યર્મિયા 35 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા અને રેખાબી ગોત્રના લોકો 1 યોશિયાના પુત્ર અને યહૂદિયાના રાજા યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો: 2 “તું રેખાબી ગોત્રના લોકો પાસે જઈને તેમને પ્રભુના મંદિરના એક ઓરડામાં બોલાવી લાવ અને તેમને દ્રાક્ષાસવ પીવા આપ” 3 તેથી હું હબાસીન્યાના પૌત્ર અને યર્મિયાના પુત્ર યાઝાન્યાને, તેના ભાઈઓને અને તેના બધા પુત્રોને અને રેખાબી ગોત્રના તમામ લોકોને પ્રભુના મંદિરમાં લાવ્યો. 4 ઈશ્વરભક્ત ગદાલ્યાના પુત્ર હનાનના પુત્રોના ઓરડામાં તેમને એકત્ર કર્યા. આ ઓરડો અધિકારીઓના ઓરડા પાસે અને દ્વારપાલ શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડા ઉપર આવેલો હતો. 5 પછી રેખાબી ગોત્રના લોકો સમક્ષ મેં દ્રાક્ષાસવ ભરેલા કૂજા અને પ્યાલા મૂક્યા અને મેં તેમને કહ્યું “આ દ્રાક્ષાસવ પીઓ!” 6 પણ તેમણે જવાબ આપ્યો, “અમે દ્રાક્ષાસવ લઈશું નહિ; અમારા પૂર્વજ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા આપી હતી કે, ‘તમારે કે તમારા વંશજોએ કદી દ્રાક્ષાસવ પીવો નહિ. 7 વળી, તમારે ઘર બાંધવાં નહિ. ખેતી કરવી નહિ, દ્રાક્ષવાડીઓ રોપવી નહિ કે ખરીદવી નહિ, અને હમેશાં તંબૂઓમાં જ વસવાટ કરવો; જેથી આ ભૂમિ પર પ્રવાસી તરીકે દીર્ઘકાળ વસી તમે આબાદ થાઓ.’ 8 અમે અમારા પૂર્વજ યોનાદાબની બધી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. અમે કે અમારી પત્નીઓએ કે અમારા પુત્રપુત્રીઓએ જીવનમાં ક્યારેય દ્રાક્ષાસવ પીધો નથી. 9-10 અમે રહેવા માટે ઘર બાંધ્યાં નથી, પણ તંબૂઓમાં જ વાસ કરતા આવ્યા છીએ. અમે કોઈ દ્રાક્ષવાડી કે અનાજનાં ખેતર ધરાવતા નથી. અમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળતા આવ્યા છીએ. 11 પરંતુ બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારે દેશ પર આક્રમણ કર્યું ત્યારે બેબિલોન અને અરામના લશ્કરોથી બચવા પૂરતું અમે યરુશાલેમમાં આશ્રય લેવાનું નક્કી કર્યું હતું. અને એટલા માટે જ અત્યારે અમે યરુશાલેમમાં રહીએ છીએ.” 12-13 તે પછી પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે. યહૂદિયાના લોકો અને યરુશાલેમના રહેવાસીઓ પાસે જઈને તેમને કહે કે પ્રભુ આમ કહે છે: આ જોઈને તમે મારો સંદેશો માનવાની શિખામણ નહિ સ્વીકારો? 14 રેખાબના પુત્ર યોનાદાબના વંશજોએ કદી દ્રાક્ષાસવ નહિ પીવાની તેની આજ્ઞાનું ખંતથી પાલન કર્યું છે. તેમના પૂર્વજની આજ્ઞાને આધીન થઈને તેમણે આજ સુધી દ્રાક્ષાસવ પીધો નથી. પરંતુ હું તો તમને વારંવાર આગ્રહથી સંદેશા પાઠવતો રહ્યો છું, છતાં તમે મારી વાણી સાંભળી જ નથી. 15 મેં મારા સંદેશવાહક સેવકોને તમારી પાસે મોકલીને વારંવાર આગ્રહથી કહેવડાવ્યું છે કે, તમારાં દુષ્ટ આચરણ તજો અને તમારાં કાર્યો સુધારો. અન્ય દેવોને અનુસરી તેમની પૂજા ન કરો; જેથી મેં તમને તથા તમારા પૂર્વજોને આપેલ દેશમાં તમે વસી શકશો, પણ તમે ધ્યાન આપ્યું નહિ, અને મારી વાણી સાંભળી નહિ. 16 રેખાબના પુત્ર યોનાદાબે તેના વંશજોને આપેલી આજ્ઞાનું તેમણે પાલન કર્યું છે, પણ આ લોકોએ મારી વાણી સાંભળી નથી. 17 તેથી હવે હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ કહું છું કે હું યહૂદિયા અને યરુશાલેમના બધા લોકો પર મારી ચેતવણી અનુસાર બધી આફતો લાવીશ; કારણ, મેં તેમને કહ્યા કર્યું પણ તેમણે સાંભળ્યું નથી અને મેં તેમને બોલાવ્યા ત્યારે તેમણે ઉત્તર આપ્યો નથી.” 18 પછી યર્મિયાએ રેખાબી ગોત્રના લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે તમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાનું પાલન કર્યું છે અને તેની સર્વ સૂચનાઓ પ્રમાણે વર્ત્યા છો અને તેણે ફરમાવ્યું તે સંપૂર્ણપણે પાળ્યું છે, 19 તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ વચન આપું છું કે રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનાર વંશજની કદી ખોટ પડશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide