યર્મિયા 32 - પવિત્ર બાઇબલ C.L.યર્મિયા જમીન ખરીદે છે 1 યહૂદિયાના રાજા સિદકિયાના રાજ્યકાળના દશમા વર્ષે અને બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારના રાજ્યકાળના અઢારમા વર્ષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો. 2 એ સમયે બેબિલોનના રાજાના લશ્કરે યરુશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને યર્મિયાને રાજમહેલના ચોકીદારોના ચોકમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો. 3 યર્મિયા જે સંદેશ પ્રગટ કરતો હતો તે સંદેશ તે શા માટે પ્રગટ કરે છે એવા આક્ષેપસર યહૂદિયાના રાજા સિદકિયાએ તેને કેદ કર્યો હતો. યર્મિયાનો સંદેશ આવો હતો. આ પ્રભુનો સંદેશ છે: “હું આ નગરને બેબિલોનના રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેને જીતી લેશે. 4 યહૂદિયાનો રાજા સિદકિયા ખાલદીઓના સકંજામાંથી છટકી શકશે નહિ, પણ તેને બેબિલોનના રાજાના હાથમાં અચૂક સોંપી દેવાશે. તે તેને નજરોનજર જોશે અને તેની સાથે રૂબરૂમાં વાત કરશે. 5 તે સિદકિયાને બેબિલોન લઈ જશે અને હું તેની ખબર ન લઉં ત્યાં સુધી સિદકિયા બેબિલોનમાં જ રહેશે. જો કે તમે ખાલદીઓની સામે યુદ્ધ કરશો તોપણ તમે વિજય મેળવશો નહિ.” 6-7 પછી પ્રભુનો આવો સંદેશ મને યર્મિયાને મળ્યો: તારા કાકા શાલ્લુમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને અનાથોથમાંનું તેનું ખેતર ખરીદવા તને વિનંતી કરશે. કારણ, તું તેનો નિકટનો સગો છે અને એ ખેતર ખરીદવાનો તારો હક્ક છે.” 8 પછી પ્રભુના કહેવા પ્રમાણે મારા ક્કાનો પુત્ર હનામએલ ચોકીદારોના ચોકમાં મારી પાસે આવ્યો અને મને કહ્યું, “અનાથોથમાંનું મારું ખેતર તું ખરીદી લે. કારણ, નિકટના સગા તરીકે ખરીદવાનો અને વારસો રાખવાનો સૌ પ્રથમ હક્કતારો છે. તું તારે પોતાને માટે તે ખરીદ કર” તેથી મને ખાતરી થઈ કે આ તો પ્રભુનો જ આદેશ છે. 9 તેથી મેં મારા કાકાના પુત્ર હનામએલ પાસેથી અનાથોથમાંનું તેનું ખેતર ખરીદી લીધું અને તેની કિંમત ચાંદીની સત્તર મહોર જેટલી થઈ; જે મેં તેને તોળીને ચૂકવી. 10 મેં સાક્ષીઓની રૂબરૂમાં વેચાણખત પર સહી કરીને મહોરમુદ્રા કરી અને નાણું ત્રાજવામાં તોળી આપ્યું. 11 ત્યાર પછી નિયમ પ્રમાણે મેં વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લીધી, 12 અને મારા ક્કાનો પુત્ર હનામએલ તથા વેચાણખત પર સાક્ષીઓ તરીકે સહીં કરનાર માણસો અને ચોકીદારોના ચોકમાં જે યહૂદીઓ હાજર હતા તેમની રૂબરૂમાં એ વેચાણખત માઅસેયાના પૌત્ર અને નેરિયાના પુત્ર બારૂખના હાથમાં આપ્યું. 13 એ બધાની સમક્ષ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી. 14 “આ દસ્તાવેજો એટલે કે વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લે અને લાંબો સમય સચવાઈ રહે તે માટે તેમને માટીની બરણીમાં રાખી મૂક. 15 કારણ, ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ પ્રભુ કહે છે કે, ‘આ દેશમાં ફરીથી મકાનો, ખેતરો અને દ્રાક્ષવાડીઓ ખરીદવામાં આવશે.” યર્મિયાની પ્રાર્થના 16 નેરિયાના પુત્ર બારૂખને વેચાણખત આપ્યા પછી મેં પ્રભુને પ્રાર્થના કરી. 17 “હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી. 18 તમે હજારો પેઢીઓ સુધી તમારો અવિચળ પ્રેમ દર્શાવો છો; પણ પૂર્વજોના દોષ માટે તેમનાં સંતાનોને ભરીપૂરીને શિક્ષા કરો છો. તમે મહાન અને સામર્થ્યવાન ઈશ્વર છો તમારું નામ સેનાધિપતિ યાહવે છે. 19 તમારા ઇરાદાઓ મહાન અને તમારાં કાર્યો અદ્ભુત છે. તમે માનવજાતનાં બધાં કાર્યો નિહાળો છો અને પ્રત્યેકને તેનાં આચરણ અને કાર્યો પ્રમાણે બદલો આપો છો. 20 તમે ઇજિપ્ત દેશમાં અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યા હતા અને આજે પણ ઇઝરાયલમાં અને સમસ્ત પૃથ્વી પર એ રીતે કાર્યરત છો. તેથી તમારી કીર્તિ સર્વત્ર ફેલાઈ છે અને તે આજ સુધી કાયમ છે; 21 અદ્ભુત કાર્યો અને ચમત્કારો વડે અમારા શત્રુઓમાં આતંક ફેલાવીને તમે તમારા બળવાન હાથના પ્રહારથી તેમજ તમારો હાથ લંબાવીને તમે ઇઝરાયલ લોકોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા. 22 અને તેમના પૂર્વજોને આપેલા વચન પ્રમાણે તમે તેમને દૂધમધની રેલમછેલવાળો આ ફળદ્રુપ પ્રદેશ આપ્યો છે. 23 પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો. 24 પ્રભુએ કહ્યું, “જો બેબિલોનના લશ્કરે યરુશાલેમ નગરને જીતી લેવા માટે મોરચા ઊભા કર્યા છે; ખાલદીઓએ તે પર રહીને હલ્લો ચલાવ્યો છે અને યુદ્ધ, દુકાળ અને રોગચાળાને લીધે નગર તેમના હાથમાં પડયું છે. તારો સંદેશ સાચો પડયો છે અને તે તું તારી નજરે જુએ છે.” 25 ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર તમે તો મને આદેશ આપ્યો કે ‘ખેતર ખરીદી લે, તેની કિંમત ચૂકવ અને તે વેચાણ માટે સાક્ષીઓ રાખ;’ જ્યારે નગર તો ખાલદીઓના હાથમાં ગયું છે!” 26-27 પછી પ્રભુનો સંદેશ મને મળ્યો. “હું યાહવે સમસ્ત માનવજાતનો ઈશ્વર છું. શું મારે માટે કઈ અશક્ય છે? 28 તેથી હું પ્રભુ આ પ્રમાણે કહું છું: જો, હું આ નગરને ખાલદીઓના તથા બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારને હવાલે કરીશ અને તેઓ તેને જીતી લેશે; 29 તેના પર આક્રમણ કરનાર ખાલદીઓ નગરમાં પ્રવેશીને તેને આગ ચાંપશે અને તેને તથા જે ઘરોની અગાસીઓ પર મને રોષ ચડાવવા માટે બઆલને ધૂપ ચડાવ્યો હતો અને અન્ય દેવોને દ્રાક્ષાસવના પેયાર્પણ રેડયાં હતાં તે બધાં ઘરો સહિત તેને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. 30 કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના આરંભથી જ તેમનાં ભૂંડાં આચરણોથી મને નારાજ કર્યો છે અને ઇઝરાયલના વંશજોએ પોતાના હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરીને મને ક્રોધિત કર્યો છે. હું પ્રભુ આ બોલું છું. 31 આ શહેરને બાંધવામાં આવ્યું ત્યારથી આજ સુધી મને ક્રોધાયમાન અને કોપાયમાન કરવામાં આવ્યો છે અને મેં તેનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે. 32 કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે. 33 તેમણે મારી તરફ મુખ ફેરવવાને બદલે તેમની પીઠ ફેરવી છે; હું તેમને વારંવાર આગ્રહથી બોધ કરતો આવ્યો છું, પણ તેમણે મારી વાણી સાંભળી નહિ, અને મારું શિક્ષણ સ્વીકાર્યું નહિ. 34 એને બદલે, તેમણે તો મારે નામે ઓળખાતા મંદિરમાં તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ સ્થાપીને તેને ભ્રષ્ટ કર્યું છે; 35 તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવની પૂજા માટે ઉચ્ચસ્થાન બાંધ્યું છે; જેથી તેઓ મોલેખ દેવને પોતાનાં પુત્રપુત્રીઓને અગ્નિમાં હોમીને બલિ ચડાવે. મેં તેમને એવું કરવાની ક્યારેય આજ્ઞા આપી નથી, અરે, મારા મનમાં એનો વિચાર સરખોય આવ્યો નથી કે તેઓ એવાં ધૃણાસ્પદ કાર્યો કરીને યહૂદિયાના લોકોને પાપમાં પાડે.” શુભ આશા વિષે વચન 36 તેથી ઈઝરાયલના ઈશ્વર પ્રભુ હવે આ પ્રમાણે કહે છે: “યર્મિયા, લોકો કહે છે કે યુદ્ધ, દુકાળ અને રોગચાળા દ્વારા આ નગર બેબિલોનના રાજાના હાથમાં પડશે. પણ હવે મારે એથી વિશેષ જે કહેવાનું છે તે સાંભળ. 37 મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ. 38 તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ. 39 તેમના તથા તેમના વંશવારસોના હિતને માટે હું તેમને એકનિષ્ઠ હૃદય અને એક જીવનયેય આપીશ કે તેઓ સર્વસમધ્યે મારા પ્રત્યે ભક્તિભાવ દાખવે. 40 હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ. 41 તેમનું કલ્યાણ કરવામાં હું આનંદ માનીશ અને મારા પૂરા દયથી અને સંપૂર્ણ દિલથી હું તેમને આ દેશમાં કાયમને માટે સંસ્થાપિત કરીશ. 42 “હું જ આ લોક પર મહાન આફત લાવ્યો હતો અને હવે હું જ મારા વચન મુજબ તેમનું બધી રીતે કલ્યાણ કરીશ. 43 લોકો કહે છે કે, ‘આ દેશ વેરાન બની ગયો છે અને માણસો કે પ્રાણીઓ તેમાં વસતાં નથી અને તેને ખાલદીઓના લશ્કરને હવાલે કરવામાં આવ્યો છે.’ પરંતુ આ દેશમાં ફરીથી ખેતરો ખરીદવામાં આવશે. 44 બિન્યામીન કુળના પ્રદેશમાં, યરુશાલેમની આસપાસનાં ગામોમાં, યહૂદિયાનાં નગરોમાં, પહાડી પ્રદેશનાં નગરોમાં, શફેલાના ખીણપ્રદેશનાં નગરોમાં, અને યહૂદિયાની દક્ષિણના નેગેબપ્રદેશનાં નગરોમાં લોકો ખેતરો ખરીદશે, તેની કિંમત ચૂકવશે, તે માટે વેચાણખત કરી સહીંસિક્કા કરશે અને સાક્ષીઓ હાજર રાખશે. કારણ, હું મારા લોકોને વતનમાં પાછા વસાવીશ. હું પ્રભુ આ બોલું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide