યર્મિયા 5 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનું પાપ અને સજા 1 પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, યરુશાલેમની શેરીઓમાં ફરી વળો, ચારે બાજુ જુઓ અને જાતે જ તપાસ કરો, તેના ચૌટેચકલે શોધ કરો. પ્રામાણિક અને સત્યનિષ્ઠ એવો એક માણસ હોય તો તેને લીધે હું યરુશાલેમને માફ કરીશ. 2 જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.” 3 પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.” 4 એટલે મેં ધાર્યું કે આ લોકો તો ગરીબ અને નાદાન છે અને તેમને પ્રભુના માર્ગની જાણ નથી અને ઈશ્વર તેમની પાસે કેવા આચરણની અપેક્ષા રાખે છે તેની તેમને ખબર નથી. 5 તેથી હું અમીરવર્ગના લોકો પાસે જઈને વાત કરીશ. તેમને તો પ્રભુના માર્ગની જાણ હશે અને ઈશ્વરની અપેક્ષા વિષે ખબર હશે. પણ જોયું તો, તેઓ સૌએ ઈશ્વરના નિયમની ઝુંસરી ભાંગી નાખી છે અને તેમની સાથેના કરારનાં બંધનો તોડી નાખ્યાં છે. 6 તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે. 7 પ્રભુએ કહ્યું, “હું તમને કેવી રીતે ક્ષમા આપું? તારા લોકોએ મારો ત્યાગ કરીને તથા વ્યર્થ દેવોને નામે સોગંદ ખાઈને તેઓ પ્રત્યે પોતાની નિષ્ઠા દાખવી છે. મેં તેમને તૃપ્ત કર્યા તો પણ તેમણે વ્યભિચાર કર્યો અને વેશ્યાના નિવાસે ભીડ કરી મૂકી! 8 ખાઈને ષ્ટપુષ્ટ બનેલા કામાતુર અશ્વોની જેમ દરેક પોતાના પડોશીની પત્નીની સામે ખોંખારા ખાય છે. 9 આ બધા માટે શું હું તેમને સજા ન કરું? આવી પ્રજા પર શું હું વૈર ન લઉં? હું પ્રભુ એ પૂછું છું. 10 “હે ઇઝરાયલના શત્રુઓ, તેની દ્રાક્ષવાડીઓમાં જઈને નાશ કરો; જો કે સંપૂર્ણ નાશ કરશો નહિ: માત્ર તેની ડાળીઓ કાપી જાઓ; કારણ, તેઓ મારી નથી. 11 અરેરે, ઇઝરાયલ અને યહૂદિયાના લોકોએ મારો સંપૂર્ણ વિશ્વાસઘાત કર્યો છે! હું પ્રભુ પોતે આ બોલું છું.” ઈશ્વર ઇઝરાયલને તજી દે છે 12 પ્રભુના લોકો પ્રભુ વિષે જૂઠું બોલ્યા છે કે, “ઈશ્વર ખરેખર કંઈ કરવાના નથી. આપણા પર આફત આવવાની નથી. 13 અથવા આપણે દુકાળ કે યુદ્ધ જોવાના નથી. સંદેશવાહકો તો ખાલી બણગાં ફૂંકે છે તેમની પાસે પ્રભુનો કોઈ સંદેશ નથી; તેમની જ એવી દશા થશે.” 14 તેથી સેનાધિપતિ ઈશ્વર પ્રભુએ મને કહ્યું, “યર્મિયા, આ લોકોએ આવું જૂઠાણું ઉચ્ચાર્યું છે માટે હું તેમને સજા કરીશ. તારા મુખમાં મારો સંદેશ છે. તેને હું અગ્નિરૂપ કરીશ અને તે આ લોકોને લાકડાંની જેમ બાળીને ભસ્મ કરશે.” 15 હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી. 16 તેમના ભાથાં ઉઘાડી કબર જેવાં છે. તેઓ સૌ શૂરવીર સૈનિકો છે. 17 તેઓ તમારા પર આક્રમણ કરીને તમારી ફસલ અને તમારો ખોરાક પણ ખાઈ જશે. તેઓ તમારાં પુત્રપુત્રીઓનો સંહાર કરશે. તેઓ તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ક્તલ કરશે અને તમારા દ્રાક્ષવેલા અને અંજીરવૃક્ષોનો નાશ કરશે અને જેના પર તમે ભરોસો રાખો છો તે કિલ્લેબંધ નગરોને તોડી પાડશે. 18 તેમ છતાં એ દિવસોમાં હું મારા લોકનો સંપૂર્ણ નાશ કરીશ નહિ. આ હું પ્રભુ બોલું છું. 19 યર્મિયા, આ લોકો તને પૂછે કે, ‘પ્રભુએ અમારા આવા હાલ શા માટે કર્યા?’ ત્યારે તું તેમને કહેજે, ‘જેમ તમે પ્રભુનો ત્યાગ કર્યો અને પોતાના દેશમાં પારકા દેવોની પૂજા કરી તેમ તમે પરદેશમાં પારકા લોકોની સેવા કરશો.” ઈશ્વર તેમના લોકોને ચેતવણી આપે છે 20 પ્રભુ કહે છે, “યાકોબના વંશજોને આ કહી સંભળાવો અને યહૂદિયાના લોકોને આ પ્રગટ કરો: 21 હે મૂર્ખ અને બેવકૂફ લોકો, તમે આંખ હોવા છતાં જોતા નથી, અને કાન હોવા છતાં સાંભળતા નથી; તો હવે ધ્યાન આપો. 22 હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ. 23 પણ તમે લોકો તો હઠીલા અને બંડખોર દયના છો. 24 તમે બળવો કરીને હદ વટાવી છે. તમે તમારા મનમાં કદી એમ નથી કહેતા કે, ‘આપણને ઋતુ પ્રમાણે પ્રથમ વરસાદ અને પાછલો વરસાદ આપનાર અને કાપણીની મોસમ સાચવનાર આપણા ઈશ્વર પ્રભુનો આપણે ડર રાખીએ. 25 તેથી તમારા અપરાધોએ કુદરતનો એ ક્રમ તોડી નાખ્યો છે અને તમારા પાપને લીધે તમે એ બધી આશિષોથી વંચિત રખાયા છો.’ 26 મારા લોકો મધ્યે દુષ્ટો વસે છે. પક્ષીઓ પકડનાર શિકારીની માફક તેઓ જાળ ફેલાવે છે પણ આ લોકો તો માણસોને પકડવા ટાંપી રહે છે. 27 જેમ શિકારીનું પાંજરું પક્ષીઓથી ભરાઈ જાય તેમ તેમનાં ઘરો લૂંટેલા માલથી ભરેલાં છે. તેથી જ તેઓ વગદાર અને શ્રીમંત બન્યા છે. 28 તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી. 29 તેથી હું પ્રભુ પોતે પૂછું છું, ‘આ બધાને માટે હું તેમને સજા નહિ કરું, અને આ પ્રજા પર હું વૈર નહિ લઉં?’ 30 દેશમાં એક ઘૃણાસ્પદ અને ભયંકર બાબત બની છે: 31 “સંદેશવાહકો જૂઠો સંદેશ પ્રગટ કરે છે, યજ્ઞકારો પણ સંદેશવાહકોના કહ્યા પ્રમાણે લોકો પર જોહુકમી ચલાવે છે, અને મારા લોકોને એ બધું ગમે છે! પણ આખરે તેઓ શું કરશે?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide