ તથા ગિલ્યાદની ટેકરીઓ પર ધરાઈને ખાશે. 20 એ સમય આવશે ત્યારે લોકો શોધે તો પણ ઇઝરાયલમાં કોઈ દોષ જડશે નહિ અને યહૂદિયામાં કોઈ દુષ્ટતા જોવા મળશે નહિ. કારણ, જેમને મેં જીવતા રાખ્યા છે તેમને હું માફી પણ આપીશ. હું પ્રભુ આ બોલું છું.” બેબિલોનને ઈશ્વરી સજા 21 પ્રભુ કહે છે, “મેરાથાઇમ અને પેકોદના લોકો પર આક્રમણ કરો; તેમનો પીછો કરીને તેમની ક્તલ કરો અને પૂરેપૂરો વિનાશ કરો. મારી આજ્ઞા સંપૂર્ણપણે પાળો. હું પ્રભુ એ કહું છું. 22 દેશમાં યુદ્ધનો કોલાહલ અને મહાવિનાશનો પોકાર સંભળાય છે. 23 આખી દુનિયા માટે હથોડા સમાન બેબિલોનના તૂટીને ચૂરેચૂરા થઈ ગયા છે. બેબિલોનની દશા જોઈને બધી પ્રજાઓ ચોંકી ઊઠી છે. 24 હે બેબિલોન નગરી, તારી બીછાવેલી જાળમાં તું પોતે જ સપડાઈ ગઈ, અને તને ખબર સુદ્ધાં પડી નહિ. તું ફસાઈને પકડાઈ ગઈ; કારણ, તેં મને એટલે પ્રભુને પડકાર ફેંકયો હતો. 25 મેં મારા શસ્ત્રભંડારો ખોલ્યા છે અને મારા કોપમાં શસ્ત્રો બહાર કાઢયાં છે. કારણ, મારે, સેનાધિપતિ પ્રભુ પરમેશ્વરે ખાલદીઓના દેશમાં મારું કાર્ય કરવાનું છે. 26 બધા જ તેના પર હુમલો કરો. તેના કોઠારો ખોલી નાખો અને તેમાંનું અનાજ કાઢીને ઢગલા કરો; એનો પૂરેપૂરો નાશ કરો. કશું બચવા દેશો નહિ. 27 આખલા જેવા તેના સર્વ સૈનિકોનો સંહાર કરો. તેમની ક્તલ કરી નાખો! એમનું આવી બન્યું છે! તેમની સજાનો દિવસ અને તેમના પતનનો સમય આવી પહોંચ્યો છે. 28 બેબિલોનમાંથી નિરાશ્રિતો નાસી છૂટીને સિયોનમાં આવ્યા છે. બેબિલોનીઓએ પ્રભુના મંદિરની જે દશા કરી હતી તેનું વેર આપણા ઈશ્વર પ્રભુએ તેમના પર વાળ્યું છે તે વિષે તેઓ ત્યાં જાહેરાત કરે છે. 29 પ્રભુ કહે છે, “ધનુર્ધારીઓને બેબિલોન પર તીરનો મારો ચલાવવાનું કહો. જે કોઈને ધનુષ્ય અને તીર ચલાવતા આવડતું હોય તેવા દરેકને મોકલી આપો. ચારેબાજુથી નગરને ઘેરો ઘાલો અને કોઈને છટકી જવા દેશો નહિ; તેને તેનાં કાર્યોનો બદલો આપો. તેણે જેવી બીજાની દશા કરી હતી એવી જ દશા તેની પણ કરો. કારણ, તેણે મારી એટલે ઇઝરાયલના પવિત્ર પ્રભુ વિરુદ્ધ તુમાખી દાખવી હતી. 30 તેથી તેના યુવાનો નગરના ચોકમાં માર્યા જશે અને તેના બધા સૈનિકોનો તે સમયે વિનાશ કરવામાં આવશે. હું પ્રભુ પોતે આ બોલું છું.” 31 સેનાધિપતિ પ્રભુ કહે છે, “હે ઘમંડી બેબિલોન, હું તારી વિરુદ્ધ છું; કારણ, તને સજા કરવાનો નિયત દિવસ અને તારા પતનનો સમય આવી પહોંચ્યો છે. 32 ઘમંડી બેબિલોન ઠોકર ખાઈને પટકાઈ પડશે અને કોઈ તેને ઉઠાડશે નહિ. હું તેનાં નગરોમાં આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ બળીને ભસ્મ થશે.” 33 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેમને કેદ કરીને લઈ જનારા તેમની ચોકી કરે છે અને તેમને છટકવા દેતા નથી.” 34 પણ તેમનો બચાવ કરનાર બળવાન છે; તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તે જાતે જ તેમનો પક્ષ લેશે અને પૃથ્વી પર શાંતિ સ્થાપશે. પણ બેબિલોનના રહેવાસીઓમાં તો અંધાધૂંધી ફેલાવાશે. 35 પ્રભુ કહે છે: “બેબિલોન દેશ પર અને બેબિલોનના રહેવાસીઓ પર, તેના અધિકારીઓ પર અને તેના જ્ઞાનીઓ પર તલવાર ઝઝુમે છે! 36 તેના સંદેશવાહકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ લવારો કરે છે! તેના સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે; તેઓ આતંક પામે છે! 37 તેના ઘોડાઓ પર, તેના રથો પર અને તેના ભાડૂતી સૈનિકોને માથે તલવાર ઝઝૂમે છે તેઓ અબળા જેવા નબળા બની જશે. તેના ખજાના પર તલવાર ઝઝુમે છે; તે લૂંટાઈ જશે. 38 તેનાં જળાશયો પર તલવાર ઝઝુમે છે; તે બધાં સુકાઈ જશે. બેબિલોન દેશ તો ભયાનક મૂર્તિઓની ભૂમિ છે. અને લોકો તેમની પાછળ ઘેલા બને છે. 39 તેથી બેબિલોન તો શિયાળવાં, તરસો અને ધુવડોનું રહેઠાણ થશે. તેમાં ફરીથી કોઈ વસવાટ કરશે નહિ અને પેઢીઓની પેઢીઓ સુધી તે નિર્જન પડી રહેશે. 40 સદોમ, ગમોરા અને તેમની આસપાસનાં નગરોનો મેં વિનાશ કર્યો ત્યાર પછી ત્યાં જે બન્યું તે જ પ્રમાણે બેબિલોનમાં પણ કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ પણ નાખશે નહિ. હું પ્રભુ આ બોલું છું.” 41 જુઓ, દૂર ઉત્તરમાંથી એક શક્તિશાળી પ્રજા આવે છે; ઘણા રાજાઓ પૃથ્વીના છેક છેવાડાના ભાગોમાંથી હુમલો કરવા આવી રહ્યા છે. 42 તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે. 43 બેબિલોનના રાજાએ આ સમાચાર સાંભળ્યા છે, અને તેના હાથ હેઠા પડયા છે, તેને તીવ્ર પીડાએ જકડી લીધો છે. પ્રસૂતિની વેદના જેવી વેદના તેને થઈ છે. 44 “યર્દન નદીની ઝાડીમાંથી સદાય લીલાંછમ ઘાસના મેદાન પર સિંહ ધસી આવે તેમ હું અચાનક ધસી આવીને બેબિલોનના લોકોને હાંકી કાઢીશ; ત્યાર પછી હું મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોણ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે? 45 તેથી બેબિલોનના લોકો વિરુદ્ધ ઘડેલી મારી યોજના વિષે સાંભળો! અને ખાલદીઓના દેશ વિરુદ્ધ મારા ઈરાદાઓ સાંભળો! હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુ ઘસડી જશે! અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે. 46 બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide