યર્મિયા 30 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલ અને યહૂદિયાનું પુન: પ્રસ્થાપન 1 પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશ મળ્યો: 2 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આ પ્રમાણે કહે છે, મેં તને જે જે સંદેશાઓ આપ્યા છે તે બધા તું એક પુસ્તકમાં લખી લે. 3 કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.” 4 ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને પ્રભુ કહે છે: 5 “મેં એક ભયાનક ચીસ સાંભળી, તેમાં શાંતિનો નહિ, પણ આતંકનો પોકાર હતો, 6 જરા તપાસ કરી જૂઓ! શું કોઈ પુરુષ કદી બાળકને જન્મ આપી શકે? તો પછી હું દરેક પુરુષને પ્રસૂતાની જેમ પીડાઈને પોતાનું પેટ દાબતો કેમ જોઉં છું? વળી, બધાનાં મુખ કેમ ફિક્કાં પડી ગયાં છે? 7 અરેરે, એક એવો ભયાનક દિવસ આવે છે કે જેને બીજા કોઈ દિવસ સાથે સરખાવી શકાય નહિ; તે તો યાકોબના વંશજો માટે સંકટનો સમય હશે; છતાં તેઓ તેમાંથી ઊગરી જશે. 8 “હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ. 9 તેઓ ફરીથી પરદેશીઓની ગુલામી કરશે નહિ, પણ તેઓ મારી, તેમના ઈશ્વર પ્રભુની અને જેને રાજા બનાવું તે દાવિદના વંશજની સેવા કરશે.” 10 પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ. 11 કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.” 12 વળી, પ્રભુ પોતાના લોકને આ પ્રમાણે કહે છે: “તમારો ઘા રૂઝાય તેવો નથી, અને તારો જખમ જીવલેણ છે, 13 તમારો પક્ષ લેનાર કોઈ નથી, તમારા ઘા માટે કોઈ અક્સીર દવા નથી, એને રુઝ આવવાની કોઈ આશા નથી. 14 તમારા બધાં મિત્રરાજ્યો તમને ભૂલી ગયાં છે, તેઓ તમારી ખબર પણ પૂછતાં નથી. તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપને લીધે મેં તમને એ સજા કરી છે. મેં તમારા પર નિર્દય શત્રુની જેમ પ્રહાર કર્યો અને તમને આકરી સજા કરી છે. 15 તમારા ઘા માટે કેમ બૂમ પાડો છો? તમારા જખમનો કોઈ ઈલાજ નથી. કારણ, તમારી ભારે દુષ્ટતા અને તમારાં અઘોર પાપોને લીધે મેં તમને એ સજા કરી છે. 16 તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે. 17 પણ છેવટે હું તમને આરોગ્ય પાછું આપીશ અને તમારા ઘા રુઝવીશ; ભલેને પછી તેઓ તમને ‘તજી દેવાયેલા’ અને ‘સિયોનની કોને દરકાર છે’ એમ કહે! હું પ્રભુ આ બોલું છું.” 18 પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે. 19 તેમાં વસનારા લોકો ઈશ્વરની સ્તુતિ કરશે અને હર્ષનો જય જયકાર કરશે. હું તેમની સંખ્યામાં વૃદ્ધિ કરીશ અને તેમાં ઘટાડો કરીશ નહિ, હું તેમને ગૌરવવાન કરીશ અને તેઓ અપમાનિત થશે નહિ. 20 તેમનાં સંતાનો પ્રાચીન સમયના જેવા શક્તિશાળી થશે, તેમનો સમાજ મારી સમક્ષ પુન: સ્થાપિત થશે; અને તેમના પર જુલમ કરનારાઓને હું સજા કરીશ. 21 તેમનો શાસક તેમના પોતાનામાંનો જ હશે, અને તેમની મધ્યેથી જ તેમનો અધિકારી થશે; હું તેને આમંત્રણ આપીશ, એટલે તે મારી પાસે આવશે. કારણ, મારા આમંત્રણ વગર મારી પાસે આવીને, પોતાનો જીવને જોખમમાં નાખવાની હિંમત કોણ કરે? 22 તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ.” 23 (પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે. 24 પ્રભુનો સંકલ્પ પાર પડે નહિ, ત્યાં સુધી પ્રભુનો ઉગ્ર કોપ શમશે નહિ. ભવિષ્યમાં એ તમને સમજાશે.) |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide