Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 48 - પવિત્ર બાઇબલ C.L.


મોઆબ વિષે સંદેશ

1 મોઆબ વિષે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: નબોના લોકોની કેવી દુર્દશા! કારણ, તે ઉજ્જડ થયું છે. કિર્યાથાઇમ લજ્જિત થયું છે; કારણ, તેને જીતી લેવામાં આવ્યું છે. તેના મજબૂત કિલ્લાને તોડી પાડવામાં આવ્યો છે, અને તેના લોકો અપમાનિત કરાયા છે.

2 મોઆબનું ગૌરવ ચાલ્યું ગયું છે. હેશ્બોન નગરમાં શત્રુઓ તેના પતનનું કાવતરું ઘડે છે: ‘ચાલો, એ આખી પ્રજાનું નિકંદન કાઢી નાખીએ’ હે માદમેન નગર, તને સૂમસામ બનાવી દેવાશે! તારામાં ભયંકર ક્તલેઆમ થશે.

3 હોરોનાયિમના લોકો ચીસો પાડે છે: ‘અરે, મારી નાખ્યા’! ‘અરે લૂંટી લીધા!’

4 મોઆબ નષ્ટ થયું છે; છેક સોઆર સુધી તેના લોકોનો વિલાપ સંભળાય છે.

5 તેઓ રડતાં રડતાં લૂહીથનો ઢોળાવ ચડે છે. અરે, હોરોનાયિમના ઢોળાવ સુધી તેમની વેદનાના પોકાર સંભળાય છે.

6 તેઓ કહે છે, ‘નાસો, જીવ લઈને નાસો! વેરાનપ્રદેશમાં ગધેડું દોડે તેમ દોડી જાઓ!

7 હે મોઆબ, તેં તારી તાક્ત અને ધનસંપત્તિ પર ભરોસો રાખ્યો, પરંતુ હવે તારું પતન થશે. તમારો દેવ કમોશ તેના યજ્ઞકારો અને રાજકુંવરો સહિત બંદી થઈને દેશનિકાલ થશે.

8 દરેક નગર પર વિનાશ આવી પડશે અને કોઈ નગર બચશે નહિ. પ્રભુએ કહ્યું છે તેમ ખીણપ્રદેશનો નાશ થશે અને સપાટ ઉચ્ચપ્રદેશ પણ પાયમાલ થશે.

9 મોઆબને માટે કબરના મથાળાનો પથ્થર લાવો, કારણ, તેનો વિનાશ નજીક છે; તેનાં નગરો ખંડેર થઈ જશે અને તેમાં કોઈ વસશે નહિ.

10 જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો!


મોઆબનાં નગરોનો વિનાશ

11 મોઆબ દેશે આરંભથી જ સલામતી ભોગવી છે. તે તો ઠરવા મૂકેલા દ્રાક્ષાસવ જેવો છે; જેને એક પાત્રમાંથી બીજામાં રેડવામાં આવ્યો નથી (એટલે કે, તેના લોકો કદી દેશનિકાલ કરાયા નથી.) તેથી તે દ્રાક્ષાસવનો, સ્વાદ જળવાયો છે, અને તેની સુગંધ બદલાઈ નથી.

12 તેથી પ્રભુ કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું ઠાલવનાર લોકો મોકલીને તે દ્રાક્ષાસવને ઠાલવી દેવડાવીશ. તેનાં પાત્રો ખાલી કરી દેવામાં આવશે અને તેના કૂજાઓ ફોડી નાખવામાં આવશે.”

13 જેમ ઇઝરાયલીઓ તેમના ‘બેથેલ’ના દેવ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થયા હતા તેમ મોઆબીઓ તેમના દેવ કમોશ પર ભરોસો રાખવાને લીધે લજ્જિત થશે.

14 હે મોઆબના લોકો, તમે પોતાને શૂરવીરો અને યુદ્ધમાં ક્સાયેલા સૈનિકો કેમ ગણાવો છો?

15 મોઆબ દેશ અને તેનાં નગરોનો વિનાશ થયો છે; તેના શ્રેષ્ઠ યુવાનો ક્તલ માટે દોરી જવાયા છે; જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે રાજાની આ વાણી છે.

16 મોઆબની અવદશા નજીક છે તેનું પતન ઉતાવળે આવે છે.

17 મોઆબ દેશની આસપાસ વસનારા અને તેની કીર્તિ જાણનારા તેને માટે શોક કરો! એમ કહો કે, ‘તેનો શક્તિશાળી રાજદંડ અને તેની રાજસત્તાની ગૌરવી છડી તોડી પાડવામાં આવ્યાં છે.’

18 હે દીબોન નગરમાં વસનારા લોકો, ગૌરવના સ્થાનેથી નીચે ઊતરો અને સૂકીભઠ ભૂમિ પર બેસો, કારણ, મોઆબનો વિનાશક તમારા પર ચઢી આવ્યો છે અને તેણે તમારા કિલ્લાઓને તોડી પાડયા છે.

19 હે અરોએરમાં વસનારા લોકો, માર્ગ પર ઊભા રહીને જુઓ, અને નાસી જતા લોકોને પૂછપરછ કરો અને શું બન્યું તે શોધી કાઢો.

20 તેઓ જવાબ આપશે, “મોઆબનું પતન થયું છે.” અરે, તે ઉજ્જડ થઈ ગયું છે! તેને માટે હૈયાફાટ રુદન કરો! આર્નોન નદીને કિનારે ઘોષણા કરો, કે મોઆબનો વિનાશ થયો છે.

21-24 સપાટ ઉચ્ચપ્રદેશનાં નગરો, હોલોન, યાહસા, મેફાઆથ. દીબોન, નબો, બેથ-દિલ્લાથાઈમ. કિર્યાથાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન કરીઓથ, બોસ્રા અને મોઆબ દેશનાં દૂરના કે નજીકનાં બધાં નગરોને સજા કરવામાં આવી છે.

25 મોઆબની સત્તા તોડી પાડવામાં આવી છે અને તેનું બાહુબળ નષ્ટ કરવામાં આવ્યું છે. હું પ્રભુ આ બોલું છું.


મોઆબને નમાવવામાં આવશે

26 પ્રભુએ કહ્યું, “મોઆબને પીવડાવીને ચકચૂર બનાવો, કારણ, તેણે મારી સામે પડકાર ફેંકયો છે; પણ મોઆબ પોતાની જ ઊલટીમાં આળોટશે અને લોકો તેની મશ્કરી કરશે.

27 હે મોઆબ, તેં ઇઝરાયલના લોકોની કેવી મશ્કરી ઉડાવી હતી! તેઓ જાણે લૂંટારું ટોળકીના સાગરીતો તરીકે પકડાયા હોય એમ જ્યારે જ્યારે તું એમના વિષે બોલે છે ત્યારે ત્યારે ધૃણાથી ડોકું ધૂણાવે છે!

28 હે મોઆબમાં વસવાટ કરનારા, તમારાં નગરોમાંથી નીકળી જાઓ અને ખડકોની ગુફામાં જઈને વસો. કોતરની ધારે ઊંચાઈ પર માળો બાંધનાર કબૂતર જેવા બનો.

29 “મેં તેનું અભિમાન, તેનો અતિશય ઘમંડ, તેની મગરૂરી, તેનો મોટો અહંકાર અને પોતાને વિષેની ઊંચી ધારણા વિષે સાંભળ્યું છે.

30 હું પોતે તેમના અભિમાન વિષે જાણું છું. તેમની ડંફાસ વજૂદ વગરની છે અને તેમનાં કાર્યો લાંબું ટકવાનાં નથી. હું પ્રભુ આ બોલું છું.

31 તેથી હું મોઆબને માટે વિલાપ કરીશ. સમગ્ર મોઆબના લોકો માટે રુદન કરીશ અને કીર - હેરેસના માણસો માટે હું શોક કરીશ.

32 યાઝેરના લોકો કરતાં હું સિબ્માના લોકો માટે વધુ રુદન કરીશ. હે સિબ્મા નગર, તું તો દ્રાક્ષાવેલા જેવું છે અને તારી ડાળીઓ મૃત સરોવરને પેલે પાર યાઝેર સુધી પહોંચી હતી. પણ હવે તારા ઉનાળાનાં ફળોનો અને દ્રાક્ષના પાકનો નાશ કરવામાં આવ્યો છે.

33 મોઆબ દેશની ફળદ્રુપ ભૂમિમાંથી આનંદ અને હર્ષ દૂર કરાયાં છે. દ્રાક્ષકુંડોમાંથી દ્રાક્ષાસવ વહેતો નથી અને ગીત લલકારીને દ્રાક્ષોને ખૂંદનાર કોઈ નથી, અને એ લલકારના આનંદી પોકારો સંભળાતા નથી.

34 હેશ્બોન અને એલઆલેહના લોકો ચીસો પાડે છે અને તેનો પોકાર યાહાસ, સોઆર, હોરોનાયિમ અને છેક એગ્લાથ-શલીશીયા સુધી સંભળાય છે. અરેરે, નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે.

35 હું મોઆબના લોકોને નષ્ટ કરીને તેમને પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં બલિદાનો ચડાવતા અને તેમના દેવો આગળ ધૂપ બાળતા બંધ કરીશ. હું પ્રભુ આ બોલું છું.

36 તેથી મારું હૃદય મોઆબને માટે અને કીર-હેરેશના લોકો માટે જાણે વિલાપની વાંસળી વગાડે છે; કારણ તેમની સર્વ ધનસંપત્તિનો નાશ થયો છે.

37 બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે.

38 મોઆબની બધી અગાસીઓ પર અને શેરીઓના ચોકમાં માત્ર રુદન સંભળાય છે; કારણ, નકામા પાત્રની જેમ મેં મોઆબને ભાંગી નાખ્યું છે.

39 એને લીધે મોઆબના ચૂરેચૂરા થયા છે અને તે કરુણ આક્રંદ કરે છે. મોઆબ અપમાનથી શરમિંદું થયું છે, તે ખંડેર બન્યું છે અને તેની આસપાસના લોકોમાં આશ્ર્વર્ય અને મશ્કરીનું પાત્ર બન્યું છે.” આ પ્રભુની વાણી છે.


મોઆબ માટે છટકવાનો માર્ગ નથી

40 પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેમ ગરુડ પોતાની પાંખો ફેલાવીને તરાપ મારે છે તેમ મોઆબ પર એક પ્રજા તૂટી પડશે.

41 તેનાં નગરો જીતી લેવામાં આવશે. અને તેના કિલ્લાઓ કબજે કરવામાં આવશે તે સમયે પ્રસૂતાની જેમ મોઆબના સૈનિકોની હિંમત ઓગળી જશે.

42 મોઆબનો રાષ્ટ્ર તરીકે નાશ કરવામાં આવશે; કારણ, તેમણે મારી એટલે પ્રભુની સામે પડકાર ફેંકયો હતો.

43 મોઆબના લોકો માટે તો ભય, ખાડો અને ફાંદાઓ રાહ જોઈ રહ્યા છે. હું પ્રભુ એ કહું છું.

44 જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું.

45 લાચાર નિર્વાસિતો હેશ્બોનમાં આશરો શોધે છે, પણ હેશ્બોનમાં તો આગ લાગી છે. એક વેળાએ એ સિહોન રાજાનું પાટનગર હતું, પણ અત્યારે તો ત્યાં જવાળા ભભૂકે છે અને એ ગર્વિષ્ઠોની ભૂમિ મોઆબની સીમો અને પહાડોને ભરખી જશે.

46 હે મોઆબના લોકો, તમારી કેવી દુર્દશા! કમોશ દેવની પૂજા કરનાર લોકોનો વિનાશ થયો છે. તમારા પુત્રોને બંદી બનાવીને અને તમારી પુત્રીઓને દેશનિકાલ માટે લઈ જવાયા છે.

47 પરંતુ અંત સમયે હું મોઆબને ફરીથી આબાદ બનાવીશ હું પ્રભુ આ બોલું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan