યર્મિયા 43 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયાને ઇજિપ્ત લઈ જવામાં આવે છે 1 જ્યારે યર્મિયાએ લોકોને તેમના ઈશ્વર પ્રભુએ તેને જે જે સંદેશાઓ પ્રગટ કરવા મોકલ્યો હતો તે સર્વ તેણે કહી બતાવ્યા, 2 ત્યારે હોશાયાનો પુત્ર અઝાર્યા, કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા ઉદ્ધત લોકોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે! અમારા ઈશ્વર પ્રભુએ અમને ઇજિપ્ત જઈને વસવાટ કરવાની મના કરવા તને મોકલ્યો નથી. 3 આ તો નેરિયાના પુત્ર બારૂખે તને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો છે; જેથી અમે ખાલદીઓના હાથમાં આવી પડીએ, અને તેઓ અમને મારી નાખે અથવા અમને બેબિલોન દેશમાં દેશનિકાલ કરે.” 4 તેથી કારેઆનો પુત્ર યોહાનાન, બીજા સેનાનાયકો અને બીજા લોકો યહૂદિયામાં રહેવા વિષેની પ્રભુની વાણીને આધીન થયા નહિ. 5 એને બદલે, યોહાનાન અને બીજા સેનાનાયકોએ યહૂદિયામાં બાકી રહેલા લોકોને, એટલે કે, 6 આસપાસના બધા દેશોમાં નાસી છૂટેલા અને યહૂદિયામાં ફરી પાછા વસવા આવેલાં બધાં સ્ત્રી, પુરુષો અને બાળકોને અને રાજકુંવરીઓને, તેમજ અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને જે બધાં લોકોને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને સોંપ્યાં હતા તેમને સંદેશવાહક યર્મિયા અને નેરિયાના પુત્ર બારૂખ સહિત એકત્ર કર્યાં. 7 તેઓ પ્રભુની આજ્ઞા અવગણીને ઇજિપ્તમાં ગયાં અને ત્યાં તેઓ તાહપાન્હેસ આવી પહોંચ્યાં. ઇજિપ્ત પર આક્રમણ વિષે આગાહી 8 પછી તાહપાન્હેસમાં યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો, 9 “તું તારા હાથમાં થોડા મોટા પથ્થરો લઈને યહૂદિયાના લોકોના દેખતાં આ તાહપાન્હેસ નગરમાં આવેલા ઇજિપ્તના રાજાના વિશ્રામગૃહના પ્રવેશદ્વાર પાસે ઇંટોની પગથીમાં ગારાથી જડીને ઢાંકી દે. 10 પછી એ લોકોને કહે કે, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જુઓ, હું મારા સેવક બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને આ સ્થળે બોલાવી લાવીશ અને તેનું રાજ્યાસન હું અહીં સંતાડેલા પથ્થરો પર ઊભું કરીશ અને તે પર તેનો રાજવી તંબૂ ઊભો કરાશે. 11 નબૂખાદનેસ્સાર આવીને ઇજિપ્ત દેશનો પરાજય કરશે, ત્યારે રોગચાળાથી મરવાની સજા પામેલા રોગચાળાથી માર્યા જશે; કેદ પકડાવાની સજા પામેલા દેશનિકાલ થશે અને યુદ્ધમાં મરવાની સજા પામેલાં યુદ્ધમાં માર્યા જશે. 12 હું ઇજિપ્તના દેવોના મંદિરોને આગ લગાડીશ અને બેબિલોનનો રાજા તેમના દેવોને બાળી નાખશે અને લોકોને કેદ કરી લઈ જશે. જેમ ભરવાડ પોતાના ડગલામાંથી જૂ વીણી લઈને સાફ કરે છે તેમ બેબિલોનનો રાજા ઇજિપ્ત દેશને સફાચટ કરી નાખશે અને પછી વિજેતા બનીને પાછો ચાલ્યો જશે. 13 તે ઇજિપ્તમાં આવેલા બેથ-શેમેશ નગરના પવિત્ર સ્તંભોને તોડી પાડશે અને ઇજિપ્તના દેવોનાં સૂર્યમંદિરોને બાળીને ભસ્મીભૂત કરશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide