Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 49 - પવિત્ર બાઇબલ C.L.


આમ્મોન વિરુદ્ધ સંદેશ

1 આમ્મોનના લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું ઇઝરાયલ લોકોનાં સંતાનો નથી? શું તેમના વંશવારસો રહ્યા નથી? તો પછી શા માટે મિલ્કોમ દેવની પૂજા કરનારા લોકો ગાદ પ્રદેશનો કબજો લઈને ત્યાંનાં નગરોમાં વસવાટ કરે છે?

2 પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.”

3 હે હેશ્બોનના લોકો, વિલાપ કરો! કારણ, આય નગરનો નાશ કરવામાં આવ્યો છે. હે રાબ્બાની સ્ત્રીઓ, પોક મૂકીને રડો! શોક પ્રદર્શિત કરવા કંતાન ઓઢો, ગૂંચવાઈ જઈને આમતેમ દોડો; કારણ, તમારા દેવ મિલ્કોમને તેના યજ્ઞકારો અને અધિકારીઓ સહિત બંદી કરીને લઈ જવાશે.

4 હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો?

5 સાચે જ હું ચારેય દિશાએથી તમારા પર ત્રાસ લાવીશ. તમારામાંનો દરેકે પોતાનો જીવ લઈને નસાય ત્યાં નાસી જશે અને નાસી છૂટેલાને એકત્ર કરનાર કોઈ રહેશે નહિ. હું પ્રભુ આ બોલું છું.

6 પરંતુ આખરે હું આ આમ્મોનના લોકોને મુક્ત કરીને ફરીથી આબાદ કરીશ. હું પ્રભુ આ બોલું છું.”


અદોમ વિરુદ્ધ સંદેશ

7 અદોમ વિષે સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું તેમના પ્રદેશમાં કોઈની પાસે જ્ઞાન રહ્યું નથી? શું તેમનું જ્ઞાન અદશ્ય થયું છે?

8 હે દેદાનના રહેવાસીઓ, નાસો! પાછા ફરીને ભાગો. બરાબર સંતાઈ જાઓ. હું એસાવના વંશજોનો વિનાશ કરવાનો છું. કારણ, તેમની સજાનો સમય આવી પહોંચ્યો છે.

9 દ્રાક્ષ ઉતારનારા દ્રાક્ષવેલા પર થોડી દ્રાક્ષો રહેવા દે છે, અને ચોરો રાત્રે ચોરી કરે તો તેમને જે જોઈએ તે જ ચોરી જાય છે;

10 પરંતુ મેં એસાવના વંશજોને નગ્ન કરી દીધા છે, તેમ જ તેમનાં સંતાવાનાં સ્થાનો ઉઘાડાં કર્યાં છે; તેથી તેઓ કોઈ જગાએ સંતાઈ શકે તેમ નથી. અદોમના વંશજોનો વિનાશ થયો છે. તેમના સગાંસંબંધી અરે, પાડોશીઓ પણ નાશ પામ્યા છે.

11 અને ‘તમારાં અનાથ બાળકોને મારી પાસે મૂકો હું તેમની સંભાળ લઈશ અને તમારી વિધવાઓ મારા પર આધાર રાખી શકે છે,’ એમ કહેનાર પણ કોઈ બચ્યું નથી.”

12 વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેઓ ખરેખર સજાપાત્ર નહોતા છતાં પણ તેમને સજાનો પ્યાલો પીવો પડયો, તો પછી શું તમે સજામાંથી બિલકુલ બચી જશો? ના, તમે સજામાંથી છટકી શકશો નહિ; તમારે પણ એ સજાનો પ્યાલો પીવો જ પડશે.

13 હું પ્રભુ સોગંદપૂર્વક કહું છું કે બોસ્રા નગરને જોઈને લોકોમાં હાહાકાર મચી જશે, તે વેરાન, નિંદાપાત્ર અને શાપરૂપ બની જશે. તેની આસપાસનાં નગરો પણ સદાને માટે ઉજ્જડ બની જશે.”

14 યર્મિયાએ કહ્યું, “‘હે અદોમના લોકો, મને પ્રભુ તરફથી એક સંદેશ મળ્યો છે. બધા દેશમાં રાજદૂત મોકલીને તમારા પર આક્રમણ કરવા લશ્કરને સાબદું રાખવાનું ફરમાવ્યું છે.

15 પ્રભુ કહે છે: ‘હું તમને બધી પ્રજાઓમાં સૌથી હલકા પાડીશ, અને લોકો તમારી ધૃણા કરશે.

16 તમારા દેવની ભયાનક મૂર્તિએ અને તમારા ઉધત અહંકારે તમને છેતર્યા છે. જો કે તમે ખડકોનાં પોલાણોમાં વસો છો અને પર્વતના શિખરે રહો છો અને ગરુડ ખૂબ ઊંચાઈએ માળો બાંધે તેમ ઊંચે વસો છો તો પણ હું તમને ત્યાંથી નીચે પાડીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”

17 પ્રભુ કહે છે, “અદોમ પ્રદેશ આતંકપ્રદ બનશે. તેમાંથી પસાર થનાર હાહાકાર કરશે. અને તેના પર આવેલી આફત જોઈને આઘાત પામશે.

18 સદોમ, ગમોરા અને તેની આસપાસનાં નગરોનો વિનાશ થયો ત્યારે જે બન્યું તે જ પ્રમાણે અદોમનું પતન થશે ત્યારે ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે વસવાટ કરશે નહિ.

19 જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?

20 તેથી અદોમના લોકો વિરુદ્ધની મારી યોજના વિષે સાંભળો, અને તેમાન નગરના રહેવાસીઓ વિરુદ્ધના મારા ઇરાદાઓ સાંભળો: હું સોગંદપૂર્વક કહું છું કે નાનાં નાનાં બાળકોને પણ શત્રુઓ ઘસડી જશે અને તેમની દશા જોઈને બીજા ચોંકી ઊઠશે.

21 તેમના પછડાવાના અવાજથી ધરતી કાંપી ઊઠશે અને તેનો ધડાકો છેક સૂફ સમુદ્ર સુધી સંભળાશે.

22 જેમ ગરુડ પાંખો પ્રસારીને તરાપ મારે છે તેમ શત્રુ બોા પર ઓચિંતો તૂટી પડશે. તે સમયે પ્રસૂતાની જેમ અદોમના સૈનિકોની હિંમત ઓસરી જશે.”


દમાસ્ક્સ વિરુદ્ધ સંદેશ

23 દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી

24 દમાસ્ક્સના લોકો લાચાર બન્યા છે. તેઓ નાસી છૂટવા માગે છે, પણ ભયથી સ્તબ્ધ થઈ ગયા છે. પ્રસૂતાની જેમ તેઓ દુ:ખ અને વેદનામાં સપડાયા છે.

25 પ્રખ્યાત અને આનંદદાયક નગર સાવ સૂનું થઈ ગયું છે.

26 તે દિવસે તેના યુવાનો નગરના ચોકમાં માર્યા જશે અને તેના બધા સૈનિકો નાશ પામશે.

27 હું દમાસ્ક્સના કોટને આગ લગાડીશ અને બેન-હદાદના કિલ્લાઓને બાળીને ભસ્મ કરીશ. હું સેનાધિપતિ પ્રભુ આ બોલું છું.”


કેદાર અને હાસોર વિરુદ્ધ સંદેશ

28 કેદાર અને હાસોરના તાબાના પ્રદેશો જેમને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે જીતી લીધા હતા તેમના વિષેનો સંદેશ. પ્રભુ આ પ્રમાણે કહે છે; “ઊઠો, કેદારના લોકો પર આક્રમણ કરો! પૂર્વ તરફની એ જાતિનો વિનાશ કરો.

29 તેમના તંબૂઓ, ઘેટાંબકરાં, તંબૂના પડદા અને તેમનો બધો સરસામાન કબજે કરી લો. તેમનાં ઊંટો પડાવી લો અને પોકારીને કહો, ‘ચોમેર આતંક છે.”

30 પ્રભુ કહે છે, “હે હાસોરના રહેવાસીઓ, નાસો, દૂર જતા રહો. બરાબર સંતાઈ જાઓ! કારણ, બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે તમારી વિરુદ્ધ યોજના ઘડી છે અને તમારી વિરુદ્ધ નિર્ધાર કર્યો છે.

31 તેથી હું પ્રભુ કહું છું: “ઊઠો, જે લોકો નિરાંત ભોગવે છે અને પોતાને સલામત માને છે તેમના પર આક્રમણ કરો! તેમનાં નગરોને દરવાજા કે તાળાં નથી અને તેઓ એકલાઅટૂલા વસે છે.

32 તેમનાં ઊંટોને તથા ઢોરઢાંકને લૂંટી લો.” પ્રભુ કહે છે, “લમણાંના વાળ મૂંડનાર જાતિના લોકોને હું ચારે બાજુ વેરવિખેર કરી નાખીશ અને હું ચોમેરથી તેમના પર આફત લાવીશ. હું પ્રભુ આ બોલું છું.

33 હાસોરનો પ્રદેશ સદાકાળ શિયાળવાંનું રહેઠાણ અને ઉજ્જડ સ્થાન બનશે, ત્યાં કોઈ માણસ રહેશે નહિ કે કોઈ પડાવ નાખશે નહિ.”


એલામ વિરુદ્ધ સંદેશ

34 યહૂદિયાના રાજા સિદકિયાના રાજની શરૂઆતમાં સંદેશવાહક યર્મિયાને એલામ દેશ વિષે પ્રભુનો સંદેશ મળ્યો.

35 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “હું એલામ દેશને શક્તિશાળી બનાવનાર બધા ધનુર્ધારીઓનો નક્કી નાશ કરીશ.

36 હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય!

37 હું એલામના લોકોને તેમનો જીવ લેવા ઇચ્છનાર તેમના શત્રુઓથી ભયભીત કરી દઈશ. હું મારા ઉગ્ર ક્રોધમાં એલામના લોકો પર આફત લાવીશ અને તેમનો વિનાશ ન થાય ત્યાં સુધી યુદ્ધ તેમનો પીછો કરે એવું કરીશ.

38 તેના રાજા અને અધિકારીઓને દૂર કર્યા પછી હું ત્યાં મારું રાજ્યાસન સ્થાપીશ. હું પ્રભુ એ બોલ્યો છું.

39 આખરે હું એલામને ફરીથી આબાદ બનાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan