યર્મિયા 40 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા ગદાલ્યા સાથે રહે છે 1 યરુશાલેમ અને યહૂદિયાના લોકોને કેદી તરીકે દેશનિકાલ માટે બેબિલોન લઈ જવામાં આવતા હતા. યર્મિયા પણ તેમની જેમ સાંકળોથી બંધાયેલો હતો ત્યારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાને યર્મિયાને રામા નગરમાં મુક્ત કર્યો, તે વખતે યર્મિયા પાસે પ્રભુનો સંદેશો આવ્યો. 2 પછી અંગરક્ષકદળના વડાએ યર્મિયાને બોલાવડાવીને તેને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ આ દેશ પર વિપત્તિ લાવવાની ચેતવણી આપી હતી. 3 પ્રભુએ તેમના સંદેશ પ્રમાણે જ કર્યું છે અને વિપત્તિ લાવ્યા છે, કારણ, તમારા લોકોએ પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું, અને તેમની વાણીને આધીન થયા નહિ માટે તમારા પર આ બધું આવી પડયું છે. 4 હવે હું તારા હાથો પરથી સાંકળો કાઢી નાખીને તને મુક્ત કરું છું. જો તારે મારી સાથે બેબિલોન આવવું હોય તો ભલે આવ. હું તારી સંભાળ રાખીશ, પણ તને બેબિલોન આવવું પસંદ ન હોય તો ન આવીશ. આખો દેશ તારે માટે ખુલ્લો છે; જે જગ્યા તને સારી અને યોગ્ય લાગે ત્યાં જઈને રહેજે.” 5 પણ યર્મિયાએ ઉત્તર ન આપ્યો, એટલે તેણે કહ્યું, “શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યા પાસે પાછો જા. બેબિલોનના રાજાએ તેને યહૂદિયાનો રાજ્યપાલ બનાવ્યો છે. તેની સાથે લોકો મધ્યે રહેજે; અથવા તને યોગ્ય લાગે ત્યાં રહેજે.” પછી અંગરક્ષકદળના વડાએ તેને આહાર અને બક્ષિસ આપીને વિદાય કર્યો. 6 પછી યર્મિયા મિસ્પામાં ગદાલ્યા પાસે દેશમાં બાકી રહેલા લોકો મધ્યે રહેવા માટે ગયો. યહૂદિયાનો રાજ્યપાલ ગદાલ્યા ( ૨ રાજા. 25:22-24 ) 7 યહૂદિયાના ખુલ્લા ક્ષેત્રમાંના કેટલાક સેનાનાયકો અને સૈનિકોએ શરણાગતિ સ્વીકારી નહોતી. તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ અહીકામના પુત્ર ગદાલ્યાને આ પ્રદેશનો રાજ્યપાલ નીમ્યો છે અને બેબિલોનમાં દેશનિકાલ નહિ કરાયેલાં ગરીબમાં ગરીબ માણસો, સ્ત્રીઓ અને બાળકોને તેની હકૂમતમાં સોંપ્યાં છે. 8 તેથી નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હુમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો અને માઅખાથીનો વતની યઝાન્યા તથા તેના માણસો ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. 9 શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “ખાલદીઓની શરણાગતિ સ્વીકારતાં ગભરાશો નહિ; આ દેશમાં વસવાટ કરો અને બેબિલોનના રાજાની સેવા કરો, એટલે તમારું ભલું થશે. 10 હું પોતે મિસ્પામાં રહીશ અને જ્યારે જ્યારે બેબિલોનીઓ આપણી પાસે આવશે ત્યારે હું તેમની સમક્ષ તમારું પ્રતિનિધિત્વ કરીશ. પણ તમે દ્રાક્ષાસવ, ઉનાળામાં પાકેલાં ફળો અને ઓલિવ-તેલ એકત્ર કરી સંઘરી રાખજો અને જે નગરો તમે કબજે કર્યાં છે તેમાં વસવાટ કરજો.” 11 તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે. 12 તેથી યહૂદિયાના એ લોકો જ્યાં જ્યાં વેરવિખેર થઈ ગયા હતા ત્યાંથી યહૂદિયા પાછા ફરીને મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, અને તેમણે વિપુલ પ્રમાણમાં દ્રાક્ષાસવ અને ઉનાળામાં પાકેલાં ફળો એકત્ર કર્યાં. ગદાલ્યાની હત્યા ( ૨ રાજા. 25:25-26 ) 13 ત્યાર પછી કારેઆનો પુત્ર યોહાનાન અને બીજા સેનાનાયકો જેમણે બેબિલોનની શરણાગતિ સ્વીકારી ન હતી તેઓ મિસ્પામાં ગદાલ્યા પાસે આવ્યા, 14 અને તેને કહ્યું, “આમ્મોનના રાજા બાઅલીએ ઇશ્માએલને તારી હત્યા કરવા મોકલ્યો છે તેની તને ખબર છે?” પણ ગદાલ્યાએ તેમની વાત માની નહિ. 15 પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.” 16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને ઉત્તર આપ્યો, “તું એ પ્રમાણે કરીશ નહિ. ઇશ્માએલ વિષેની તારી વાત ખોટી છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide