Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયા 34 - પવિત્ર બાઇબલ C.L.


સિદકિયા માટે સંદેશ

1 જ્યારે બેબિલોનનો રાજા નબૂખાદનેસ્સાર અને તેનું સમગ્ર લશ્કર અને તેના તાબાના બધા દેશોના અને પ્રજાઓના સૈનિકો યરુશાલેમ અને તેની આસપાસનાં નગરો પર આક્રમણ કરી રહ્યાં હતાં ત્યારે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો,

2 “હું ઇઝરાયલનો ઈશ્વર તને આ આજ્ઞા આપું છું: જા, અને યહૂદિયાના રાજા સિદકિયાને જઈને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ; તે તેને જીતી લેશે અને પછી આગ ચાંપીને બાળી નાખશે.

3 તું જાતે તેના સકંજામાંથી છટકી જઈ શકશે નહિ, પણ તને પકડીને તેના હાથમાં સોંપી દેવામાં આવશે. તું તેને નજરોનજર જોઈશ અને તેની સાથે રૂબરૂમાં વાત કરીશ, અને તને બેબિલોન લઈ જવામાં આવશે.”

4 હે યહૂદિયાના રાજા સિદકિયા, પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “જો તું આધીન થઈશ તો યુદ્ધમાં માર્યો જઈશ નહિ,

5 પણ તું શાંતિમાં મૃત્યુ પામશે. તારી પહેલાં થઈ ગયેલા રાજાઓ એટલે તારા પૂર્વજોની અંતિમવિધિ સમયે લોકોએ ધૂપ બાળ્યો હતો તે જ પ્રમાણે તેઓ તારા મૃત્યુ પ્રસંગે પણ ધૂપ બાળશે અને શોકગીત ગાશે, ‘હાય રે હાય, અમારા રાજા’. સાચે જ એ તને મારું વચન છે. હું પ્રભુ પોતે કહું છું.”

6 તેથી યર્મિયાએ આ સંદેશ યરુશાલેમમાં સિદકિયા રાજાને આપ્યો.

7 તે સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો. યહૂદિયાનાં કિલ્લેબંધ નગરોમાંના બાકી રહેલાં લાખીશ અને અઝેકા નગરો પર તેનું લશ્કર આક્રમણ કરી રહ્યું હતું. કારણ, એ બે જ કિલ્લેબંધીવાળાં નગરો હજી જીતવાનાં બાકી હતાં.


ગુલામો સાથે ગેરવર્તાવ

8 સિદકિયા રાજાએ યરુશાલેમના સર્વ લોકો સાથે ગુલામોની મુક્તિની જાહેરાત કરવાનો કરાર કર્યો હતો.

9 એ કરાર પ્રમાણે દરેક હિબ્રૂ સ્ત્રી કે પુરુષે ગુલામોને મુક્તિ આપવાની હતી; જેથી કોઈ હિબ્રૂ બીજા હિબ્રૂને ગુલામીના બંધનમાં રાખે નહિ.

10 સર્વ લોકોએ અને તેમના આગેવાનોએ પોતાના પુરુષ અને સ્ત્રી ગુલામોને મુક્ત કરવાનો અને તેમને બંધનમાં નહિ રાખવાનો કરાર કર્યો હતો.

11 તેમણે તેમને એ રીતે મુક્ત પણ કર્યા. પરંતુ પાછળથી તેમણે વિચાર બદલ્યો અને મુક્ત કરેલા યહૂદી સ્ત્રી અને પુરુષ ગુલામોને પાછા બોલાવી લઈને તેમને બળજબરીપૂર્વક ફરીથી ગુલામ બનાવ્યા.

12-13 એ બનાવ પછી યર્મિયાને પ્રભુ તરફથી સંદેશ મળ્યો, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે તમારા પૂર્વજોને મેં ઇજિપ્તની ગુલામીના બંધનમાંથી મુક્ત કર્યા ત્યારે મેં પણ તેમની સાથે કરાર કર્યો હતો.

14 મેં કહ્યું હતું કે, ‘તારો જે હિબ્રૂભાઈ પોતાની જાતે તને ગુલામ તરીકે વેચાયો હોય અને જેણે તારી છ વરસ સેવા કરી હોય એવા દરેકને તમારે સાતમા વર્ષે મુક્ત કરી દેવો.’ પણ તમારા પૂર્વજોએ મારું સાંભળ્યું નહિ કે તે પ્રત્યે લક્ષ આપ્યું નહિ.

15 થોડા દિવસ પહેલાં તમે પશ્ર્વાતાપ કર્યો હતો અને તમારા જાતભાઈને ગુલામીમાંથી મુક્ત કરવાનું મને પ્રસન્‍ન કરે એવું કાર્ય કર્યું હતું અને મારે નામે ઓળખાતા મંદિરમાં મારી સમક્ષ કરાર પણ કર્યો હતો.

16 પણ ત્યાર પછી તમે ફરી ગયા અને દરેકે રાજીખુશીથી મુક્ત કરેલા ગુલામોને પાછા બોલાવી લીધા અને બળજબરીપૂર્વક ફરીથી પોતાના ગુલામ બનાવીને મારું અપમાન કર્યું છે.”

17 તેથી પ્રભુ તમને આ પ્રમાણે કહે છે: “તમે મને આધીન થયા નથી અને તમારી જાતના ગુલામ ભાઈબહેનોને તથા અન્ય ગુલામોને ગુલામીમાંથી સ્વતંત્રતા આપી નથી તો હું પણ તમને યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી મરવા માટે સ્વતંત્રતા આપું છું! હું તમારી એવી દશા કરીશ કે તમને જોઈને પૃથ્વીના બધા દેશોમાં હાહાકાર મચી જશે.

18-19 યહૂદિયા અને યરુશાલેમના આગેવાનો, રાજમહેલના અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદાર વર્ગના સર્વ લોકોએ વાછરડાને કાપીને તેના બે ભાગ વચ્ચેથી પસાર થઈને મારી સાથે કરાર કર્યો હતો, પણ તેમણે મારો કરાર ઉથાપ્યો છે અને મારી સંમુખ કરેલા કરારની શરતોનું પાલન કર્યું નથી. તેથી હું પણ તેમની દશા કાપેલા વાછરડા જેવી કરીશ.

20 હું તેમને તેમનો સંહાર કરવા માગતા તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તેમનાં શબ ગીધડાં અને વનનાં હિંસક પશુઓનો આહાર થશે.

21 બેબિલોનના રાજાના લશ્કરે અત્યારે તો ઘેરો ઉઠાવી લીધો છે પણ પછી તે આક્રમણ કરશે. ત્યારે હું યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના અધિકારીઓને તેમની હત્યા કરવા ટાંપી રહેલા દુશ્મનોના અને તેના લશ્કરના હાથમાં સોંપી દઈશ.

22 જુઓ, હું તેમને આજ્ઞા કરીને આ નગર પર આક્રમણ કરવા પાછા લાવીશ. તેઓ તેના પર હુમલો કરશે, અને નગરને જીતી લઈને બાળી નાખશે. યહૂદિયાનાં નગરોને હું વેરાન અને નિર્જન બનાવીશ. હું પ્રભુ એ બોલ્યો છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan