યર્મિયા 39 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનો પરાજય 1 યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના નવમા વર્ષના દસમા મહિને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે પોતાના સમગ્ર લશ્કર સાથે યરૂશાલેમ પર આક્રમણ કર્યું અને તેને ઘેરો ઘાલ્યો. 2 સિદકિયા રાજાના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું. 3 યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો. 4 સિદકિયા રાજા અને તેના સૈનિકોએ આ બધું જોયું, અને રાત્રે શહેર છોડી નાઠા. તેમણે રાજઉદ્યાનને માર્ગે, બે કોટ વચ્ચેના પ્રવેશદ્વારની મારફતે આરાબાહ એટલે યર્દનની ખીણ તરફ નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો. 5 પરંતુ ખાલદીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને તેમણે સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડયો. પછી તેઓ તેને કેદ કરીને હમાથપ્રદેશના રિબ્લાહનગરમાં બેબિલોનના રાજા નબૂખાદનેસ્સાર પાસે લાવ્યા. તેણે સિદકિયાને આ પ્રકારની સજા કરી. 6 બેબિલોનના રાજાએ રિબ્લાહનગરમાં સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નંખાવ્યા. વળી, તેણે યહૂદિયાના જુદા જુદા મંત્રીઓને પણ મારી નાખ્યા. 7 ત્યાર પછી તેણે સિદકિયાની આંખો ફોડી નાખી અને તેને સાંકળોથી બાંધીને બેબિલોન મોકલી આપ્યો. 8 તે દરમ્યાન બેબિલોનના લશ્કરે રાજમહેલ અને લોકોનાં ઘર બાળી નાખીને ભસ્મીભૂત કર્યાં અને યરુશાલેમનો કોટ તોડી પાડયો. 9 પછી અંગરક્ષક દળના વડા નબૂઝારઅદાન નગરમાં બાકી રહેલા લોકોને તથા તેમને શરણે આવેલા લોકોને કેદી તરીકે બેબિલોન લઈ ગયો. 10 માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં. યર્મિયાની મુક્તિ 11 તે સમયે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે અંગરક્ષકદળના વડા નબૂઝારઅદાનને યર્મિયા સંબંધી આવો હુકમ આપ્યો, “યર્મિયાને લઈ આવો અને તેની સંભાળ લો, 12 તેને કંઈ ઈજા પહોંચાડશો નહિ, પણ તેની મરજી પ્રમાણે તેને માટે વ્યવસ્થા કરો.” 13 તેથી નબૂઝારઅદાને તથા નબૂશાઝાબાન, રાબ-સારીસ, નેર્ગાલ- શારએસેર, રાબ-માગ અને બેબિલોનના રાજાના બધા સેનાપતિઓએ 14 માણસ મોકલીને યર્મિયાને ચોકીદારોના ચોકમાંથી મુક્ત કર્યો અને તેમણે યર્મિયાને પોતાને ઘેર સહીસલામત પહોંચાડવા શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને યર્મિયાની સોંપણી કરી. આમ તે પોતાના લોક સાથે રહ્યો.” એબેદ-મેલેખ માટે આશાનો સંદેશ 15 યર્મિયા ચોકીદારોના ચોકમાં રખાયો હતો ત્યારે તેને પ્રભુનો સંદેશ મળ્યો. 16 તેણે કહ્યું, “જા, કૂશી એબેદ-મેલેખને કહે કે ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું મારા સંદેશા પ્રમાણે આ નગર પર આબાદી નહિ, પણ વિપત્તિ લાવીશ એ સંદેશની આગાહી તારી નજર સામે જ પરિપૂર્ણ થશે. 17 પણ હું તે સમયે તારું રક્ષણ કરીશ અને જે માણસોની તને બીક લાગે છે તેમના હાથમાં તને સોંપવામાં આવશે નહિ. હું પ્રભુ આ બોલું છું. 18 હું તને ઉગારી લઈશ; તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ, પણ જાણે યુદ્ધમાં લૂંટ મળી હોય તેમ તારો જીવ બચી જશે. કારણ, તેં મારા પર ભરોસો રાખ્યો છે. હું પ્રભુ આ બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide