યર્મિયા 38 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા નિર્જળ ટાંકામાં કેદ 1-3 યર્મિયા સર્વ લોકોની આગળ સંદેશાઓ પ્રગટ કરતો હતો. તે કહેતો, “પ્રભુ આ પ્રમાણે કહે છે: જે કોઈ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી માર્યો જશે, પણ જે કોઈ ખાલદીઓને તાબે થશે તે જીવતો રહેશે; પોતાનો જીવ બચે એ જ યુદ્ધમાં લૂંટ મળ્યા બરાબર ગણાશે. કારણ, પ્રભુ આમ કહે છે કે આ નગર બેબિલોનના રાજાના લશ્કરના હાથમાં સોંપી દેવાશે અને તે તેને જીતી લેશે.” આ સંદેશા માત્તાનના પુત્ર શફાટયાએ, પાશહૂરના પુત્ર ગદાલ્યાએ, શેલેમ્યાના પુત્ર યુકાલે તથા માલ્ખીયાના પુત્ર પાશહૂરે સાંભળ્યો. 4 પછી એ અધિકારીઓએ રાજા પાસે જઈને કહ્યું, “આ માણસને ખતમ કરો. આવા સંદેશા આપીને તે આપણા સૈનિકોને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત કરી દે છે. કારણ, આ માણસ લોકોનું કલ્યાણ નહિ, પણ તેમનું નુક્સાન ઇચ્છે છે.” 5 ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ” 6 તેથી તેઓએ યર્મિયાને પકડી લીધો અને તેને ચોકીદારોના ચોકમાં રાજકુમાર માલ્ખીયાના તાબા હેઠળના ટાંકામાં દોરડાં વડે ઉતારીને અંદર નાખી દીધો. ટાંકામાં પાણી નહોતું; ફક્ત ક્દવ હતો અને તેથી યર્મિયા ક્દવમાં ખૂંપી ગયો. 7 હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો, 8 ત્યારે એબેદ-મેલેખે મહેલમાંથી ત્યાં જઈને રાજાને કહ્યું, 9 “હે રાજા, મારા સ્વામી, સંદેશવાહક યર્મિયાને ટાંકામાં નાખી દઈને આ લોકોએ બહુ ખોટું કર્યું છે; ત્યાં તે ભૂખે મરી જશે. 10 કારણ, હવે નગરમાં ખોરાકેય ખૂટવા લાગ્યો છે.” ત્યારે રાજાએ એબેદ-મેલેખને હુકમ કર્યો, “તું અહીંથી ત્રીસ માણસોને તારી સાથે લઈ જા અને સંદેશવાહક યર્મિયાને તે મરી જાય તે પહેલાં ટાંકામાંથી બહાર કાઢ.” 11 તેથી એબેદ-મેલેખ તે માણસોને લઈને રાજમહેલના ભંડારમાં ગયો અને ત્યાંથી ફાટેલાં તૂટેલાં જૂનાં લૂગડાં લઈને તેમને દોરડા વડે ટાંકામાં યર્મિયા પાસે ઉતાર્યાં. 12 પછી એબેદ-મેલેખે યર્મિયાને કહ્યું, “યર્મિયા આ ચીંથરાં તારી બગલ નીચે મૂક, જેથી તને દોરડું ખૂંચે નહિ” યર્મિયાએ એ પ્રમાણે કર્યું. 13 પછી તેમણે યર્મિયાને દોરડા વડે ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો. ત્યાર પછી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો. સિદકિયા યર્મિયાની સલાહ માગે છે 14 સિદકિયા રાજાએ માણસ મોકલીને સંદેશવાહક યર્મિયાને પ્રભુમંદિરના ત્રીજા પ્રવેશદ્વાર પાસે બોલાવ્યો અને રાજાએ યર્મિયાને કહ્યું, “હું તને એક પ્રશ્ર્ન પૂછવા ચાહું છું અને તેના જવાબમાં મારાથી કંઈ છુપાવીશ નહિ.” 15 યર્મિયાએ સિદકિયાને કહ્યું, “જો હું તને સાચી વાત કહું તો તું મને જરૂર મારી નંખાવીશ, અને જો હું તને સલાહ આપું તો તું તે માનવાનો નથી.” 16 તેથી સિદકિયા રાજાએ ત્યાં મને ખાનગીમાં વચન આપ્યું. “આપણને જીવન બક્ષનાર જીવતા પ્રભુના સોગંદ ખાઈને કહું છું કે હું તને મારી નાખીશ નહિ; અને જેઓ તારો જીવ લેવા ઇચ્છે છે તે લોકોના હાથમાં તને સોંપી દઈશ નહિ.” 17 ત્યારે યર્મિયાએ સિદકિયાને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: જો તું બેબિલોનના રાજાના સેનાપતિઓની શરણાગતિ સ્વીકારી લે તો તારો જીવ બચી જશે, અને આ નગર આગથી બાળી દેવાશે નહિ. તું પોતે અને તારું કુટુંબ પણ બચી જશો. 18 પણ જો તું શરણાગતિ નહિ સ્વીકારે તો પછી આ યરુશાલેમ નગરને ખાલદીઓના લશ્કરના હાથમાં સોંપી દેવાશે. તેઓ તેને સળગાવીને ભસ્મીભૂત કરી દેશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ.” 19 પણ સિદકિયા રાજાએ યર્મિયાને કહ્યું, “જે યહૂદીઓએ ખાલદીઓની શરણાગતિ સ્વીકારી લીધી છે તેમનો મને ડર છે. કદાચ મને તેમના હાથમાં સોંપી દેવામાં આવે અને તેઓ મને રીબાવે.” 20 યર્મિયાએ ઉત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપી દેવામાં આવશે નહિ. હું તને જે પ્રભુનો સંદેશ જણાવું છું તે તું માનીશ તો તારું ભલું થશે, અને તારો જીવ બચી જશે. 21 પણ જો હું શરણાગતિ નહિ સ્વીકારું તો શું થશે તે પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું છે. 22 મેં જોયું કે યહૂદિયાના રાજમહેલમાં બાકી રહેલી બધી સ્ત્રીઓને બેબિલોનના રાજાના સેનાપતિઓ પાસે લઈ જવાતી હતી. તેઓ જતાં જતાં આ પ્રમાણે કહેતી હતી; ‘રાજાના દિલોજાન મિત્રોએ તેને ખોટી દોરવણી આપી, તેમણે તેની પાસે પોતાનું ધાર્યું કરાવ્યું; અને હવે જ્યારે તેના પગ ક્દવમાં ખૂંપી ગયા, ત્યારે તેઓ તેને તજીને જતા રહ્યા છે!” 23 વળી, મેં કહ્યું, “તારી બધી પત્નીઓ તમારાં બાળકો સહિત ખાલદીઓની પાસે લઈ જવાશે અને તું પોતે પણ તેમના સકંજામાંથી છટકી શકશે નહિ. બેબિલોનનો રાજા તને કેદી તરીકે પકડીને લઈ જશે અને આ નગરને સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે.” 24 ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “તું કોઈને પણ આ સંદેશાની જાણ થવા દઈશ નહિ; તો જ તને મારી નાખવામાં આવશે નહિ.” 25 જો અધિકારીઓને ખબર પડી જાય કે મેં તારી સાથે વાત કરી છે અને તેઓ તારી પાસે આવી તને પૂછે કે, ‘તેં રાજાને શું કહ્યું અને રાજાએ તને શું કહ્યું? અમારાથી એ વાત છુપાવીશ નહિ; નહિ તો અમે તને મારી નાખીશું.’ 26 ત્યારે તારે તેમને એટલું જ કહેવું કે, ‘હું રાજાને આગ્રહથી અરજ કરતો હતો કે મને કેદી તરીકે યોનાથાનના ઘરના કેદખાનામાં મરવા મોકલશો નહિ.’ 27 હકીક્તમાં પછી કેટલાક અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેની પૂછપરછ કરી. પણ યર્મિયાએ રાજાએ સૂચના આપ્યા પ્રમાણે જ તેમને ઉત્તર આપ્યો. ત્યારે તેમને શાંતિ થઈ; આમ એ વાત ગુપ્ત રહી. 28 યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યર્મિયા ચોકીદારોના ચોકમાં જ રહ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide