Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 4 - પવિત્ર બાઇબલ C.L.


પસ્તાવા માટે આહ્વાન

1 પ્રભુ કહે છે,

2 “હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”

3 પ્રભુ યહૂદિયાના અને યરુશાલેમના લોકોને આમ કહે છે: “તમારી પડતર જમીન ખેડી નાખો, કાંટાંઝાંખરાંમાં વાવશો નહિ.

4 હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


આક્રમણ વિષે ચેતવણી

5 યહૂદિયામાં ઘોષણા કરાવો, યરુશાલેમ નગરમાં સમાચાર ફેલાવો, અને સમગ્ર દેશમાં યુદ્ધનાદનું રણશિંગડું વગાડો અને મોટેથી પોકારીને કહો, ‘સૌ એકઠા થઈને કિલ્લેબંધ નગરોમાં આશરો લો.’

6 સિયોન તરફ માર્ગ દર્શાવતું નિશાન ઊભું કરો, વિના વિલંબે સલામત સ્થળે નાસી છૂટો; કારણ, હું પ્રભુ તમારા પર ઉત્તર તરફથી આફત અને ભારે વિનાશ લાવું છું.

7 ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.

8 તેથી શોક પ્રદર્શિત કરવા કંતાન પહેરો, વિલાપ કરો અને પોક મૂકીને રડો; કારણ, પ્રભુનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.

9 પ્રભુએ કહ્યું, “તે દિવસે રાજાઓ અને અધિકારીઓ હિંમત હારી જશે, યજ્ઞકારો આઘાત પામશે અને સંદેશવાહકો અવાકા બની જશે.”

10 ત્યારે મેં કહ્યું, “અરેરે, હે પ્રભુ પરમેશ્વર, તમે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને પૂરેપૂરાં છેતર્યાં છે. તમે તો કહ્યું હતું કે ‘શાંતિ થશે’, પરંતુ એને બદલે, તેમના ગળા પર તલવાર ઝઝૂમે છે.


ઈશ્વરનો સજારૂપી વંટોળ

11 “એ સમયે આ પ્રજાને તથા યરુશાલેમના લોકોને કહેવામાં આવશે: રણની ઉજ્જડ ટેકરીઓ પરથી લૂ સીધેસીધી મારા લોક પર ફૂંકાવાની છે; તે અનાજ ઉપણવા માટે કે સાફ કરવા માટે નહિ, પણ દઝાડવા માટે વપરાશે.

12 ત્યાંથી એ ભારે આંધી મારી આજ્ઞાથી આવશે. મારા એ ન્યાયશાસનથી તમને થનારી સજા હું અત્યારે જ જાહેર કરીશ:

13 ‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’

14 તો હે યરુશાલેમ, જો તું ઉદ્ધારની આશા રાખતી હોય તો તારા દયમાંથી મલિનતા ધોઈ નાખ. ક્યાં સુધી તું તારા મનમાં કુટિલ યોજનાઓ ભરી રાખીશ?

15 જુઓ, દાન નગરમાંથી સંદેશકનો પોકાર સંભળાય છે અને એફ્રાઈમના ઉચ્ચપ્રદેશમાંથી સંદેશકો માઠા સમાચાર જાહેર કરે છે.

16 યરુશાલેમની આસપાસ લોકોને ખબર આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનાર શત્રુઓ આવી રહ્યા છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદ ગજવે છે.

17 જેમ રખેવાળ ખેતરની ચોતરફ ફરી વળે તેમ તેઓ તને ઘેરો ઘાલશે; કારણ, તેમણે મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. હું પ્રભુ પોતે એ બોલું છું.

18 હે યહૂદિયા, તારી ચાલ અને તારાં કાર્યોને લીધે તારી આવી દશા થઈ છે. આ તો તારા પાપની કડવાશ છે અને તેનાથી તારું હૃદય વીંધાયું છે.”


યર્મિયાનું આક્રંદ

19 મારી આંતરડી ઉકળી ઊઠી છે, તે કકળી ઊઠી છે. મારા હૃદયમાં ભારે વેદના છે. મારું હૈયું વલોવાઈ રહ્યું છે, અને મને જરાય જંપ નથી. હે મારા જીવ, તેં રણશિંગડાનો નાદ-યુદ્ધનો પોકાર સાંભળ્યો છે.

20 આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.

21 ક્યાં સુધી મારે યુદ્ધપતાકા જોવાની રહેશે? અને રણશિંગડાનો અવાજ સાંભળ્યા કરવો પડશે?

22 પ્રભુ કહે છે, “મારા લોકો બેવકૂફ છે. તેઓ મને ય ઓળખતા નથી. તેઓ નાદાન અને અક્કલહીન સંતાનો છે. તેમને ભૂંડું કરતાં આવડે છે, પણ ભલું કરી જાણતા નથી.


ભયાનક વિનાશના દિવસ વિષે દર્શન

23 મેં પૃથ્વીને જોઈ, તો તે ઉજ્જડ અને ખાલી હતી. આકાશ તરફ જોયું તો ત્યાં પ્રકાશ નહોતો.

24 મેં પર્વતોને જોયા તો તેઓ ધ્રૂજતા હતા અને બધી ટેકરીઓ કંપી ઊઠી હતી.

25 મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં.

26 મેં જોયું તો ફળદ્રુપ જમીન વેરાન થઈ ગઈ હતી. તેનાં નગરો ખંડેર બની ગયાં હતાં; કારણ, પ્રભુનો કોપ અતિ ઉગ્ર હતો.

27 અરે, પ્રભુએ પોતે કહ્યું છે કે સમસ્ત ધરતી વેરાન થઈ જશે, તો પણ હું તેનો સંપૂર્ણ વિનાશ કરીશ નહિ.

28 એને લીધે પૃથ્વી વિલાપ કરશે અને આકાશ અંધકારમય બની જશે. પ્રભુ બોલ્યા છે અને તે પોતાનું મન બદલશે નહિ. પ્રભુએ નિર્ણય કર્યો છે અને તે તેમાંથી ફરશે નહિ.

29 ઘોડેસ્વારો અને ધનુર્ધારીઓ જે કોઈ નગરમાં પ્રવેશે ત્યાં તેમના હોંકારાથી બધા નગરજનો નાસી છૂટશે; કેટલાક ગીચ ઝાડીઓમાં સંતાશે તો કેટલાક ખડકો પર ચડી જશે અને ત્યાં કોઈ રહેશે નહિ.

30 હે યરુશાલેમ, તું શું ધારે છે? તું શા માટે જાંબલી વસ્ત્રો પહેરે છે? શા માટે તું સોનાના અલંકારોથી પોતાને શણગારે છે અને તારી આંખો ક્જલ આંજી સજાવે છે? તું પોતાને શણગારે છે, પણ એ વ્યર્થ છે; કારણ, તારા પ્રેમીઓ તારી ઘૃણા કરે છે, તેઓ તો તારો જીવ લેવા ટાંપી રહ્યા છે.

31 કોઈ પ્રસૂતા પોતાના પ્રથમ બાળકને પ્રસવ આપતી વખતે કષ્ટાઈને ચીસો પાડતી હોય એવી યરુશાલેમ નગરની ચીસોનો સાદ મને સંભળાય છે. તે હાંફે છે, અને પોતાના હાથ પ્રસારીને કહે છે, “હાય, હાય, મારું આવી બન્યું છે, મારી હત્યા કરનારા આવી પહોંચ્યા છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan