યર્મિયા 3 - પવિત્ર બાઇબલ C.L.બેવફા ઇઝરાયલ 1 પ્રભુ કહે છે, “કોઈ માણસ પોતાની પત્નીને લગ્નવિચ્છેદ આપે અને તે તેને મૂકીને બીજા માણસની પત્ની બને તો પછી શું પહેલો પતિ તેને ફરીથી અપનાવે? જો એવું બને તો દેશ ભ્રષ્ટ થઈ જાય. હે ઇઝરાયલ, પણ તેં તો ઘણા આશકો સાથે વેશ્યાગીરી આચરી છે! અને શું હવે મારી પાસે પાછી ફરવા માંગે છે? 2 તારી નજર ઉઠાવીને ઉજ્જડ ટેકરીઓની ટોચ તરફ જો. શું કોઈ એવી જગા બાકી છે કે જ્યાં તેં વેશ્યાગીરી આચરી ન હોય? રણમાં ટાંપીને બેઠેલી વિચરતી જાતિના માણસની જેમ તું રસ્તાની બાજુએ બેસીને પ્રેમીઓની રાહ જુએ છે. તારી વેશ્યાગીરીથી અને અધમતાથી તેં દેશને ભ્રષ્ટ કર્યો છે. 3 તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી! 4 અને હવે તું મને કહે છે, ‘ઓ બાપ રે, તમે તો મારા યૌવનના મિત્ર છો. 5 તમે કાયમને માટે રોષે ભરાયેલા રહેશો નહિ અને તમે અંત સુધી વેર રાખવાના નથી.’ હે ઇઝરાયલ, તું એ પ્રમાણે કહે છે ખરી, પણ સાથે સાથે તેં તારી ઇચ્છા પ્રમાણે દુષ્ટતા આચરવાનું ચાલુ રાખ્યું છે!” પસ્તાવાનો સંદેશ 6 પછી યોશિયા રાજાના સમયમાં પ્રભુએ મને કહ્યું, “પેલી બેવફા સ્ત્રી ઇઝરાયલે આચરેલાં ભ્રષ્ટ કામો તેં જોયાં છે ને? તેણે મારો ત્યાગ કર્યો છે અને દરેક લીલા વૃક્ષ નીચે તેણે વેશ્યાગીરી આચરી છે. 7 મેં ધાર્યું કે એ બધાં કામ કર્યા પછી પણ તે જરૂર મારી પાસે પાછી આવશે, પણ તે પાછી ફરી નહિ અને તેની બેવફા બહેન યહૂદિયાએ બધું જોયું. 8 ઇઝરાયલે મારો ત્યાગ કર્યો અને વેશ્યાગીરી આચરી, તેથી મેં લગ્નવિચ્છેદ કરીને તેને કાઢી મૂકી તે પણ યહૂદિયાએ જોયું; છતાં એનાથી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા ગભરાઈ નહિ અને તેણે પણ વેશ્યાગીરી આચરી. 9 તેની દષ્ટિમાં એ અનીતિનાં કામો જાણે કંઈ જ હોય ન તેમ તેણે પથ્થર તથા લાકડાની પૂજા કરીને વ્યભિચાર કર્યો અને દેશને ભ્રષ્ટ કર્યો. 10 આ બધું કર્યા પછી ઇઝરાયલની બહેન બેવફા યહૂદિયા સાચા દિલથી નહિ, પણ માત્ર ઢોંગથી પાછી ફરી છે. હું પ્રભુ પોતે આ બોલું છું.” 11 પછી પ્રભુએ મને કહ્યું, “બેવફા યહૂદિયાની સરખામણીમાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે. 12 તું ઉત્તરમાં જા અને ઇઝરાયલને કહે, આ પ્રભુનો સંદેશ છે: હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ, મારી તરફ પાછી ફર; કારણ, હું પ્રભુ દયાળુ છું અને તેથી હું તારી સાથે અંટસ રાખીશ નહિ. 13 માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.” સારા ભાવિ વિષે આગાહી 14 વળી, પ્રભુ કહે છે, “હે મારો ત્યાગ કરનાર લોક, પાછા ફરો. હું તમારો માલિક છું. હું તમારા નગરમાંથી એકએકને અને તમારા કુળપ્રદેશમાંથી બબ્બેને લઈને તેમને સિયોન પર્વત પર પાછા લાવીશ. 15 મને પ્રસન્ન કરે એવા રાજપાલકો હું તમને આપીશ. તેઓ જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તમારું પાલનપોષણ કરશે. 16 પછી દેશમાં તમે સંખ્યામાં વૃદ્ધિ પામશો અને આબાદ થશો ત્યારે લોકો પ્રભુની કરારપેટી વિષે વાત કરશે નહિ. તેઓ તે વિષે વિચારશે નહિ કે તેને યાદ પણ કરશે નહિ; તેમને તેની ખોટ સાલશે નહિ કે નવી બનાવશે પણ નહિ. 17 એ સમયે યરુશાલેમ ‘પ્રભુ યાહવેનું રાજ્યાસન’ કહેવાશે અને સર્વ દેશના લોકો મારે નામે ભક્તિ કરવા યરુશાલેમમાં એકત્ર થશે, ત્યારે તેઓ તેમનાં હઠીલાં અને ભ્રષ્ટ અંત:કરણો પ્રમાણે વર્તશે નહિ. 18 તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે. પ્રભુના લોકની મૂર્તિપૂજા 19 “મેં મારા મનમાં વિચાર્યું: હું ઇઝરાયલને પુત્રો તરીકે સ્વીકારવા કેવો તત્પર છું! હું તેમને વારસામાં સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ અને રળિયામણો દેશ આપીશ. તેથી મેં કહ્યું: ‘તમે મને પિતા કહો, મને સદા અનુસરો અને મારો ત્યાગ કરશો નહિ’. 20 પરંતુ પોતાના પતિને બેવફા થનાર પત્નીની જેમ હે ઇઝરાયલના વંશજો, તમે મને બેવફા નીવડયા છો. હું પ્રભુ એ કહું છું. 21 (ટેકરીઓની ટોચે અવાજ સંભળાય છે. ઇઝરાયલના લોકો રુદનસહિત આજીજી કરે છે. કારણ, તેમણે ભ્રષ્ટ આચરણ કર્યું છે અને પોતાના ઈશ્વર પ્રભુને વીસરી ગયા છે.) 22 હે મારો ત્યાગ કરનારા વંશજો, પાછા ફરો, અને હું તમારી બેવફાઈમાંથી તમને સુધારીશ.” લોકોએ જવાબ આપ્યો, “તમે અમારા ઈશ્વર યાહવે છો અને અમે તમારી તરફ પાછા ફરીએ છીએ. 23 સાચે જ ટેકરીઓ અને ડુંગરોના દેવદેવીઓનો પૂજા ઉત્સવ કરવો વ્યર્થ છે. ઇઝરાયલને માટેનો ઉદ્ધાર તો આપણા ઈશ્વર પ્રભુ તરફથી મળે છે. 24 તોે અમારા પૂર્વજોએ જેમને માટે પરિશ્રમ કર્યો હતો એટલે તેમનાં ઘેટાંબકરાં અને તેમનાં ઢોરઢાંક અરે, તેમના પુત્રો અને પુત્રીઓ એ સૌ આ લજ્જાસ્પદ બઆલની પૂજામાં ગુમાવી દીધાં છે એ અમારા યૌવનકાળથી જોતા આવ્યા છીએ. 25 અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide