Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 36 - પવિત્ર બાઇબલ C.L.


બારૂખ મંદિરમાં યર્મિયાનો સંદેશ વાંચે છે

1 યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળના ચોથે વર્ષે યર્મિયાને પ્રભુનો સંદેશ મળ્યો.

2 તેમણે કહ્યું “એક ચર્મપત્રનો વીંટો લે અને તેમાં ઇઝરાયલ, યહૂદિયા અને બીજી બધી પ્રજાઓ વિષે યોશિયાના સમયથી અત્યાર સુધી મેં તને જે જે કહ્યું તે બધું તેમાં લખ.

3 કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.”

4 તેથી યર્મિયાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને બારૂખે યર્મિયાને પ્રભુ તરફથી મળેલા સર્વ સંદેશાઓ યર્મિયાના લખાવ્યા પ્રમાણે તે વીંટામાં લખી લીધા.

5 પછી યર્મિયાએ બારૂખને આવી સૂચના આપી, “મારા પર પ્રતિબંધ છે તેથી હું પ્રભુના મંદિરમાં જઈ શકું તેમ નથી;

6 માટે તું મંદિરમાં જઈને મેં તને વીંટામાં લખાવેલા પ્રભુના સંદેશાઓ પ્રભુના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ અને યહૂદિયાનાં જુદાં જુદાં નગરોમાંથી આવનાર લોકોની આગળ વાંચી સંભળાવ.

7-8 કદાચ તેઓ પ્રભુને વિનંતી કરે અને પોતે પોતાનાં દુષ્ટ આચરણ તજે; કારણ, પ્રભુએ ઉચ્ચારેલ કોપ અને ક્રોધ બહુ મોટો છે.

9 યહૂદિયાના રાજા અને યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળના પાંચમા વર્ષના નવમા મહિનામાં પ્રભુની દયા પ્રાપ્ત કરવા યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના નગરોમાંથી યરુશાલેમ આવેલા બધા લોકોએ ઉપવાસ કરવાનું ફરમાવ્યું હતું.

10 બારૂખે તેમની આગળ પ્રભુના મંદિરમાં યર્મિયાના સંદેશાઓ વીંટામાંથી વાંચી સંભળાવ્યા. રાજમંત્રી શાફાનના પુત્ર ગમાર્યાના ઓરડામાં લોકોના સાંભળતા તેણે એ વાંચન કર્યું. આ ઓરડો મંદિરના નવા દરવાજા પાસે ઉપરના ચોકમાં આવેલો હતો.


અધિકારીઓ સમક્ષ સંદેશાઓનું વાંચન

11 જ્યારે શાફાનના પૌત્ર અને ગમાર્યાના પુત્ર મીખાયાએ બારૂખે વાંચેલા પ્રભુના સંદેશાઓ સાંભળ્યા,

12 ત્યારે તે રાજમહેલમાં રાજમંત્રીની કચેરીમાં પહોંચી ગયો. ત્યાં બધા મંત્રીઓ એટલે કે રાજમંત્રી એલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા અને બીજા કેટલાક મંત્રીઓ એકત્ર થયા હતા.

13 મીખાયાએ એ બધાને બારૂખે લોકોના સાંભળતાં વાંચેલા પ્રભુના સંદેશાઓ કહી સંભળાવ્યા.

14 પછી મંત્રીઓએ યેહૂદીને (જે નથાન્યાનો પુત્ર, શેલેમ્યાનો પૌત્ર અને કૂશીનો પ્રયૌત્ર હતો) બારૂખ પાસે મોકલીને કહેવડાવ્યું. “જે ચર્મપત્રોના વીંટામાંથી તેં લોકોને વાંચી સંભળાવ્યું તે લઈને અહીં આવ” તેથી નેરિયાનો પુત્ર બારૂખ વીંટો લઈને તેમની પાસે ગયો.

15 તેમણે તેને કહ્યું “આવ, બેસ, અમને પણ વાંચી સંભળાવ.” તેથી બારૂખે તેમને વાંચી સંભળાવ્યું.

16 તે સાંભળીને તેમણે ભયથી એકબીજા તરફ જોયું અને બારૂખને કહ્યું, “અમારે રાજાને આ વિષે જાણ કરવી જ પડશે.”

17 પછી તેમણે બારૂખને પૂછયું, “મહેરબાની કરી અમને કહે કે તેં આ બધા સંદેશાઓ કેવી રીતે લખ્યા? શું યર્મિયાએ તને આ બધું લખાવ્યું?”

18 બારૂખે જવાબ આપ્યો, “યર્મિયાએ જાતે જ આ બધા સંદેશાઓ મને લખાવ્યા છે અને મેં તો માત્ર તેમને શાહીથી વીંટામાં લખી લીધા એટલું જ.”

19 પછી મંત્રીઓએ બારૂખને કહ્યું, “તું અને યર્મિયા સંતાઈ જાઓ. તમે ક્યાં છો તેની કોઈને ખબર પડવા દેશો નહિ.”


રાજાએ પુસ્તક બાળી નાખ્યું

20 મંત્રીઓએ ચર્મપત્રોનો વીંટો રાજમંત્રી એલિશામાના ખંડમાં જમા કરાવ્યો અને પછી તેઓ રાજદરબારમાં રાજા પાસે ગયા અને રાજાને એ બધા સંદેશા વિષેની વાત કહી.

21 રાજાએ યેહૂદીને તે વીંટો લઈ આવવા મોકલ્યો અને તે એલિશામાના ખંડમાંથી તે લઈ આવ્યો અને યેહૂદીએ રાજા અને તેની આસપાસ ઊભા રહેલા મંત્રીઓ સમક્ષ તે વાંચી સંભળાવ્યો.

22 આ તો વર્ષનો નવમો માસ હોવાથી શિયાળાનો સમય હતો અને રાજા પોતાના શિયાળાના મહેલમાં સળગતી સગડી પાસે બેઠેલો હતો.

23 યેહૂદી ત્રણ કે ચાર પૃષ્ઠ વાંચતો કે રાજા તરત જ તે વાંચેલો ભાગ ચપ્પુથી કાપીને સગડીના અગ્નિમાં ફેંક્તો એમ આખો વીંટો સગડીના અગ્નિમાં બાળી નાખવામાં આવ્યો.

24 આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ.

25 જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને તે વીંટો ન બાળવા આજીજી કરી હતી, પણ તેણે તેમનું સાંભળ્યું જ નહિ.

26 એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


યર્મિયા બીજી વાર સંદેશો લખાવે છે

27 યર્મિયાએ લખાવ્યા પ્રમાણે બારૂખે લખેલા સંદેશાઓનો વીંટો રાજાએ બાળી નાખ્યો તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.

28 બીજો વીંટો લે અને યહોયાકીમ રાજાએ બાળી નાખેલા પ્રથમ વીંટામાં જે લખેલું હતું તે બધું જ તેના પર લખાવ:

29 યહૂદિયાના રાજા યહોયાકીમને આ પ્રમાણે કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે કે બેબિલોનનો રાજા આવીને આ દેશનો વિનાશ કરશે અને લોકોનો તથા પ્રાણીઓનો સંહાર કરશે એવું શા માટે લખ્યું છે એમ કહીને યહૂદિયાના રાજા યહોયાકીમે જાતે જ વીંટો બાળી નાખવાની હિંમત કરી છે.

30 તેથી તેને વિષે હું પ્રભુ પોતે કહું છું કે, દાવિદની રાજગાદી પર તેનો કોઈ વંશજ રાજ કરશે નહિ. તેનું શબ દિવસે ગરમીમાં અને રાત્રે ઠંડીમાં બહાર ફેંક્યેલું પડી રહેશે.

31 હું રાજાને તથા તેના વંશજોને અને મંત્રીઓને તેમના અપરાધો માટે સજા કરીશ; કારણ, જે બધી વિપત્તિ તેમના પર લાવવાની મેં તેમને ચેતવણી આપી હતી તેની અવગણના કરીને તેમણે તે વિપત્તિઓ પોતાના પર, યરુશાલેમના રહેવાસીઓ પર અને યહૂદિયાના લોકો પર તેમણે વહોરી લીધી છે.

32 પછી યર્મિયાએ ચર્મપત્રનો બીજો વીંટો લીધો અને લહિયા બારૂખને આપ્યો. યહોયાકીમ રાજાએ બાળી નાખેલા વીંટામાં હતા તે બધા સંદેશાઓ તેણે યર્મિયાના લખાવ્યા પ્રમાણે તેમાં લખ્યા. વળી, એ પ્રકારના બીજા સંદેશાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan