યર્મિયા 33 - પવિત્ર બાઇબલ C.L.શુભ આશા વિષે બીજું વચન 1 યર્મિયા હજુ ચોકીદારોના ચોકમાં રખાયો હતો, ત્યારે પ્રભુનો સંદેશ તેને બીજીવાર મળ્યો. 2 પૃથ્વીને ઉત્પન્ન કરનાર અને તેની રચના કરી તેને સ્થાપિત કરનાર ઈશ્વર જેમનું નામ યાહવે છે, 3 તે કહે છે, “મને પોકાર કર, એટલે હું તને ઉત્તર આપીશ અને જે મહાન અને ગહન બાબતો વિષે તું કશું જાણતો નથી તે હું તને પ્રગટ કરીશ. 4 કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહું છું: યરુશાલેમનાં મકાનો અને યહૂદિયાના રાજાઓના મહેલોને ખાલદીઓનાં લશ્કર ઘેરા આક્રમણથી તોડી પાડી ખંડેર બનાવશે. 5 ખાલદીઓ અંદર પ્રવેશીને ભારે યુદ્ધ મચાવશે અને મારા કોપમાં સંહાર કરેલા માણસોના મૃતદેહોથી તેઓ એ ખંડેરોને ભરી દેશે. આ નગરના લોકોનાં દુષ્કૃત્યોને લીધે મેં મારું મુખ તેનાથી ફેરવી લીધું છે; 6 પરંતુ આખરે હું તેમના ઘા પર રૂઝ લાવીને તેમને આરોગ્ય આપીશ, હું તેમને નીરોગી કરીશ અને હું તેમને અપાર શાંતિ અને સલામતી બક્ષીશ. 7 યહૂદિયા અને યરુશાલેમને હું સમૃદ્ધ કરીશ અને તેમને પહેલાંના જેવાં ફરી બાંધીશ. 8 મારી વિરુદ્ધ પાપ કરવાને લીધે તેમને જે દોષ લાગ્યો છે તેથી હું તેમને શુદ્ધ કરીશ, અને તેમણે મારી વિરુદ્ધ બંડ કરીને કરેલા તેમના બધા અપરાધો હું માફ કરીશ. 9 યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.” 10 પ્રભુ આ પ્રમાણે કહે છે: “લોકો કહે છે કે આ સ્થાન તો ઉજ્જડ છે તેમાં કોઈ જનજનાવર વસતું નથી. એટલે કે, યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓ ઉજ્જડ છે અને માણસો કે પ્રાણીઓ ત્યાં વસતાં નથી. 11 પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.” 12 સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “આ દેશ વેરાન અને માણસ કે પ્રાણીની વસ્તી વગરનો લાગે છે પણ ફરીથી તેનાં નગરોમાં ઘેટાંપાલકો માટે ચરાણનાં મેદાનો હશે. 13 પહાડીપ્રદેશના નગરોમાં, શફેલા પ્રદેશનાં નગરોમાં, દક્ષિણ યહૂદિયાના નેગેબ પ્રદેશમાં, બિન્યામિન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં અને યહૂદિયાનાં નગરોમાં ઘેટાંપાલકો હાથમાં લાકડી રાખીને ફરીથી પોતાનાં ઘેટાંની ગણતરી કરશે. હું પ્રભુ આ બોલું છું.” ભવિષ્ય વિષે કથનો 14 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાનાં લોકોને આપેલું મારું ઉમદા વચન પૂર્ણ કરીશ. 15 તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.” 16 તે સમયે યહૂદિયા અને યરુશાલેમના લોકોનો ઉદ્ધાર થશે અને તેઓ સલામતી ભોગવશે અને તે રાજા ‘યાહવે-સિદકેનું’ (પ્રભુ અમારા ઉદ્ધારક) એ નામે ઓળખાશે. 17 કારણ, પ્રભુ આ પ્રમાણે કહે છે, “દાવિદના વંશમાં ઇઝરાયલના રાજ્યાસન પર બિરાજનાર ઉત્તરાધિકારીની ખોટ પડશે નહિ. 18 એ જ પ્રમાણે મારી સેવામાં દહનબલિ, ધાન્યઅર્પણ અને રોજિંદાં બલિદાનો ચડાવનાર લેવીકુળના ઉત્તરાધિકારી યજ્ઞકારોની કદી ખોટ પડશે નહિ.” 19-20 પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. પ્રભુ આ પ્રમાણે કહે છે, “જો દિવસ અને રાત સાથેનો મારો કરાર તૂટે એટલે કે દિવસ અને રાત તેમના નિયત કરેલા સમયે ન થાય 21 તો જ દાવિદના રાજ્યાસન પર રાજ કરનાર કોઈ વંશજ ન હોવાથી દાવિદની સાથેનો મારો કરાર તૂટે અને લેવીવંશ મારી સર્વદા સેવા કરશે તે અંગેનો મારો કરાર તૂટે. 22 આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.” 23-24 પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “લોકો જે કહે છે તે તેં ધ્યાનમાં લીધું? તેઓ કહે છે, ‘પ્રભુએ પોતે પસંદ કરેલાં બે કુળ-રાજ્યો, એટલે યહૂદિયા અને ઇઝરાયલનો ત્યાગ કર્યો છે.’ તો શું તેઓ મારી પ્રજાનો તિરસ્કાર કરે છે અને તેને પ્રજા તરીકે પણ ગણતા નથી? 25 પણ હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો દિવસ અને રાત સાથેનો મારો કરાર ટકે નહિ અને જો મેં આકાશ તથા પૃથ્વીના અચળ નિયમો ઠરાવ્યા ન હોય, 26 તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide