Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 37 - પવિત્ર બાઇબલ C.L.


ઘેરાના પુનરાવર્તન વિષે યર્મિયાની આગાહી

1 બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે યહોયાકીમના પુત્ર કોન્યાને બદલે યોશિયાના પુત્ર સિદકિયાને રાજા બનાવ્યો અને તેણે યહૂદિયા પર રાજ કર્યું.

2 પણ તે અને તેના અધિકારીઓ અને જમીનદાર વર્ગના લોકો યર્મિયા મારફતે પ્રભુએ પાઠવેલા સંદેશાઓને આધીન થયા નહિ.

3 સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યજ્ઞકાર સફાન્યાને સંદેશવાહક યર્મિયા પાસે મોકલીને વિનંતી કરી, “તું આપણા ઈશ્વર પ્રભુને અમારે માટે પ્રાર્થના કર.”

4 હજુ યર્મિયાને જેલમાં પૂરવામાં આવ્યો ન હતો અને તેથી તે લોકો મધ્યે અવરજવર કરી શક્તો હતો.

5 તે વખતે ખાલદીઓનું લશ્કર યરુશાલેમ નગરની આસપાસ ઘેરો ઘાલીને પડયું હતું; પણ જેવી તેમને જાણ થઈ કે ઇજિપ્તના રાજા ફેરોનું લશ્કર ઇજિપ્તની સરહદ વટાવી આ તરફ આવી રહ્યું છે કે તરત જ તેમણે ઘેરો ઉઠાવી લીધો.

6-7 ત્યારે સંદેશવાહક યર્મિયાને પ્રભુનો આવો સંદેશ મળ્યો; તેમણે કહ્યું: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે યહૂદિયાના રાજા સિદકિયાએ મને પૂછપરછ કરવા તારી પાસે માણસો મોકલ્યા છે; તો એમને મારે આ પ્રમાણે કહેવાનું છે: ઇજિપ્તનું લશ્કર તમને મદદે આવવા નીકળી ચૂકયું છે, પણ તે ઇજિપ્ત પાછું જશે.

8 પછી બેબિલોનનું લશ્કર પાછું આવશે અને નગર પર આક્રમણ કરશે, તેને જીતી લેશે અને તેને આગ ચાંપશે.”

9 વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “ખાલદીઓનું લશ્કર કાયમને માટે જતું રહ્યું છે એમ માનીને છેતરાશો નહિ; કારણ, તે જરૂર પાછું આવશે.

10 તમે કદાચ ખાલદીઓના સમગ્ર લશ્કરનો એવો ભારે પરાજય કરો કે જેથી તંબૂઓમાં માત્ર ઘવાયેલા માણસો જ બાકી રહે, તોપણ તેઓ ઊઠીને આ નગરને બાળી મૂકશે!”


યર્મિયાની ધરપકડ અને કેદ

11 ઇજિપ્તનું લશ્કર આવી રહ્યું હતું તેથી બેબિલોનના લશ્કરે યરુશાલેમ પરનો ઘેરો ઉઠાવી લીધો,

12 ત્યારે યર્મિયા યરુશાલેમથી બિન્યામીનના કુળપ્રદેશમાં તેનાં કુટુંબીજનો પાસે મિલક્તમાં પોતાનો ભાગ લેવા માટે ઊપડયો.

13 પણ જ્યારે તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે હનાન્યાનો પૌત્ર અને શેલેમ્યાનો પુત્ર ઇરિયા જે ચોકીદારોનો ઉપરી હતો તેણે યર્મિયાને અટકાવ્યો અને આક્ષેપ કર્યો “તું ખાલદીઓના પક્ષમાં ભળી જવા જાય છે.”

14 યર્મિયાએ જવાબ આપ્યો, “એ તદ્દન જૂઠું છે! હું ખાલદીઓના પક્ષમાં ભળી જવા માટે જતો નથી.” પણ ઇરિયાએ યર્મિયાની વાત સાંભળી જ નહિ, અને તેની ધરપકડ કરીને તે તેને અધિકારીઓ પાસે લઈ ગયો.

15 તેઓ યર્મિયા પર ક્રોધે ભરાયા અને તેને ફટકા મરાવ્યા. પછી તેમણે તેને રાજ્યમંત્રી યોનાથાનના ઘરમાં કેદી તરીકે પૂરી દીધો; કારણ, તે ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું.

16 યર્મિયાને તે મકાનના ભોંયરાના એક પોલાણમાં પૂરવામાં આવ્યો અને ત્યાં તે લાંબો સમય રહ્યો.

17 ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને યર્મિયાને બોલાવડાવ્યો અને રાજમહેલની અંદર તેને ખાનગીમાં પૂછયું, “શું પ્રભુ તરફથી કોઈ સંદેશ છે?” યર્મિયાએ ઉત્તર આપ્યો. “હા, તને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે.”

18 પછી યર્મિયાએ સિદકિયા રાજાને પૂછયું, “તારી કે તારા અધિકારીઓની કે આ લોકોની વિરુદ્ધ મેં શો ગુનો કર્યો છે કે તમે બધાએ મને કેદમાં નાખ્યો છે?

19 બેબિલોનનો રાજા તારા પર કે આ દેશ પર આક્રમણ કરશે નહિ એવો સંદેશ પ્રગટ કરનારા તમારા બધા સંદેશવાહકો ક્યાં છે?

20 હે રાજા, મારા સ્વામી, હું તને વિનંતી કરું છું કે મને ફરીથી રાજમંત્રી યોનાથાનના ઘરના કેદખાનામાં પૂરશો નહિ, નહિ તો હું ત્યાં મૃત્યુ પામીશ”

21 તેથી સિદકિયાએ તે મુજબ હુકમ આપ્યો અને તેમણે યર્મિયાને ચોકીદારોના ચોકમાં રાખ્યો. જ્યાં સુધી નગરમાં આહાર ઉપલબ્ધ હતો, ત્યાં સુધી ભઠિયારાઓની શેરીમાંથી તેને દરરોજ થોડો થોડો ખોરાક આપવામાં આવતો. આમ, યર્મિયા ચોકીદારોના ચોકમાં રહ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan