યર્મિયા 41 - પવિત્ર બાઇબલ C.L.1 સાતમા મહિનામાં એલિશામાનો પૌત્ર અને નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી અને રાજાનો મુખ્ય અધિકારી હતો તે પોતાની સાથે દસ માણસોને લઇને ગદાલ્યાને મળવા મિસ્પા ગયો. ત્યાં મિસ્પામાં તેઓ બધા સાથે મળીને ભોજન કરતા હતા. 2 તેવામાં જ ઇશ્માએલ અને તેની સાથેના દસ માણસોએ ગદાલ્યા પર હુમલો કર્યો અને તેના પર તલવારથી પ્રહાર કરીને તેને મારી નાખ્યો. આમ બેબિલોનના રાજાએ નીમેલા રાજ્યપાલ ગદાલ્યાને તેમણે મારી નાખ્યો. 3 વળી, યહૂદિયાના જે લોકો ગદાલ્યા સાથે મિસ્પામાં હતા અને બેબિલોનના જે સૈનિકો ત્યાં ઉપસ્થિત હતા તે સૌનો ઇશ્માએલે સંહાર કર્યો. 4 ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન 5 શેખેમ, શીલો અને સમરૂનથી એંસી માણસો આવ્યા. તેમણે શોક પ્રદર્શિત કરવા પોતાની દાઢીઓ મૂંડાવી હતી. પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં અને પોતાનાં શરીરો પર જાતે ઘા કરેલા હતા. તેઓ પ્રભુના મંદિરમાં ધાન્ય અર્પણ અને ધૂપ ચડાવવા આવ્યા હતા. 6 ત્યારે નાથાન્યાનો પુત્ર ઇશ્માએલ મિસ્પામાંથી નીકળીને રડતો રડતો તેમને સામે મળવા ગયો. તેમની પાસે પહોંચ્યો એટલે તેણે તેમને કહ્યું, “આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને નામે તમારું સ્વાગત કરું છું!” 7 પરંતુ જેવા તેઓ નગરમાં દાખલ થયા કે તરત જ નથાન્યાના પુત્ર ઇશ્માએલે અને તેના માણસોએ તેમનો સંહાર કર્યો અને તેમનાં શબ ટાંકામાં નાખી દીધાં. 8 પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ. 9 ઇશ્માએલે મારી નાખેલા માણસોનાં શબ જે ટાંકામાં નાખ્યાં તે બહુ મોટું હતું. આસા રાજાએ તે ટાંકું ઇઝરાયલના રાજા બાઅશાથી સંરક્ષણ મેળવવા બંધાવ્યું હતું. ઇશ્માએલે તે ટાંકું મારી નાખેલા માણસોનાં શબથી ભરી દીધું. 10 પછી ઇશ્માએલે મિસ્પામાં બાકી રહેલા લોકોને અને અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાને ગદાલ્યાના હવાલે સોંપેલી રાજાની પુત્રીઓને કેદ કરીને એ બધાંને લઈ આમ્મોન દેશની હદ તરફ પ્રયાણ કર્યું. 11 પરંતુ કારેઆના પુત્ર યોહાનાને તથા તેની સાથેના બીજા સેનાનાયકોએ નથાન્યાના પુત્ર ઇશ્માએલનાં અધમ કૃત્યો વિષે સાંભળ્યું, 12 ત્યારે તેઓ પોતાના માણસો લઇને ઇશ્માએલ સામે લડાઈ કરવા ઉપડયા. તેમણે તેને ગિબઓન પાસે મોટા તળાવ નજીક પકડી પાડયો. 13-14 ઇશ્માએલે મિસ્પામાંથી કેદ કરેલા લોકોએ જ્યારે યોહાનાનને અને તેની સાથેના બીજા સેનાનાયકોને જોયા ત્યારે તેઓ ખુશખુશાલ થઈ ગયા. તેઓ સર્વ ઇશ્માએલને છોડી દઈને સત્વરે કારેઆના પુત્ર યોહાનાન પાસે પહોંચી ગયા. 15 પરંતુ ઇશ્માએલ પોતાના આઠ માણસો સહિત યોહાનાન પાસેથી છટકી જઈને આમ્મોન દેશની હદમાં નાસી છૂટયો. 16 પછી યોહાનાને અને તેની સાથેના સેનાનાયકોએ બાકી રહેલા લોકોનો કબજો સંભાળી લીધો અને તેઓ તેમને ગિબઓનથી પાછા લાવ્યા. ગદાલ્યાની હત્યા કર્યા પછી જે લોકોને ઇશ્માઈલ કેદી તરીકે લઈ ગયો હતો, તેમાં પુરૂષો, સ્ત્રીઓ, બાળકો અને રાજમહેલના અધિકારીઓનો સમાવેશ થતો હતો. 17-18 તેમને ખાલદીઓની બીક હતી; કારણ, બેબિલોનના રાજાએ દેશના રાજ્યપાલ તરીકે નીમેલા ગદાલ્યાનું ઇશ્માએલે ખૂન કર્યું હતું. તેથી ખાલદીઓથી નાસી છૂટવા માટે તેઓ ઇજિપ્ત જવા નીકળ્યા અને માર્ગમાં તેમણે બેથલેહેમ નજીક ગેરૂથ-કિમ્હામમાં મુકામ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide