Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 46 - પવિત્ર બાઇબલ C.L.


અન્ય દેશો વિરુદ્ધ સંદેશાઓ

1 સંદેશવાહક યર્મિયાને જુદા જુદા દેશો વિષે પ્રભુના સંદેશા મળ્યા.


ઇજિપ્ત વિષે સંદેશ

2 યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યુફ્રેટિસ નદીને કિનારે આવેલા ર્ક્કમીશ નગર પાસે ઇજિપ્તના રાજા ફેરો નકોના લશ્કરનો યુદ્ધમાં પરાજય કર્યો તે વિશેનો સંદેશ:

3 ઇજિપ્તના સેનાનાયકો પોકારે છે, “કવચ તથા ઢાલ તૈયાર કરો! યુદ્ધ માટે આગેકૂચ કરો!

4 ઘોડા પર સાજસામાન લગાવો; હે ઘોડેસ્વારો, ઘોડાઓ પર સવાર થાઓ! ટોપ પહેરીને ક્તારબદ્ધ ઊભા રહો, તમારા ભાલાની ધાર તીક્ષ્ણ બનાવો; બખ્તર ધારણ કરો!”

5 પ્રભુ કહે છે, “પણ હું આ શું જોઉં છું? તેઓ તો ભયભીત થઈને ભાગે છે! તેમના યોદ્ધાઓને મારીને પાછા હઠાવવામાં આવ્યા છે. તેઓ બીકના માર્યા નાસે છે અને પાછું વળીને જોતા નથી! ચોમેર આતંક છવાયો છે. હું પ્રભુ આ બોલું છું.”

6 દોડવામાં વેગવાન છટકી શકવાના નથી અને શૂરવીર યોદ્ધાઓ બચવાના નથી. ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા છે.

7 નાઈલ નદીની જેમ આ કોણ ચડી આવે છે? નદીનાં પૂર કાંઠા પર ફરીવળે તેમ કોણ ઊછળે છે?

8 નાઈલ નદીની જેમ ચડી આવનાર તો ઇજિપ્ત છે; પૂરના પાણીની જેમ તે ઊછળે છે. ઇજિપ્ત કહે છે, “હું ચડાઈ કરીને આખી દુનિયા પર ફરી વળીશ! અને નગરોનો તથા તેના લોકોનો વિનાશ કરીશ.

9 હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!

10 આ તો સૈનાધિપતિ પ્રભુ પરમેશ્વરનો દિવસ છે; એ દિવસે તે વેર વાળશે અને તેમના શત્રુઓને સજા કરશે. તેમની તલવાર ધરાતાં સુધી ભક્ષ કરશે, અને લોહી પીને તૃપ્ત થશે. અરે, ઉત્તરમાં યુફ્રેટિસ નદીને કિનારે સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર બલિદાનોની મિજબાની ગોઠવશે.

11 હે ઇજિપ્તના લોકો, ગિલ્યાદ જઈને વિકળાના વૃક્ષનો લેપ લઈ આવો; તમે ઘણી ઘણી ઔષધિઓનો ઉપચાર કરશો, પણ તમારો ઘા રૂઝાવાનો નથી.

12 ઘણી પ્રજાઓએ તમારી નામોશી વિષે સાંભળ્યું છે, તમારા રુદનનો અવાજ આખી દુનિયામાં ફેલાયો છે. સૈનિકો એકબીજા સાથે અથડાય છે અને તેઓ બન્‍ને જમીન પર પટક્ય છે!


નબૂખાદનેસ્સારના ઇજિપ્ત પરના વિજય વિષે આગાહી

13 બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર ઇજિપ્ત પર આક્રમણ કરવા આવી રહ્યો હતો ત્યારે પ્રભુએ યર્મિયાને આપેલો સંદેશ:

14 ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.

15 તમારા દેવ અપિસનું પતન કેમ થયું છે? શા માટે તમારો આખલો સ્થિર રહી શક્તો નથી? કારણ, પ્રભુએ તમને ઉથલાવી પાડયા છે.

16 તમારા સૈનિકો ઠોકર ખાઇને ગબડી પડયા છે; તેઓ એકબીજાને કહે છે: ચાલો, દોડો, આપણા લોકો પાસે પાછા જતા રહીએ; અને આપણી જન્મભૂમિમાં નાસી છૂટીએ; અને શત્રુની સંહારક તલવારથી બચી જઈએ.

17 ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.

18 જેમનું નામ સેનાધિપતિ યાહવે છે, જે રાજાધિરાજ છે તે કહે છે. “મારા જીવના સમ, તમારા પર આક્રમણ કરનાર નક્કી આવશે; તે તો ડુંગરોમાં તાબોર પર્વત જેવો, અને સમુદ્રની નિકટ આવેલા ઊંચા ર્કામેલ પર્વત જેવો અનન્ય છે.

19 હે ઇજિપ્તના લોકો, દેશનિકાલ થવા માટે સરસામાન બાંધી લો; કારણ, નોફનગર ઉજ્જડ થઇ જશે; તે ખંડેર બનશે અને તેમાં કોઈ વસશે નહિ.

20 ઇજિપ્ત તો સુંદર વાછરડી જેવું હતું. પણ ઉત્તર દિશાએથી માખે તેના પર વિનાશક હુમલો કર્યો છે.

21 તેના ભાડૂતી સૈનિકો પણ વાછરડા જેવા લાચાર છે. તેઓ સામનો કરીને લડી શક્યા નહિ, બધા પીછેહઠ કરીને નાઠા છે; કારણ, તેમના પર આફતનો દિવસ અને વિનાશનો સમય આવી પહોંચ્યો છે.

22 શત્રુઓનું લશ્કર નજીક આવતું જોઇ ઇજિપ્ત નાસે છે; સરક્તા સાપના સિસકારા જેવો તેનો અવાજ સંભળાય છે. માણસો વૃક્ષો કાપતા હોય તેમ તેઓ કુહાડા લઈને તૂટી પડે છે.

23 જાણે કે સંતાયેલા સાપને પકડવા તેઓ તેનાં અભેદ્ય જંગલો પણ સફાચટ કરવા લાગ્યા છે; કારણ, તેમના સૈનિકો અસંખ્ય છે; તેઓ તીડો કરતા પણ વધારે છે.

24 ઇજિપ્તના લોકો અપમાનિત થયા છે; તેમને ઉત્તરમાંથી આવેલી પ્રજાને તાબે કરી દેવામાં આવ્યા છે. હું પ્રભુ આ બોલું છું.”

25 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું નો નગરના દેવ આમોનને, આખા ઇજિપ્તને, તેના દેવોને, તેના રાજા ફેરોને અને તેના પર ભરોસો રાખનાર સૌને સજા કરીશ.

26 હું તેમને તેમનો જીવ લેવા ચાહનાર શત્રુઓના હાથમાં એટલે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઇશ. પણ ત્યાર પછી ઇજિપ્ત પુન: વસ્તીવાળું થશે. હું પ્રભુ આ બોલું છું.”


પ્રભુ પોતાના લોકોનો ઉદ્ધાર કરશે

27 “હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ, કારણ, હું તમને દૂર દેશમાંથી છોડાવીશ અને હું તમારા વંશજોને દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વંશજો પાછા આવીને નિરાંતથી અને નિર્ભયપણે જીવશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.

28 હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, કારણ, હું તમારી સાથે છું. જે જે પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા, તે બધાનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો સમૂળગો નાશ કરીશ નહિ; જો કે તમને તો મારા ન્યાયના ધોરણ પ્રમાણે શિક્ષા કરીશ અને એમાંથી તમને બાક્ત રાખીશ નહિ. હું પ્રભુ આ બોલું છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan