યર્મિયા 47 - પવિત્ર બાઇબલ C.L.પલિસ્તીઓ વિષે સંદેશ 1 ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. 2 પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે. 3 તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી. 4 પલિસ્તીઓની પાયમાલીનો સમય આવી પહોંચ્યો છે, તૂર અને સિદોનથી તેમને મળતી બધી મદદ કાપી નાખવામાં આવશે. ક્રીત ટાપુ પરથી નાસી છૂટીને અહીં આવી વસેલા બાકીના પલિસ્તીઓનો હું સંહાર કરીશ. 5 ગાઝા પ્રદેશના લોકોએ શોકમાં માથાં મુંડાવ્યાં છે. આશ્કલોન નગરના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. તેના ખીણપ્રદેશમાં બચી રહેલા લોકો, તમે ક્યાં સુધી પોતાને શોકમાં ઘાયલ કરશો? 6 કોઈ પોકારશે, હે પ્રભુની તલવાર! ક્યાં સુધી તું સંહાર કર્યા કરીશ, તું મ્યાનમાં પાછી જા, શાંત થઈ જા અને આરામ કર! 7 પણ તે કેવી રીતે ઝંપે? કારણ, મેં પ્રભુએ જ એ તલવારને આજ્ઞા આપી છે, મેં જ તેને આશ્કલોન નગરમાં અને દરિયાકિનારે વસતા લોકોનો સંહાર કરવા આદેશ આપ્યો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide