યર્મિયા 44 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્તમાંના યહૂદિયાના લોકોને પ્રભુનો સંદેશ 1 ઇજિપ્તનાં નગરો મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં વસતા યહૂદિયાના બધા લોકો વિષે પ્રભુનો આવો સંદેશ યર્મિયાને મળ્યો. 2 તેમણે કહ્યું, “હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમ અને યહૂદિયાના બધાં નગરો પર હું જે વિપત્તિ લાગ્યો તે તમે સૌએ જાતે જોઈ છે. હજુ પણ તે નગરો ખંડેર હાલતમાં છે અને તેમાં કોઈ વસતું નથી. 3 કારણ, મને રોષ ચડાવવા માટે તેમણે ભૂંડાં કાર્યો કર્યાં. જે દેવોને તેઓ, તમે કે તમારા પૂર્વજો ઓળખતા નહોતા તેમને અનુસરીને તમે તેમને ધૂપ ચડાવ્યો અને તેમની પૂજા કરી. 4 જો કે તમારી મધ્યે મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને હું તમને વારંવાર આગ્રહથી કહેતો રહ્યો કે હું જેમને ધિક્કારું છું તેવાં ભૂંડાં કાર્યો કરશો નહિ. 5 પણ તમે કોઈ આધીન થયા નહિ કે તે પ્રત્યે ધ્યાન પણ આપ્યું નહિ. તમે અન્ય દેવોને અર્પણ ચડાવવાનું ચાલુ રાખ્યું અને પોતાના દુષ્ટ આચરણનો ત્યાગ કર્યો નહિ, 6 તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.” 7 તેથી ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે: “તમે પોતાની જાતને માટે એવી ભયાનક હાનિ કેમ વહોરી લો છો? શા માટે તમે તમારાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને ધાવણાઓનો નાશ કરવા માંગો છો કે જેથી કોઈ કહેતાં કોઈ બચે નહિ? 8 ઇજિપ્ત દેશ જ્યાં તમે આશ્રય માટે આવ્યા છો ત્યાં અન્ય દેવોને ધૂપ ચડાવીને અને તમે ઘડેલી મૂર્તિઓથી મને શા માટે ક્રોધિત કરો છો? શા માટે તમે તમારો વિનાશ વહોરી લો છો અને પૃથ્વીની બધી પ્રજાઓમાં તમે શાપરૂપ અને નિંદાપાત્ર થવા માંગો છો? 9 તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો? 10 હજી આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી કે મારા પ્રત્યે આદર દર્શાવ્યો નથી અને મેં તમારા પૂર્વજોને અને તમને આપેલી મારી આજ્ઞાઓ અને મારા વિધિઓનું પાલન કર્યું નથી. 11 “તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ તમારી વિરુદ્ધ પડયો છું અને મેં યહૂદિયાનો વિનાશ કરવા નિર્ધાર કર્યો છે! 12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે. 13 જેઓ ઇજિપ્તમાં વસ્યા છે તેમને હું યરુશાલેમની માફક જ ભૂખમરાથી અને રોગચાળાથી સજા કરીશ. 14 યહૂદિયાના બાકી રહી ગયેલા લોકોમાંથી જેઓ ઇજિપ્ત દેશમાં વસવા માટે આવ્યા છે તેમનામાંથી કોઈ નાસી છૂટશે નહિ કે બચી શકશે નહિ. તેઓ યહૂદિયાના પ્રદેશમાં પાછા જઈને વસવા માટે અતિશય ઝૂરે છે, પણ તેઓ પાછા જઈ શકશે નહિ. તેઓમાંથી જેઓ ત્યાંથી નીકળી જાય એ સિવાય બીજું કોઈ પાછું જવા પામશે નહિ.” 15 પછી જે પુરુષો જાણતા હતા કે તેમની પત્નીઓ અન્ય દેવોને ધૂપ ચડાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી સ્ત્રીઓ તથા ઇજિપ્તના પાથ્રોસ પ્રદેશમાં વસતા સર્વ લોકોએ યર્મિયાને ઉત્તર આપ્યો: 16 “તેં અમને હમણાં યાહવેને નામે જે સંદેશ આપ્યો છે તે અમે માનવાના નથી. એને બદલે, અમે લીધેલી માનતાઓ અમે ચુસ્તપણે પાળીશું. અમે ‘આકાશની રાણી’ નામે અમારી દેવીને ધૂપ ચડાવીશું અને તેની આગળ દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડીશું. 17 કારણ, અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ, અમારા અધિકારીઓ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં એ જ પ્રમાણે કરતા હતા. ત્યારે તો અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખોરાક હતો; અમે સમૃદ્ધ હતા અને કોઈ વિપત્તિ જોઈ ન હતી. 18 પરંતુ જ્યારથી અમે આકાશની રાણીને ધૂપ ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું બંધ કર્યું ત્યારથી અમારે એ બધાની અછત છે, અને અમે યુદ્ધથી અને દુકાળથી નાશ પામ્યા છીએ.” 19 વળી, તે સ્ત્રીઓએ કહ્યું, “અમે આકાશની રાણીને બલિદાનો ચડાવવાનું અને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડવાનું ચાલુ રાખીશું. અમે કંઈ અમારા પતિઓના સહકાર વિના આકાશની રાણીના આકારની પોળી બનાવતી નથી કે તેને દ્રાક્ષાસવનું પેયાર્પણ રેડતી નથી.” 20 પછી આ રીતે ઉત્તર આપનાર પુરુષો, સ્ત્રીઓ અને બધા લોકોને યર્મિયાએ કહ્યું, 21 “તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા અધિકારીઓએ અને તમામ લોકોએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં જે ધૂપ ચડાવ્યો તેની શું પ્રભુને જાણ નહોતી કે શું તે તેમના ધ્યાન બહાર હતું એવું તમે માનો છો? 22 તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે. 23 તમે અન્ય દેવોને ધૂપ ચડાવીને પ્રભુની વિરુદ્ધ પાપ કર્યાં અને પ્રભુની વાણીને આધીન થયા નહિ અને તેમની આજ્ઞાઓ, આદેશો અને નિયમોનું પાલન કર્યું નહિ તેથી તો અત્યારની આ આફત તમારા પર આવી પડી છે.” 24 વળી યર્મિયાએ બધા લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓને અનુલક્ષીને આ પ્રમાણે કહ્યું, “હે ઇજિપ્ત દેશમાં વસેલા યહૂદિયાના લોકો, તમે પ્રભુનો સંદેશ સાંભળો! 25 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે અને તમારી પત્નીઓએ આકાશની રાણીની આગળ ધૂપ ચડાવવાની અને દ્રાક્ષાસવનાં પેયાર્પણ રેડવાની લીધેલી માનતાઓ અવશ્ય પૂરી કરવાનું કહ્યું છે. તમે જે માનતા તમારે મુખે ઉચ્ચારી છે તે તમારા હાથથી પૂરી પણ કરી છે. તો પછી હવે તમારી માનતાઓ પ્રમાણે વર્ત્યા કરો.” 26 તો પણ હે ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. પ્રભુ કહે છે: “હું મારા મહાન નામના સોગંદ લઈને કહું છું કે, ‘યાહવે ઈશ્વરના જીવના સમ’ એવું કહીને તમારામાંનો કોઈ મારા નામનો સોગંદ લેવામાં ઉપયોગ કરશે નહિ. 27 તમે આબાદ નહિ, પણ બરબાદ થાઓ તેનું હું બરાબર ધ્યાન રાખીશ. ઇજિપ્તમાં વસેલા યહૂદિયાના બધા લોકો ખતમ થઈ જાય ત્યાં સુધી તેઓ યુદ્ધથી અને ભૂખમરાથી નાશ પામતા રહેશે. 28 યુદ્ધથી નાસી છૂટીને ઇજિપ્તમાંથી યહૂદિયા પાછા ફરનાર થોડાક જ હશે. તે સમયે યહૂદિયાના બાકી રહેલા લોકોમાંના જેઓ ઇજિપ્તમાં વસવા આવ્યા તેઓ જાણશે કે કોનો સંદેશ સાચો છે. મારો કે તેમનો? હું પ્રભુ પોતે પૂછું છું. 29 હું તમને આ જગ્યાએ શિક્ષા કરીશ જેથી તમે જાણો કે તમારા પર વિપત્તિ લાવવાના મારા સંદેશા અટલ છે અને એ માટે હું તમને આ નિશાની આપું છું: 30 જેમ મેં યહૂદિયાના રાજાને તેમનો જીવ લેવા ચાહનાર તેના શત્રુ નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો તે જ પ્રમાણે ઇજિપ્તના ફેરો હોફ્રાને પણ તેનો જીવ લેવા ચાહતા તેના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. હું પ્રભુ પોતે આ બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide