યર્મિયા 31 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના લોક પાછા ફરશે 1 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલના સર્વ કુળોનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. 2 વળી, હું પ્રભુ એ પણ કહું છું કે જે લોકો તલવારથી બચી ગયા તેમના પર રણપ્રદેશમાં મેં દયા દર્શાવી હતી. જ્યારે ઇઝરાયલ પ્રજા વિસામો શોધતી હતી, 3 ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે; 4 હું તમને ફરીથી પાછા ઉઠાવીશ અને તમે ઊભા થશો; તમે ફરીથી તમારી ખંજરીઓ ઉઠાવીને આનંદથી નાચગાન કરશો. 5 તમે ફરીથી સમરૂનના ટેકરાઓ પર દ્રાક્ષાવાડીઓ રોપશો, અને એ વાડીઓ રોપનારા જ તેનાં ફળ ખાશે. 6 કારણ, એવો દિવસ આવશે જ્યારે એફ્રાઈમ પ્રદેશના પર્વતો પર ચોકીદારો પોકાર કરશે, ‘ચાલો, આપણે આપણા ઈશ્વર પ્રભુ પાસે સિયોન જઈએ.” 7 પ્રભુ આ પ્રમાણે કહે છે, “યાકોબના વંશજોને લીધે આનંદથી જયજયકાર કરો, અને પ્રજાઓમાં એ સર્વશ્રેષ્ઠ લોકો માટે હર્ષના પોકાર કરો. સ્તુતિનાં ગીતો ગાઓ અને કહો, પ્રભુએ પોતાના લોકોનો ઉદ્ધાર કર્યો છે. અને બાકી રહેલાઓને બચાવી લીધા છે. 8 જુઓ, હું એ લોકોને ઉત્તરના પ્રદેશમાંથી પાછા લાવીશ અને પૃથ્વીને છેડેથી હું તેમને એકત્ર કરીશ. તેમની સાથે અંધજનો, પંગુજનો, સગર્ભા સ્ત્રીઓ અને પ્રસૂતા, સૌ એકઠાં થશે, તેઓ વિરાટ જનસમુદાયમાં પાછા આવશે. 9 તેઓ રડતાં રડતાં અને આજીજી કરતાં આવશે, પણ હું તેમને આશ્વાસન સહિત દોરી લાવીશ. હું તેમને વહેતાં ઝરણાંઓ પાસે ચલાવીશ; અને ઠોકર ન લાગે એવા સપાટ માર્ગે ચલાવીશ. કારણ, હું ઇઝરાયલી પ્રજાનો પિતા છું અને એફ્રાઈમનું કુળ મારો જયેષ્ઠ પુત્ર છે. 10 પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ. 11 સાચે જ પ્રભુએ યાકોબના વંશજોને મુક્ત કર્યા છે અને તેમના કરતાં બળવાન પ્રજાના હાથમાંથી તેમનો ઉદ્ધાર કર્યો છે. 12 તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ. 13 ત્યારે યુવતીઓ આનંદથી નૃત્ય કરશે, યુવાનો અને વૃદ્ધો આનંદ કરશે; કારણ, તેમના શોકને હું આનંદમાં પલટી નાખીશ, અને તેમનું દુ:ખ દૂર કરીને તેમને સાંત્વન અને હર્ષ આપીશ. 14 હું યજ્ઞકારોને ઉત્તમ આહારથી તૃપ્ત કરીશ અને મારા લોકો મારી બક્ષિસોથી સંતૃપ્ત થશે. હું પ્રભુ પોતે આ બોલું છું.” ઇઝરાયલ પર ઈશ્વરની દયા 15 પ્રભુ આ પ્રમાણે કહે છે, “રામા પ્રદેશમાં રુદનનાં ડૂસકાં સંભળાય છે; એ અતિ કરુણ વિલાપ છે. રાહેલ પોતાનાં સંતાનો માટે રડે છે; અને તેના પુત્રો માટે સાંત્વન સ્વીકારવાની ના પાડે છે. કારણ, તેઓ તેની પાસે રહ્યાં નથી. 16 હું પ્રભુ તેને આ પ્રમાણે કહું છું: ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ કર, અને તારાં આંસુ સારવાનું બંધ કર. કારણ, તારું કષ્ટ વ્યર્થ જશે નહિ. તારાં સંતાનો શત્રુના દેશમાંથી તારી પાસે પાછાં આવશે. 17 તારા ભાવિ માટે આશા છે; કારણ, તારાં બાળકો પોતાનાં વતનમાં પાછાં આવશે; હું પ્રભુ પોતે એ બોલું છું. 18 મેં એફ્રાઈમના લોકોના પશ્ર્વાતાપનો વિલાપ સાચે જ સાંભળ્યો છે; તે કહે છે, ‘હે ઈશ્વર, અમે વણપલોટાયેલા વાછરડા જેવા હતા; તેથી અમને શિસ્તમાં લાવવા તમે અમને સજા કરી. અમને તમારા તરફ પાછા ફેરવો, એટલે અમે પાછા ફરીશું; કારણ, તમે અમારા ઈશ્વર પ્રભુ છો. 19 અમે તમારો ત્યાગ કર્યો હતો, પણ હવે અમે પસ્તાવો કરીને તમારી પાસે પાછા આવ્યા છીએ. અમને સમજણ આવ્યા પછી ખૂબ શરમ લાગી, અમારી યુવાન વયનાઅપરાધોને લીધે હવે અમને શરમ લાગે છે અને લજ્જા આવે છે.’ 20 એફ્રાઈમ કુળના લોકો મારે માટે લાડીલા પુત્ર સમાન છે, તે મારે માટે પ્રિય બાળક સમાન છે. જેટલીવાર મારે તેમને ધમકી આપવી પડે છે, તેટલીવાર મને એ યાદ આવે છે. તેથી તેમને માટે મારું દિલ ઝૂરે છે, અને હું જરૂર તેમના પર રહેમ દાખવીશ. હું પ્રભુ પોતે કહું છું. 21 હે ઇઝરાયલના લોકો, તમારે માટે રસ્તાઓ દર્શાવતી નિશાનીઓ મૂકો, અને માર્ગદર્શક સ્તંભો ઊભા કરો. તમે જે રાજમાર્ગે ગયા હતા, તે ધ્યાનમાં રાખો. તમે પાછા ફરો; તમારાં નગરોમાં પાછા આવો. 22 હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે! ઈશ્વરના લોકોનું સમૃદ્ધ ભાવિ 23 ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું મારા લોકને દેશનિકાલમાંથી પાછા લાવીને તેમના વતનમાં પુન: વસાવીશ ત્યારે યહૂદિયામાં અને તેનાં નગરોમાં આવો આશીર્વાદ ઉચ્ચારાશે: ‘હે ન્યાયના નિવાસસ્થાન સમા પવિત્ર પર્વત, પ્રભુ તને આશિષ આપો.’ 24 યહૂદિયાનાં બધાં નગરોમાં લોકો, ખેડૂતો અને ઘેટાબકરાં પાળનારા સાથે વસશે. 25 નિર્ગત જનોને હું તાજગી પમાડીશ અને નિર્બળોને હું તૃપ્ત કરીશ.” 26 એના સુખદ સ્વપ્નથી હું સફાળો જાગી ઊઠયો અને જોવા લાગ્યો, મારી એ ઊંઘ મીઠી હતી. 27 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ. 28 એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું. 29 તે સમયે કોઈ ફરીથી એમ નહિ કહે કે, ‘ખાટી દ્રાક્ષ તો માબાપે ખાધી પણ બાળકોના દાંત ખટાઈ ગયા!’ 30 એને બદલે, જે કોઈ ખાટી દ્રાક્ષ ખાશે તેના જ દાંત ખટાઈ જશે અને દરેક વ્યક્તિ પોતાના જ પાપે મરશે. નવા કરાર વિષે વચન 31 પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના લોકો સાથે નવો કરાર કરીશ. 32 હું તેમના પૂર્વજોનો હાથ પકડીને તેમને ઇજિપ્તમાંથી બહાર દોરી લાવ્યો ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો આ કરાર નહિ હોય. હું તેમનો પતિ હોવા છતાં તેમણે મારો કરાર ઉથાપ્યો. 33 પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. 34 ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.” 35 જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે; 36 એ જ પ્રભુ આમ કહે છે: “મેં સ્થાપેલો આ કુદરતી ક્રમ જારી રહે ત્યાં સુધી ઇઝરાયલી લોકનું એક પ્રજા તરીકેનું અસ્તિત્વ મારી સમક્ષ ચાલુ રહેશે. હું પ્રભુ આ બોલું છું.” 37 વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે: “જો કાઈ ઉપરનાં આકાશ માપી શકે અને પૃથ્વીની નીચેના પાયાઓ શોધી શકે તો જ હું ઇઝરાયલના વંશજોનો તેમનાં કાર્યોને લીધે ત્યાગ કરી શકું! હું પ્રભુ પોતે આ બોલું છું.” 38 વળી, પ્રભુ કહે છે: “એવો સમય આવશે જ્યારે પ્રભુના નગર યરુશાલેમનો કોટ હનામએલના મિનારાથી પશ્ર્વિમે ખૂણાના દરવાજા સુધી ફરીથી બાંધવામાં આવશે. 39 અને હદ માપવાની દોરી ત્યાંથી સીધી પશ્ર્વિમમાં ગારેબના ટીંબા અને ગોઆહ સુધી જશે. 40 અને જ્યાં મૃતદેહો દફનાવવામાં આવે છે અને કચરો બાળી નાખવામાં આવે છે એ આખો ખીણપ્રદેશ અને કિદ્રોનના વહેળા પરના બધાં ખેતરોથી છેક પૂર્વમાં ઘોડા દરવાજા સુધીનો બધો વિસ્તાર પ્રભુને માટે પવિત્ર થશે. તે પછી એ નગરને ફરીથી કદી તોડી પાડવામાં આવશે નહિ કે તેનો નાશ થશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide