યર્મિયા 45 - પવિત્ર બાઇબલ C.L.બારૂખને ઈશ્વરનું વચન 1 યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના ચોથા વર્ષે યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બધા સંદેશા બારૂખે વીંટામાં લખી લીધા તે પછી સંદેશવાહક યર્મિયાએ બારૂખને આ સંદેશ આપ્યો. 2 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તારા વિષે આ પ્રમાણે કહે છે: 3 “હે બારૂખ, તું કહે છે, કે ‘મારી કેવી દુર્દશા થઈ છે! પ્રભુએ મારી વેદનામાં વ્યથાનો ઉમેરો કર્યો છે. હું નિસાસા નાખીને નિર્ગત થઈ ગયો છું અને મને કંઈ ચેન પડતું નથી!’ ” 4 તેથી પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “અલબત્ત, મેં જે બાંધ્યું છે તે હું તોડી પાડું છું અને મેં જે રોપ્યું છે તે ઉખેડી નાખું છું; અને સમગ્ર દેશમાં તે પ્રમાણે થશે. 5 અને તું? આવા સમયે શું તું તારે પોતાને માટે કોઈ ખાસ આકાંક્ષા રાખે છે? કોઈ અભિલાષા રાખીશ નહિ! કારણ, હું સમગ્ર માનવજાત પર આફત લાવીશ. પણ તું જ્યાં કંઈ જઈશ ત્યાં હું તારો જીવ બચાવીશ; તારે માટે એ જ મોટી વાત છે, અને એને તું યુદ્ધમાં મળેલી લૂંટ તૂલ્ય ગણજે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide